વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી પંચાયતોના સરપંચને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા
આપણું ગામ-આપણું ગૌરવ ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોનું અભિવાદન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોનું અભિવાદન કરવામાં આવ્યુ હતું. આ તકે મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર વધુ ભાર મૂકતા હવે ગામડામાં પણ સ્વચ્છ રહે તે માટે વ્યક્તિ દિઠ પહેલા આપવામાં આવતા રૂ.4ને બમણા કરી મહિને એક વ્યક્તિ દિઠ રૂ. 8ની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. તેમજ દરેક ગામ વચ્ચે સફાઈ-સ્વચ્છતાની હરીફાઈ થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવા આહવાન કર્યું છે. આ ઉપરાંત 761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડી.બી.ટી.થી ફાળવી અને પંચાયત ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ માટે 1236 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. આ તકે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી પંચાયતોના સરપંચને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે કેન્દ્ર જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ તથા મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો છે તેની ભૂમિકા આપતા સ્પષ્ટ પણે જણાવ્યું કે કહ્યું કે, ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે તમારે સૌએ ગામના વિકાસ કામોના પિલ્લર બનવાનું છે. દેશમાં અંદાજે 4 કરોડ ગ્રામીણ ગરીબોને આવાસ, એક દશકમાં 2 લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં ઇન્ટરનેટ અને સાડા પાંચ લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર્સ ગ્રામીણ નાગરિકોને સરકારી સેવાના લાભ પહોંચાડવા કાર્યરત થયા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
- Advertisement -
નવનિયુક્ત સરપંચ અને સદસ્યઓને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ તેમના ગામના વિકાસની સંપૂર્ણ જવાબદારી નવનિયુક્ત સરપંચ અને સદસ્યોને સોંપી છે. ગામનો સર્વાંગી વિકાસ, લોકશાહી કાર્યપ્રણાલીનું સંરક્ષણ અને વિકસિત ગુજરાતના નિર્માણમાં ગામનું મહત્વપૂર્ણ યોગદાન એ દરેક સરપંચની નૈતિક ફરજ છે. જેમ રાજ્યની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રીની હોય છે, તેવી જ રીતે એક ગામને સમૃદ્ધ બનાવવાની સંપૂર્ણ જવાબદારી સરપંચની છે.