પોષણ ઉડાનની પતંગ દેશના દરેક રાજ્ય અને જિલ્લા સુધી પહોંચશે: ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરીને દરેક બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્ય કક્ષાના ‘પોષણ ઉડાન-2025’ કાર્યક્રમને એકતાનગરના વ્યુ પોઈન્ટ-1 ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ કુલ રૂા. 1247 લાખના ખર્ચે 58 આંગણવાડી કેન્દ્રોના ઈ-ભૂમિ પૂજનની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં જીએસપીસીના સીએસઆર ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (એલજીએસએફ) ટેકનોલોજીનો વપરાશ કરી મહત્ત્વાકાંક્ષી દાહોદ જિલ્લામાં 29 અને નર્મદા જિલ્લામાં 25 તેમજ ગાંધીનગર જિલ્લાના 4 મળીને કુલ 58 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
- Advertisement -
‘પોષણ ઉડાન’ અંતર્ગત પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ પ્રસંગે મંત્રી બાબરીયાએ જણાવ્યું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુપોષિત રાજ્ય બનાવવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતે પોષણની ઉડાનને વધુ મજબૂતાઈથી પ્રોત્સાહિત કરી છે.વધુમાં મંત્રીએ કહ્યું કે પોષણ ઉડાનની પતંગને રાજ્યના ઘરે ઘર પહોંચાડવા માટે રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સહિત પ્રજાની ભાગીદારી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. પોષણ ઉત્સવને જનભાગીદારીથી જનઆંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે. મકરસંક્રાંતિના પર્વ સાથે પોષણ ઉડાન કાર્યક્રમને જોડવાનો એકમાત્ર આશય નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાકના મહત્ત્વ વિશે સમજણ પૂરી પાડવાનો છે.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્યના સ્તરને ઉંચુ લાવવા બદલ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સહભાગીદારી સુનિશ્ર્ચિત થાય તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ડબલ એન્જિનની રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીનો ઉલ્લેખ કરી જનલક્ષી યોજનાઓનો બહોળો લાભ મેળવવા સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભ મંત્રી બાબરીયાએ શિયાળામાં બનતી વૈવિધ્યસભર વાનગીઓ તેમજ પ્રાદેશિક પૌષ્ટિક વાનગીઓ, સરગવા જેવા સુપર ફૂડની વિશેષતા અને લીલા શાકભાજીઓનું મહત્ત્વ, લોહતત્ત્વનું મહત્ત્વ, ટેક હોમ રાશન અને શ્રી અન્ન તેમજ તેમાંથી બનતી વાનગીઓ, વિટામીન-સી, ગ્રીન સલાડ, ફણગાવેલા કઠોળ, મિક્ષ કઠોળ, ફળોનું મહત્ત્વ સમજાવતાં વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.