રાજકોટ ગોંડલ હાઇવે પર રીબડામાં આવેલી અનિરૂધ્ધસિંહ જાડેજાની વાડીમાં કુખ્યાત બુકી દીપકસિંહ જાડેજા ક્લબ ચલાવતો હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને હકીકત મળતા જિલ્લા પોલીસની ટુકડી ખાબકી હતી. વાડીમાં પોલીસ પહોંચતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસ વડા મીણાએ જણાવ્યું હતું કે, સ્થળ પરથી 18 શખ્સોને રોકડા રૂ.8,13,200ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી એક ફોર્ચ્યુનર કાર અને મોબાઇલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એસ.પી. મીણાએ કહ્યું હતું કે, વાડી રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની માલિકીની છે, જોકે તે સ્થળ પરથી મળી આવ્યા નહોતા.

હાઇવે પર જ આવેલી વાડીમાં ક્લબ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ અધિકારીને આ બાબતની જાણ નહોવા અંગે અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે જુગાર ક્લબનો રેલો સ્થાનિક પોલીસ અધિકારી સુધી પહોંચશે અને તેની સામે ખાતાકીય પગલાં તોળાઇ રહ્યાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું હતું.