દાતારના જંગલમાં ચંદનના વૃક્ષો કાપવાની ઘટના, જૂનાગઢથી રાજસ્થાન જતી બસમાંથી કટિંગ વૃક્ષો હાથ લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ ગીરનારના ડુંગરોમાં આવેલાં વન્ય સંપદાની સુરક્ષા પર વધુ એકવાર સવાલ ઊઠ્યો છે, ત્યારે જૂનાગઢ વન વિભાગે ચંદન ચોરીના એક મોટા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. ગીરનાર જંગલની ડુંગર દક્ષિણ રેન્જમાં ખોડિયાર રાઉન્ડ વિસ્તારમાંથી ચંદનનાં વૃક્ષો કાપી ચોરી કરતા એક શખ્સને વન વિભાગે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
વન વિભાગના ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યા અનુસાર, ગીરનારના જંગલોમાં ચંદન ચોરીની બાતમી મળતાં વન વિભાગની ટીમ દ્વારા છેલ્લાં પાંચ દિવસથી સતત વોચ રાખવામાં આવી હતી. આ વોચ દરમિયાન પાજનાકા પુલ નજીકથી વિરમારામ મોતીરામ કલાવા રહે. સાટીયાખેડી તા.ગોંગુદા જી. ઉદયપુર નામના શખ્સને ચંદનના લાકડાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, તેનો અન્ય એક સાથી ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછ અને બાતમીના આધારે વન વિભાગે તપાસનો દોર લંબાવતા, ઉદયપુર, રાજસ્થાન જતી એક બસની પણ તપાસ કરી હતી. આ બસમાંથી પણ ચંદનના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જોકે બસમાં આ મુદ્દામાલ લઈને જઈ રહેલાં અન્ય ત્રણ શખ્સો પણ ફરાર થઈ ગયા હતા. આ તપાસમાં દાતારના જંગલ વિસ્તારમાં કુલ 4 ચંદનના વૃક્ષો કપાયેલા જોવા મળ્યા હતા. વન વિભાગે આ કપાયેલા વૃક્ષોમાંથી અંદાજે રૂ. 1 લાખની કિંમતનું ચંદનનું લાકડું જપ્ત કર્યું છે. પકડાયેલો શખ્સ પણ ઉદયપુર, રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે, જેના પરથી ચંદન ચોરીનું નેટવર્ક આંતરરાજ્ય હોવાની શંકા છે. હાલમાં, ફરાર થયેલા અન્ય શખ્સોને પકડવા માટે વન વિભાગની ચાર ટીમો દ્વારા દાતારના જંગલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, કારણ કે એક શખ્સ હજુ પણ જંગલમાં છુપાયેલો હોવાની આશંકા છે. સમગ્ર મામલે ડીસીએફ અક્ષય જોશીની આગેવાનીમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.



