અશિક્ષિત પત્રકારો અને સોશિયલ મીડિયાના સ્વયં ઘોષિત પત્રકાર દ્વારા સ્વાર્થ અનુસાર થતો ફેક ન્યૂઝનો ફેલાવો
ગુજરાતી પત્રકારત્વમાં કહેવાઈ રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે, જાણવા મળ્યું છે, પ્રાપ્ત વિગત અનુસાર, મળતી માહિતી મુજબ, અંગર સૂત્રો પાસેથી, નામ ન આપવાની શરતે, અમે પૃષ્ટિ કરતા નથી વગેરે જેવા શબ્દોનો ભરપૂર ઉપયોગ કરીને સાચી-ખોટી માહિતીને સમાચારના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરી નાખવામાં આવે છે. આજકાલથી નહીં, વર્ષોથી આ શબ્દરમત ચાલી આવે છે. હમણાંહમણાંથી તો આ પ્રકારના શબ્દોનો ઉપયોગ પણ ઓછો થઈ ગયો છે, સીધું જ કશું તપસ્યા વિના જે જોયું કે જાણ્યું તેને સત્ય માની સમાચાર સ્વરૂપે પબ્લીશ, પોસ્ટ અને પછી શેઅર કરી દેવામાં આવે છે. કોઈ ઘટના બનવાની હોય કે કોઈ ઘટના બની ગઈ હોય તે વિશે સામાન્ય માણસથી લઈ પત્રકારો પાસે અલગઅલગ અને એકએકથી ચઢિયાતી માહિતી હોય છે. ઇન્ફોર્મેશનના વિસ્ફોટ વચ્ચે કઈ માહિતી કોની સાચી અને કઈ માહિતી કોની ખોટી એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. સૌથી પહેલા, સૌથી વધુ વ્યૂઅર્સ અને રીડર્સ વધારવાની રેસમાં મિસ ઈન્ફોર્મેશન અને ડિસ ઈન્ફોર્મેશનનો વધી ગયું છે, જે માહિતીને અર્ધ સત્ય અથવા અસત્ય બનાવી નાખે છે અને જોતજોતામાં માહિતી અફવામાં પરિવર્તિત થઈ જાય છે. જેને ફેક ન્યૂઝ પણ કહેવામાં આવે છે.
- Advertisement -
1890ના દાયકામાં જ્યારે અખબારોમાં સનસનાટીભર્યા અહેવાલો સામાન્ય હતા ત્યારે ફેક ન્યૂઝ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નથી. ફેક ન્યૂઝ એટલે ખોટી અથવા ભ્રામક માહિતી જેને સમાચાર સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવી છે એવું કહી શકાય. ફેક ન્યૂઝ બનાવવા અને ફેલાવવાનો ઉદ્દેશ્ય અલગઅલગ હોય છે. આ ફેક ન્યૂઝને ટક્કર આપી રહી છે, ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ. અખબારો, ટીવી ચેનલ્સ, ન્યૂઝ વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલી માહિતી સત્ય, અર્ધસત્ય કે અસત્ય છે કે નહીં તેની ચકાસણી હવે ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ પર થાય છે. કમનસીબે કેટલીક ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ પક્ષપાતી વલણ ધરાવતી થઈ ગઈ છે અને પસંદગીયુક્ત તથ્યની જ તપાસ કરે છે અને તેમાં પણ તેઓ તથ્યોને તોડવા-મરડવામાં કઈ જ બાકી રાખતા નથી. કહેવા માટે તેઓ સાચા કે ખોટા સમાચારોની ચકાસણી કરે છે પરંતુ હકીકતમાં તેઓ કોઈ ચોક્કસ વિચારધારા, કોઈ ચોક્કસ પક્ષ અથવા કોઈ ચોક્કસ સંગઠનના લોકોને સારા અથવા ખોટા સાબિત કરવા ઈચ્છતા હોય છે. મોટાભાગની ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ પણ એક એજન્ડા આધારિત કામ કરે છે. મારી સમજ મુજબ ફેક્ટ ચેકિંગ એટલે તથ્યો તપાસવા.. આ સંદર્ભમાં ફેક્ટ ચેકિંગ શબ્દ જ થોડો ખોટો અને ખૂંચે છે, ફેક ચેકિંગ અથવા ઈન્ફો ચેકિંગ શબ્દ હોવો જોઈએ.
