-કોઈપણ સંગઠન કોઈને સન્માન તરીકે એવોર્ડ આપે છે તેનું રાજનીતિકરણ ન થવુ જોઈએ: સંસદીય કમીટી
સરકારની નીતિરીતિનાં વિરોધમાં દેશમાં છેલ્લા કેટલાંક સમયથી એવોર્ડ વાપસીનું ચલણ શરૂ થયુ છે. ભૂતકાળમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ એવોર્ડ પરત આપી વિરોધ નોંધાવ્યો છે. હવે આ પ્રકારનાં વિરોધ પર લગામ કસવા માટે સંસદીય સમિતિએ અન્ડર ટેકીંગ ફોર્મ ભરવાની ભલામણ કરી છે. કમિટીનું કહેવુ છે કે એવોર્ડ મેળવનાર વિજેતાઓ પાસે અગાઉથી જ ફોર્મ પર સહી કરાવી લેવામાં આવે કે તે ભવિષ્યમાં પોતાનો એવોર્ડ પરત નહિં કરે.
- Advertisement -
કમીટીએ એવોર્ડ વાપસીનાં મુદાને દેશનું અપમાન ગણાવ્યું છે. આથી પુરસ્કારોની શાખ પર અસર પડી રહી છે. આ સમિતિમાં લોકસભાનાં 21 અને રાજયસભાનાં 10 સભ્યો સામેલ છે. સંસ્કૃતિ મંત્રાલય સાથે સંલગ્ન સંસદની આ સ્ટેન્ડીંગ કમીટીનાં અધ્યક્ષ રાજયસભા સાંસદ અને વાયએસઆર કોંગ્રેસના નેતા વી.વિજયસાય રેડ્ડી છે. પાર્લીયામેન્ટરી કમિટિએ 2015 માં કર્ણાટકનાં જાણીતા લેખક કલબૂર્ગીનાં મર્ડર બાદ એવોર્ડ વાપસીનો ઉલ્લેખ પણ કર્યો હતો. કમીટીએ જણાવ્યું હતું કે ભારત એક લોકશાહી દેશ છે.
આપણું બંધારણ દરેક નાગરીકને ભાષણ અને અભિવ્યકિતની આઝાદી આપે છે.બંધારણ વિરોધની પણ આઝાદી આપે છે પણ પુરસ્કાર પરત કરવા એક રીત બની રહ્યું છે. જયારે આવુ ન હોવુ જોઈએ. કમીટીએ જણાવ્યું હતું કે કોઈપણ સંગઠન કોઈને સન્માન તરીકે એવોર્ડ આપે છે એટલે તેનું રાજનીતિકરણ ન થવુ જોઈએ. ઘણીવાર એવુ જોવા મળ્યુ છે કે લોકો સરકાર સાથે સહમત નથી થતા તો એવોર્ડ પરત કરવાની વાત કરવા લાગે છે.