કેવી રીતે યુવતીઓનો શિકાર બન્યો એક યુવક

32 વર્ષની ઉંમરે સેક્સથી દૂર ભાગી રહેલો યુવાન

મેધા પંડ્યા ભટ્ટ

લેટ્સ ડેટની આ ચોથી વાર્તા છે. આ પહેલા આવેલી ત્રણેય સત્યઘટનાને લોકોએ ખૂબ પસંદ કરી છે અને દર વખતે નવી વાત વિશે અને સોશિયલ મીડિયાનો ભોગ બનનાર યુવક અને યુવતીના કિસ્સા જાણવા માટે લોકો આતુર રહે છે.
આજે એક એવા યુવાનની (આપણે તેને સંતોષ તરીકે ઓળખીશુ) વાત કરું છું જે ફક્ત 32 વર્ષની ઉંમરે શારીરિક સંબંધથી દૂર ભાગી રહ્યો હોય તેવી તેની પરિસ્થિતી થઇ ગઇ છે. હજી તે તેની નોર્મલ લાઇફમાં પાછો ફરી શક્યો નથી. તેની સાથે બનેલી ઘટના પછી આજદીન સુધી હજી તે કોઇની સાથે સંબંધ બાંધી શક્યો નથી. તેનો ઇલાજ ચાલી રહ્યો છે. તે જે પીડામાંથી પસાર થયો તેની વાત અહીં ખાસ રજૂ કરીશ. આ યુવકનો સંપર્ક મને કોઇ ડેટીંગ એપ પર થયો નથી. ઇન્સ્ટાગ્રામમાં એક યુવકનો મને મેસેજ આવ્યો અને તેણે મને તેના આ મિત્રની વાત કહી. હું તેને 2019ની નવરાત્રી પહેલા મળી. યુવકને જોઇને દેખાવમાં તે નોર્મલ લાગે પણ તેની સાથે પ્રેમ કે શારીરિક સંબંધની વાત કરો તો તેના ચહેરાના હાવભાવ બદલાઇ જાય. તે જાણે અર્ધપાગલ હોય તેવું આપણને દેખાઇ આવે. આ યુવકને મળ્યા પછી મને પણ સ્ટોરી લખવામાં થોડો સમય લાગ્યો. કદાચ તેની સાથે થયેલી ઘટનાની માનસિક અસર કહી શકાય. આ યુવકની વાત તેના મિત્ર રાહુલે મને કહી છે. તો રાહુલની પાસેથી જ તેની વાત સાંભળીયે.

હું અને સંતોષ (નામ બદલેલ છે) બંને કોલેજથી સાથે છીએ. મસ્તીખોર અને હરવા ફરવાના શોખીન રહ્યા છીએ. સંતોષ ખૂબ જ ખુશમિજાજી વ્યક્તિ હતો. તેને નાની નાની વાતમાં મસ્તી મજાક કરવાનો શોખ હતો. અમારું ચાર-પાંચ મિત્રોનું ગ્રુપ છે. તેમાં લોકો તેની હાજરીને કારણે હંમેશા ખુશ રહે તેવું કહી શકાય. તેના વિના ક્યારેય કોઇ પ્લાનિંગ થાય જ નહીં. ત્રણ વર્ષ પહેલા એટલે કે 2017ની વાત કરું છું. તેના જીવનમાં રીધમ (નામ બદલેલ છે) નામની યુવતી આવી. અમે લોકો સિંધુ ભવન રોડ પર ગ્રુપમાં બેઠા હતા અને રીધમ તેની ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે કારમાં ત્યાં આવી. યુવતીઓનું ગ્રુપ જોઇ કોઇપણ યુવાનોનું ગ્રુપ ટીખળ કરવાનું છોડે નહીં અને આજ તે દિવસે બન્યું. સંતોષ તેમાં વધારે હોશિયાર હતો. રીધમ અને તે બંને એકબીજાને સિગ્નલ આપી રહ્યા હતા. થોડા સમય પછી રીધમે સામેથી જ સંતોષને બોલાવ્યો અને તેની ગાડીમાં લોંગ ડ્રાઇવ પર નીકળી ગઇ. તેની બાકીની ફ્રેન્ડ્સ બધી ત્યાં જ હતી. અડધો કલાક પછી બંને પાછા આવ્યા. અમે તો સંતોષની ફીરકી લીધી અને ખૂબ મસ્તી મજાક થયા.