જો સમાચાર ફેક્ટ છે તો પછી ચેક કરવા જરૂર નથી. અને જો કહેવાતા સમાચાર ફેક્ટ નથી, ફેક છે તો જ તેને ચેક કરવા જરૂર પડે છે. સમચારમાં સ્વરૂપમાં અફવા ફેલાતી હોય તો જ તે તપાસનો વિષય બને છે. એટલે ફેક્ટ નહીં ફેક ચેકિંગ હોવું જોઈએ. ફેક ન્યૂઝનું દૂષણ દૂર કરવા ફેક ચેકિંગ વેબસાઈટ્સએ નિષ્પક્ષ – તટસ્થ કામ કરવું પડશે. ફેક ન્યૂઝ એકલા ભારતમાં જ ફેલાઈ રહ્યા છે એવું નથી. ફેક ન્યૂઝનો ઈતિહાસ ઘણો જૂનો છે. વિશ્વ યુદ્ધો દરમિયાન કોણ જીત્યું અને કોણ હાર્યુંના બનાવટી સમાચાર ફેલાવવામાં આવતા હતા. એક અહેવાલ અનુસાર 19મી સદીના સૌથી મોટા ફેક ન્યૂઝ અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક સન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ધ ન્યૂયોર્ક સન અખબારે લખ્યું હતું છે કે, બે અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા હતા અને ત્યાં તેમને જીવન મળ્યું હતું. જોકે એક મહિના પછી અખબારે તેના વાંચકોને કહેવું પડ્યું હતું કે, આ શ્રેણી બનાવટી સમાચાર પર આધારિત છે. કોઈ સત્ય ન માની લેશો. આમ, ફેક ન્યૂઝ ફેલવવામાં અશિક્ષિત પત્રકારો અને બેજવાબદાર સમાચાર સંસ્થાઓનો ફાળો સવિશેષ છે. 21મી સદીમાં ઈન્ટરનેટના આગમન – ઉદય પછી ફેક ન્યૂઝની ત્સુનામી આવી ગઈ છે. વધુને વધુ ક્લિક્સ મેળવવા કેટલાક અશિક્ષિત પત્રકારો જ અધૂરી, અધકચરી, અસત્ય, અર્થહિન માહિતી સમાચારના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરે છે. વળી સોશિયલ મીડિયાના સ્વયં ઘોષિત પત્રકાર તેમાં સ્વાર્થ અનુસાર સુધારો-વધારો કરી તેનો ફેલાવો કરતા જ જાય છે. ફેક્ટ ન્યૂઝની સરખામણીમાં ફેક ન્યૂઝ ઝડપથી ફેલાય છે. કારણ કે, સત્ય સમાચારોની તુલનામાં અસત્ય સમાચારો વધુ આકર્ષિત કરનારા હોય છે. બ્રેકિંગ ન્યૂઝ સિન્ડ્રોમને કારણે પણ ફેક ન્યૂઝનો મોટા પ્રમાણમાં વધારો અને ફેલાવો થયો છે.
સમાચારો ફેક્ટ હોય તો ચેક કરવા જરૂર નથી, ફેક હોય તો જ ચેક કરવા પડે: ફેક્ટ ચેકિંગ નહીં, ફેક ચેકિંગ હોવું જોઈએ
- Advertisement -
મોટાભાગના લોકો પોતાના પાસે આવેલી માહિતીને બ્રેકિંગમાં ખપાવી અન્યને જણાવવાની તાલાવેલી રાખતા હોય છે. જેવું જાણો એવું બધાને કહી દેવાની ઘેલછાને કારણે ફેક ન્યૂઝ વધી ગયા છે. પહેલાના પત્રકારત્વમાં એ સુનિશ્ચિત કરવામાં આવતું હતું કે સમાચાર થોડા મોડા પ્રસારિત થાય તો પણ તે સ્ત્રોતના આધારે હોવા જોઈએ અને તે સ્ત્રોત વિશ્વસનીય હોવા જોઈએ. કોઈપણ માહિતીને સમાચારનું સ્વરૂપ આપી ન શકાય. સમાચાર તૈયાર કરવાની એક આખી પ્રક્રિયા છે, જે અંતર્ગત પહેલા તેની તપાસ કરવી જોઈએ, પછી તેની ઉલટ તપાસ કરવી જોઈએ, ક્રોસ ચેક બાદ ક્રોસ વેરીફાઈ પણ કરવું જોઈએ. રિપોર્ટરથી લઈ એડિટર સુધી તમામે સમાચારનો સ્ત્રોત તપાસવો જરૂરી છે, સૂત્રના આધારે સમાચાર ન લખી કે કહી શકાય. જૂની પેઢીના પત્રકારો પાસે પત્રકારત્વની ડિગ્રી નહતી છતાં તેઓ જવાબદાર પત્રકારત્વ કરતા હતા. નવી પેઢીના પત્રકારો જેમણે પત્રકારત્વનું શિક્ષણ મેળવ્યું નથી, જર્નાલિઝમ વિશે જાણતા નથી છતાં આ ફિલ્ડમાં આવ્યા છે તેમને કમ્ફર્ટ ઝોનમાં રહેવું ગમે છે. એસી ચેમ્બરમાં બેસીને સમાચાર આપતી વેબસાઈટ પર પરથી સમાચારની ઉઠાંતરી કરવી છે, તેમાં સુધારો-વધારો કરી કઈપણ લખી કે બોલી નાખવું છે.
