દિલ્હીમાં પણ બે દિવસમાં વરસાદ શરૂ થઇ જશે : દરિયાકાંઠાના રાજયો માટે આગાહી : સિક્કિમમાં હજુ રેડ એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
દેશમાં પૂર્વોતર અને દક્ષિણના રાજયોમાં પુરથી હાલત ખરાબ છે. ત્યારે મધ્યપ્રદેશથી લઇ પશ્ર્ચિમ બંગાળ સુધી રાહતભર્યો વરસાદ શરૂૂ થઇ ગયો છે. દિલ્હી અને એનસીઆરમાં પણ સપ્તાહના અંત સુધીમાં ચોમાસુ બેસી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સિકકીમ અને પશ્ર્ચિમ બંગાળ રેડ એલર્ટ પર છે. આસામમાં પૂરથી 1.75 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરૂૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ર્ચિમ બંગાળ, ગોવા અને સિકકીમમાં અલગ અલગ સ્થળે ભારે વરસાદ પડી રહ્યો છે. અંદામાન નિકોબાર ટાપુ, પશ્ર્ચિમી મધ્યપ્રદેશ, દક્ષિણ ઉત્તરપ્રદેશના અમુક ભાગ, બિહાર, પૂર્વ રાજસ્થાન, તામિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આસામમાં બ્રહ્મપુત્ર સહિત ઘણી નદીઓમાં પૂર આવ્યા છે અને રાજયના 9 જિલ્લામાં પોણા બે લાખ લોકોને અસર થઇ છે. હિમાચલપ્રદેશમાં આગામી 4 દિવસ સુધી વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા.28, 29 જુને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કિન્નોર, સિમલા, લાહૌલ-સ્પીતિ, સોલન, મંડી, કુલ્લુ, ચંબામાં આજથી અને બિલાસપુર, હમીરપુર, કાંગડામાં 27 જુનથી 1 જુલાઇ સુધી મૌસમ બગડશે તેવું જાહેર કરાયું છે. રાજસ્થાનમાં તા.28થી ચોમાસુ જામી જવાની શકયતા છે. ઉત્તરપ્રદેશમાં ચોમાસુ સક્રિય બન્યું છે. લખનૌ સહિત ઘણા જિલ્લામાં હળવા વરસાદથી વાતાવરણ ખુશ્ર્નુમા થયું છે અને આજે પણ વરસાદ ચાલુ રહ્યો છે. બિહારના ઘણા જિલ્લામાં પણ સારો વરસાદ પડી શકે છે. આ રીતે દેશમાં હવે ચોમાસુ દોડવા લાગ્યું છે.
જમ્મુ, પંજાબ, બિહારમાં લુ વર્ષા: લોકો કંટાળ્યા
દેશમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે પહાડી રાજયો જમ્મુ-કાશ્ર્મીરના જમ્મુ વિસ્તારથી લઇ ઉત્તર ભારતના રાજયો હજુ વરસાદની પ્રતિક્ષામાં છે. આ રાજયોમાં હજુ બે દિવસ સુધી લુ વરસવાની સંભાવના છે. પંજાબ અને બિહારમાં પણ આવી હાલત છે. રાજધાની દિલ્હીના આકાશમાં વાદળો છવાઇ રહ્યા છે. પરંતુ ઝાપટા વચ્ચે ગરમી અને બફારાથી લોકોની હાલત ખરાબ થઇ રહી છે.