સંતોષે થોડા સમય પછી અમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં કહ્યું કે તે અને રીધમ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. અમને પણ થયું કે ચાલો દોસ્તને ગર્લફ્રેન્ડ મળી ગઇ. સંતોષ એવો યુવક છે કે જો કોઇને પ્રેમ કરે તો તેના માટે ફના થઇ જાય. જોકે અમારા મિત્રોના ગ્રુપમાં હું એક જ સિંગલ છું. બાકી બધા જ ગર્લ ફ્રેન્ડ્વાળા છે. મારે અને સંતોષને વધારે સારું બનતું એટલે તે મને ક્યારેક રીધમ વિશે કહેતો. તેની વાતો પરથી તે રીધમને કેટલો પ્રેમ કરે છે, તે સ્પષ્ટ સમજાઇ જતું. ધીમે ધીમે સંતોષ અમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં આવતો ઓછો થયો. લગભગ ત્રણ મહિના થયા હશે કોઇને તેના વિશે ખબર જ નહોતી. ક્યારેક ફોન કરીયે તો બીઝી છે તેવું કહેતો. હું એક દિવસ તેના ઘરે ગયો તો તે બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. તેને પૂછતા તેણે કહ્યું કે રીધમ સાથે ત્રણ દિવસ ઉદેપૂર ફરવા જાઉં છું. મેં મજાકમાં કહ્યું કે દોસ્તોને યાદ કરતો રહે. અમે હસીને છૂટા પડ્યા.

તે મુલાકાત પછીના પાંચમાં દિવસે સંતોષનો મને સામેથી ફોન આવ્યો કે મને મળવા માંગે છે. તે ખૂબ ગભરાયેલો હોય તેવું તેના અવાજ પરથી લાગી રહ્યું હતું. હું તરત તેને મળ્યો. અમારો અડ્ડો સિંધુ ભવન રોડ છે, તો ત્યાં મળ્યા. તે ગાડીની અંદર હતો. મને જોઇને બહાર નીકળ્યો અને ભેટી પડ્યો. તે જાણે કોઇ ટેન્શનમાં હોય કે કોઇ તકલીફ હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. મેં તેને પૂછ્યું, શું થયું કેમ નર્વસ છો. તે હજીપણ સ્વસ્થ નહોતો. હું તેને ત્યાંથી અમારા એક બીજા મિત્રના ફ્લેટ પર લઇ ગયો. આ ફ્લેટની ચાવી અમારા મિત્રો પાસે હોય જ છે. અમે ઘણીવાર આ ફ્લેટ પર પાર્ટી કરવા ભેગા થતા હોઇએ. જ્યાં મિત્રો સિવાય કોઇ હોતું નથી. તે ફ્લેટ પર અમે બે જ હતા. તે ફ્લેટમાં જતાની સાથે જ એકદમ ભાંગી પડ્યો અને મને ભેટીને રડવા લાગ્યો.
સંતોષને ધ્રૂસકે ધ્રૂસકે રડતા જોવો અશક્ય જ નહીં અક્લપનીય હતું. મેં તેને થોડીવાર રડવા દીધો. મારા એક અન્ય મિત્ર કલ્પેશને ફોન કરીને બોલાવ્યો. તે આવ્યો. અમે બંનેએ સંતોષને પૂછ્યું કે શું થયું છે. તેણે અમને વિગતે વાત કરી, કે રીધમ સાથે તે ઉદેપૂર ગયો ત્યારે તેની સાથે એક ગેમ રમાઇ ગઇ હતી. રીધમે તેની અન્ય બે ફ્રેન્ડ્સને પણ પહેલેથી તે હોટલમાં રહેવા માટે કહી દીધુ હતું. સંતોષ અને રીધમે પહેલા દિવસની રાત્રે ડ્રિન્ક કર્યું અને સંબંધ બાંધ્યો હતો, પછી સંતોષ સૂતો હતો. મોડી રાત્રે રીધમની એક ફ્રેન્ડ સંતોષના રૂમમાં આવી. સંતોષને વધારે ભાન નહોતું. સંતોષે તે યુવતી સાથે પણ રીધમ સમજીને મોડી રાત્રે સેક્સ કર્યું. આ બીજી યુવતી સાથે થયેલા સેક્સનો વિડીયો રીધમે ઊતારી લીધો હતો. બીજે દિવસે આખો દિવસ ફર્યા પછી રાત્રે બંનેએ ફરી ડ્રિન્ક કર્યું. રીધમે સંતોષને તે દિવસે વધારે ડ્રિન્ક કરવા કહ્યું અને સાથે જ કંઇક નવી ફેન્ટસી ટ્રાય કરવાનું બહાનું કરીને તેના હાથ અને પગ બેડ સાથે બાંધી દીધા. સંતોષના શરીર પરના તમામ કપડાં ઊતારીને રીધમ બાથરૂમમાં જતી રહી. થોડીવાર પછી રૂમનો બેલ વાગ્યો. રીધમે દરવાજો ખોલ્યો તો તેની બંને ફ્રેન્ડસ હતી. સંતોષ બેડ પર કપડા વિનાનો અને ત્રણેય યુવતીઓ તેની સામે ઊભી હતી.