અગાઉ રિપોર્ટિંગ સ્થળ પરથી જ થતું હતું, આજે રિપોર્ટીંગ કહેવા પૂરતું રહ્યું છે, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ખૂટે છે. અને બસ એટલે જ અહીંથી ફેલાવવાની શરૂઆત થાય છે, ફેક ન્યૂઝ. અહીં એ સમજવું જરૂરી છે કે, ન્યૂઝ એ પ્રોસેસ્ડ પ્રોડક્ટ છે. જો તે સમાચાર છે તો તે નકલી નથી અને જો તે નકલી છે તો તે સમાચાર નથી. આજે પ્રેસ રિલીઝ એટલે કે પ્રેસનોટ લખી-બોલી નાખવાના કામને પત્રકારત્વ માનવામાં આવી રહ્યું છે. પ્રેસનોટમાં પણ જે લખાણ આવે તે શબ્દશ: પ્રસિદ્ધ કરી દેવામાં આવે છે, હેડિંગ, પેટા કે ઈન્ટ્રો બદલવાની કોઈ તસ્દી લેતું નથી. ફેક ન્યૂઝ ફેલાવવાનું આ પણ એક કારણ છે કે, કોઈ દ્વારા લેખિત કે મૌખિક આપેલી માહિતી પ્રેસનોટ સમજી કશી જ તપાસ કર્યા વિના પ્રસિદ્ધ કરી દેવામાં આવે છે. જોકે આ માટે પણ ફેક ન્યૂઝ નહીં, ફેક ક્ધટેન્ટ શબ્દ બરાબર રહેશે. ફેક ક્ધટેન્ટને બનાવતું, ફેલાતું રોકવા માટે પત્રકારત્વમાં પ્રશિક્ષણ મેળવેલી વ્યક્તિને જ પ્રવેશ આપવો જોઈએ. ઈન્ટરનેટ આવ્યું એ પહેલા પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં માત્ર પ્રશિક્ષિત અને નિષ્ણાતો જ સમાચાર લખતા હતા, ઈન્ટરનેટ આવ્યું પછી દર પાંચમી વ્યક્તિ પત્રકાર બની બેઠી છે. જે સત્યતા તપાસ્યા વિના ગમે તે પોસ્ટ અને શેર કરે છે. જે ફેક ન્યૂઝને જંગલની આગની જેમ ફેલાવી દે છે. ફેક ન્યૂઝના કારણે આ દેશમાં પત્રકારત્વનું સ્તર નીચે જઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ આ ક્ષેત્રમાં એવા અનપ્રોફેશનલ લોકોની હાજરી છે જેઓ ન તો પત્રકારત્વની નૈતિકતા જાણતા હોય છે અને ન તો તેમની પાસે કોઈ વ્યાવસાયિક અનુભવ કે વ્યવહારિક જ્ઞાન હોય છે. તેથી જ આજના યુગમાં પત્રકારત્વના સ્નાતકોને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે. આ સાથે પત્રકારત્વનું સ્તર પણ વધશે અને તે સ્નાતકોને રોજગાર પણ મળશે. વધતામાં ફેક ન્યૂઝ પણ ફેલાતા અટકશે.