રાજકોટ શ્રી અટલ બિહારી વાજપાઇ ઓડિટોરિયમ ખાતે માલધારી સમાજના ઉત્કર્ષ માટે મનોમંથન અર્થે યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, માલધારી સમાજ મજબુત, ખડતલ, સ્વાભિમાની અને ખૂબ મહેનતુ સમાજ છે. આ સમાજ પરંપરાગત રીતે સ્થળાંતરિત કરતો સમાજ છે. સમયની સાથે સાથે પરિવર્તન મુજબ આ સમાજને પણ મુખ્ય પ્રવાહમાં ભેળળવો જરૂરી છે. તેમની ઓળખ અને દેશના વિકાસમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે અને તેમની આવનારી પેઢી ભણી ગણી આગળ આવે તે માટે યથાર્થ પ્રયત્નો કરવાનો પ્રારંભ થઈ ચુક્યો હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું.
મંત્રી એ માલધારી સમાજ પશુધનના સંવર્ધન થકી દૂધ તેમજ દૂધની પ્રોડક્ટના સહારે આર્થિક રીતે સધ્ધર બને તે માટે આહવાન કરી કહ્યું હતું કે, માલધારીઓએ પશુઓને યોગ્ય ચારો, પશુ દાણ, રસીઓ સહીત આરોગ્યની સુવિધાઓનો લાભ લેવો જોઈએ. કચ્છના માલધારીઓને આ વિસ્તારમાં પાણીની સુવિધા આ સરકારે પુરી પાડી છે એટલે હવે તેઓને અન્ય સ્થળે આવાગમન કરવું પડતું નથી. કેન્દ્ર સરકાર દ્વારા ‘વન નેશન વન રાસન’, ‘આયુષ્માન ભારત’ જેવી યોજનાઓ વિચારતી જાતિના લોકોને મદદરૂપ બની રહી હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું.
- Advertisement -
માલધારી સમાજની દુવિધાઓને વાચા આપવાનું કામ સહજીવન જેવી સંસ્થાઓએ કર્યું છે તેમને ખાસ અભિનંદન પાઠવતા મંત્રી રૂપાલાએ આ ચિંતન સેમિનારમાં માલધારી સમાજને ઓળખ અને તેમના ઉતકર્ષ માટે જરૂરી તમામ સહાયની કેન્દ્ર સરકાર વતી ખાત્રી આપી હતી.
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ માલધારી સમાજ ખેડૂતો જેમ જ કઠિન પરિસ્થિઓમાં ઉછરી જીવન ગુજારાતો હોવાનું અને તેમને ચોક્કસ રહેણાંક, બાળકો માટે અભ્યાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સનિષ્ઠ પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ ડેરીના ચેરમને ગોરધનભાઈ ધામેલીયાએ ગોપાલ ડેરી અને દૂધ ઉત્પાદક સંઘ વિષે જણાવ્યું હતું. તેમજ ડેરી ખાતે ખાસ ટેક્નોલોજીથી દૂધમાં ભેળસેળ રોકવા માટેના સાધન સુવિધાની માહિતી આપી હતી.
સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વાલમભાઇ હુંબલે કચ્છના પશુપાલકો અને ખાસ કરીને ઊંટના દૂધ ઉત્પાદકો માટે ડેરી દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને ભારતના પ્રથમ ઊંટના દૂધ પ્રોસેસ માટેના પ્લાન્ટની વિગતો પુરી પાડી હતી.
- Advertisement -
સહજીવન સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનોજભાઈ મિશ્રાએ શાબ્દિક પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે માલધારી સમાજને સાચી ઓળખ મળે તેમજ તેમની આજીવિકા અંગે વિચાર-વિમર્શ થાય અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાકીય સહાય થી તેઓ માહિતગાર બને તેમ આ સેમિનારનો ઉદેશ હોવાનું જણાવ્યું હતું.
ઊંટ તેમજ બકરીના દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ્સના ઉત્પાદન કરતી સંસ્થાઓની પ્રોડક્ટ્સનું મંત્રી ના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તેમજ વિવિધ મેળાઓમાં હરીફાઈમાં વિજેતા પશુઓના માલિકોને ઇનામ આપવામાં આવ્યા હતા. રમેશભાઈ ભટ્ટી દ્વારા ઊંટ, બકરા, ગધેડા નવ જેટલી પ્રજાતિની ખાસિયત અને માંગ વિષે માહિતી પુરી પાડી હતી.
કાર્યક્રમના પ્રારંભે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ માલધારી સમાજની મહિલાઓએ ઉપસ્થિત મહાનુભાવોનું પારંપરિક સ્વાગત કર્યું હતું. મહાનુભાઓએ માલધારી સમાજ જીવનને ઉજાગર કરતા પ્રદર્શન તેમજ ઊંટ અને બકરીના દૂધની વિવિધ પ્રોડક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, અગ્રણીઓ સર્વે મહેશભાઇ પટેલ, ડો. એસ વી મહેતા, નીતાબેન પંડ્યા, ડો. બી એલ ગોહિલ, ડો. જી. કે. બામણીયા, પ્રશાંત જોષી, રાઠી સહીત મહાનુભાઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના માલધારી સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી (આઈ.સી.એ.આર) દ્વારા હાલારી ગધેડાને દેશની નવી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળવાથી અને હાલારી ગધેડીનું દૂધ વિશ્વમાં સૌથી મોંઘા ભાવનું દૂધ હોવાથી સૌરાષ્ટ્રના હાલારી ગધેડાએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
સહજીવન અને સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ સંસ્થા દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી કચ્છમાં બન્નીની ભેંસ, કચ્છી ખારાઈ ઊંટ, કચ્છી સિંધી અશ્વ, રબારી, ભરવાડ, માલધારી સમુદાય સાથે કાર્યરત છે સહજીવન સંસ્થા દ્વારા પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય સાથે ઘનિષ્ટ સંકલનથી છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, દ્વારિકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના માલધારીઓ સાથે દેશી પશુ ઓલાદોની માન્યતા અને સંવર્ધન, બકરી અને ગધેડાના દૂધની બજાર વ્યવસ્થા ઘેટાના ઉન અને પ્રોડક્ટ પશુ આરોગ્ય માલધારીઓના બ્રીડર્સ એસોસિયન બનાવવા વગેરે પ્રક્રિયા હાથ ધરાય છે.