સંતોષે ડ્રિન્ક ખૂબ કર્યું હતું, તેથી તેને વધારે કશુંય સમજાતું નહોતું પણ તે દિવસે રાત્રે તેણે શારીરિક સંબંધ નહોતો બાંધ્યો પણ તેના પર રેપ થયો હોય તેવું સ્પષ્ટ કહી શકાય. આ તમામ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો. ત્રીજા દિવસે સંતોષની હાલત એવી નહોતી કે તે ગાડી ડ્રાઇવ કરીને અમદાવાદ આવી શકે. તેથી રીધમ અને તેની ફ્રેન્ડ્સ સંતોષને લઇને અમદાવાદ આવ્યા અને તેના ઘરે મૂકી ગયા. સંતોષના ઘરે તેની તબિયત વધારે ડ્રિન્ક કરવાથી બગડી છે, તેવું કહી દેવામાં આવ્યું. બે દિવસના આરામ પછી સંતોષ થોડો સ્વસ્થ થયો. તેના શરીર પર થયેલા કેટલાક ઘાવને લઇને તે ચિંતીત હતો. પોતાની સાથે થયેલી ઘટનાને તે યાદ કરી શકતો હતો પણ તેની સાથે જે થયું તેને સ્વીકારી શકતો નહોતો. તે માનસિક રીતે ખૂબ ભાંગી ગયો હતો અને અંતે તેણે મને ફોન કર્યો. તેનું ખાસ કારણ એ હતું કે રીધમે ઊતારેલા બંને રાતના વિડીયોથી તે હવે તેને બ્લેકમેઇલ કરી રહી હતી. સંતોષે રીધમને કહેવાથી બે લાખ રૂપિયા તો તેને આપી દીધા પણ રેગ્યુલર તે રકમ આપતો રહે અને પોતે જેનો ભોગ બન્યો છે, તે પીડા પણ સહન કરે તેવી તેની માનસિક હાલત રહી નહોતી.
અમે તેને જાણીતા સાયકોલોજીસ્ટ પાસે લઇ ગયા અને સાથે જ સેક્સોલોજીસ્ટને પણ બતાવ્યું. બંનેએ તેની જે હાલત દર્શાવી તે અમને ખરેખર નવાઇ લાગી. એકસાથે ત્રણ યુવતીઓના વાઇલ્ડ સેક્સનો ભોગ તે બન્યો હતો. તેની માનસિક હાલત એવી હતી કે તે હવે તે કોઇની સાથે પણ શારીરિક સંબંધ બાંધવાના વિચારથી જ ડરી રહ્યો હતો. તેનું કારણ એ હતું કે તેને સતત શારીરિક અને માનસિક પીડા આપવામાં આવી હતી. વિડીયો બતાવીને તેને અડધો ગાંડો કરી દેવામાં આવ્યો હતો. હવે મિત્રને સાચવવા સિવાય કોઇ ઉપાય નહોતો. રીધમનો પૈસા માટે ફરીથી ફોન સંતોષને આવ્યો અને મેં તેની સાથે વાત કરી અને મળવા બોલાવી. સાથે જ તેની ફ્રેન્ડ્સને પણ લઇ આવવા કહ્યું. પૈસા આપવાની વાત હતી. આ કેસમાંથી તેને કેવી રીતે બહાર કાઢવો તે વિચારવાનું હતું.
રીધમ તેની ફ્રેન્ડ્સ સાથે આવી અને અમે તેની સાથે વાત કરી. તમામ વિડીયો ડિલીટ કરવા કહ્યું. જો આ નહીં કરે તો વિડીયોમાં સંતોષ અર્ધબેભાન છે, તો અમે ત્રણેય યુવતીઓ પર રેપ કેસ પણ દાખલ કરી શકીયે છીએ. એક મિત્રના ઓળખાણથી એક પોલીસ અધિકારીને પણ સાથે રાખ્યા હતા. તેમણે તમામ બાબતો ત્રણેય યુવતીઓને ગંભીરતાથી સમજાવી. સાથે જ હોટલના સીસીટીવી ફૂટેજ અને મેડિકલ રીપોર્ટ્સ પણ રજૂ કરીશું તેવું જણાવ્યું. યુવતીઓ ગભરાઇ ગઇ અને ત્રણેય જણાયે તેમના મોબાઇલમાંથી વિડીયો ડિલિટ કર્યા. તેમની પાસે ભવિષ્યમાં સંતોષને ક્યારેય હેરાન નહીં કરે તેવું લખાણ પણ કરાવ્યું. સંતોષની મુશ્કેલી તો દૂર કરી પણ તેને એક વર્ષ થયું હોવા છતાંય અમે આ પરિસ્થીતીમાંથી બહાર કાઢી શક્યા નથી. તે હવે થોડો થોડો ગ્રુપમાં ભળતો થયો છે પણ અમે અમારા પહેલાના મિત્ર સંતોષને ખૂબ મિસ કરી રહ્યા છીએ. જોકે તેને પાછો નોર્મલ કરવો અમે મિત્રોએ જવાબદારી સંભાળી છે. તેને નોર્મલ કરીશું તે અમે ચાર મિત્રોએ નક્કી કર્યું છે.

સમજવા જેવું

પ્રેમ અને લાગણીમાં તણાયેલા યુવક સાથે રમત રમાઇ ગઇ. આર્થિક, માનસિક અને શારીરિક રીતે તેણે ભોગવવું પડ્યું છે. તમારા જીવનમાં તમારી ગમે તેટલી નજીકની વ્યક્તિ હોય તો તેનાથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આજે કઇ વ્યક્તિ કેવા મુખોટા પહેરીને તમારા જીવનમાં આવે છે, તે તમે પોતે પણ ઓળખી શકતા નથી. પ્રેમિકાના રૂપમાં પણ હવે તમને કેટલી વિશ્વાસુ વ્યક્તિ મળે છે, તે સમજી શકાતું નથી. તમે તમારા જે મિત્રો સાથે વર્ષોથી સંપર્કમાં હો તેનાથી ક્યારેય છૂટા ન પડો. તમારા જીવનમાં જે પણ અપડેટ હોય કોઇ ખાસને તો તે જરૂરથી જણાવો. ઘણીવાર તમે આંધળો પાટો રમતા હો પણ સામેવાળી વ્યક્તિ કદાચ તમારા જીવનમાં થયેલા ફેરફારને સમજી શકે છે. તો તે તમને સલાહ આપી શકે છે. ક્યાંક તમને અલગ ન લાગે પણ તમારા મિત્રોને કંઇક અજૂગતું થયાનો અહેસાસ થાય તો તમને એકવાર તો ધ્યાનદોરી શકે છે. કોઇ નવી વ્યક્તિના જીવનમાં પ્રવેશના કારણે જૂના મિત્રોને ક્યારેય ભૂલવા નહીં.