દીપાવાલી પર્વમાં મંદિરોમાં અન્નકોટનું અનેરું મહત્વ
લંડનમાં 2500 વાનગીના અન્નકોટની નોંધ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ લેવાઈ છે: હર્ષો ઉલ્લાસ સાથે ધર્મસ્થાનોમાં દીપોત્સવી પર્વની ઉજવણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત વર્ષ માટે કહેવાયું છે કે ભારતીય પર્વ ઉત્સવોનો રાજા એટલે દીપોત્સવી પર્વ માણસોનો ઉત્સવ પ્રિય છે. પરંતુ પશ્ચિમની સંસ્કૃતિના ઉત્સવો અને ભારતીય ઉત્સવોમાં ફર્ક છે. ભારતીયો ઉત્સવ ઉજવે છે ભગવાનને કેન્દ્રમાં રાખીને ! ભારતીયો ઉત્સવ ઉજવે છે એકબીજાની જૂની દુશ્મનાવટ ભૂલીને ! દીપોત્સવી એટલે કે દિવાળી પર્વ આપણા માટે શિરમોડ ઉત્સવ છે.
આસોવદ એકાદશીથી અમાવસ્યા સુધીનું આ ઉત્સવ પંચક ગણાય છે. એકાદશી, વાઘ બારસ, ધન તેરસના દિવસોમાં લોકો જુના ચોપડા પૂરા કરતા પહેલા જેટલું દેવું હોય તેની લેણદેણ પૂર્ણ કરે છે. પછી નવા વર્ષે જ નવા મુહૂર્તમાં નવા ચોપડા અને પૈસાની લેવડદેવડ ખૂલે છે. કાળી ચૌદશે શ્રી રામદૂત હનુમાનજીની પણ પૂજા થાય છે. શ્રીરામ , લંકા વિજય કરીને અયોધ્યા પધાર્યા અને ભગવાન કૃષ્ણએ નરકાસુર ભૌમાસુરનો નાશ કરીને પ્રજાને ત્રાસ મુક્ત કરી તે દિવસથી આપણે દિવાળી ઉજવતા આવીએ છીએ. અજ્ઞાનના અંધકારમાંથી ભક્તિના જ્ઞાનના પ્રકાશ તરફ ગુરુ આપણને દોરી જાય તે આ દિવાળીના તહેવારનો મર્મ છે. વૈષ્ણવાચાર્ય શ્રીવલ્લભાચાર્યના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજીના વ્રતોત્સવના નિર્ણયના આધારે જ સ્વામિનારાયણ સંપ્રદાય પણ ભક્તિ સંપ્રદાય હોવાથી આ ઉત્સવો ઉજવતો આવે છે.ગોકુળમાં એક વખત નંદબાબા ઇન્દ્રપૂજા કરી રહ્યા હતા. બાળકૃષ્ણે નંદ બાબાને આ વિશે પૂછ્યું ત્યારે નંદ બાબાએ ઇન્દ્ર પૂજાની મહત્તા વર્ણવતા કહ્યું કે ’ વરસાદના સ્વામી ઈન્દ્રની કૃપાથી આપણી ખેતી વગેરેને જીવત દાન મળે છે તેથી તેની પૂજા કરવાની આપણી પરંપરા છે.’ આ સાંભળી ભગવાન કૃષ્ણ બોલ્યા કે “સુખ દુ:ખના મૂળમાં તો માનવોના કર્મ છે અને કર્મફળપ્રદાતા ભગવાન છે.

પિતાજી આપણે તો આ ગોવર્ધન પર્વત, આ ગાયો અને આ બ્રાહ્મણોની પૂજા એ સર્વશ્રેષ્ઠ પૂજા છે. એમ કહી ભગવાને કહ્યું કે હવેથી હંમેશા માટે ગાયોને ચારો અને ગોવર્ધનને ભોગ ધરાવવામાં આવે. આ જાણીને ઈન્દ્ર એ તારાજી સરજી અને બારે મેઘ ખાંગા કર્યા ત્યારે પરમાત્માનું બળ બતાવવા ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીએ આખો ગોવર્ધન પર્વત ઊપાડ્યો અને તેના નીચે ગોકુળના નરનારી અને પશુઓની ભયંકર વરસાદ થકી રક્ષા કરી. આ પ્રસંગથી આપણે ત્યાં ગોવર્ધન અને ગોવર્ધનધારીની પૂજાનું મહત્વ વધ્યું. અન્નકૂટ એટલે અન્નનું શિખર પણ કહેવાય. એટલે ભગવાન સમક્ષ નવી નવી વાનગીઓ શિખર કે ઢગ સ્વરૂપે ભગવાન સમક્ષ મૂકીને ભગવાનને ધરાવવામાં આવે છે. જેને આપણે અન્નકૂટ ઉત્સવ કહીએ છીએ. માટીનો ગોવર્ધન પર્વત બનાવીને તેની પૂજા પણ થાય છે. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ તમામ શિખરબદ્ધ મંદિરો , હરિમંદિરોમાં આ અન્નકુટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ભાઈઓ બહેનો પોતાના ઘરેથી પણ જાત જાતના પકવાન બનાવીને લાવીને મંદિરમાં અન્નકૂટ કરતા હોય છે. હાલ લંડનનાં અક્ષરપુરુષોત્તમ મંદિરમાં જે અન્નકુટોત્સવ ઉજવાય છે તેમાં 2200 થી 2500 વાનગીઓનો મહા અન્નકુટ ધરાવવામાં આવે છે. જેની નોંધ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ લેવાઈ છે. જુનાગઢ ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ રવિવારે દિવાળીની સાંજે 5:00 વાગે ચોપડા પૂજનનો અવસર તથા સોમવારે મંદિર ઉપર 1100 ઉપરાંત વાનગીઓનો મહા અન્નકૂટ ઉત્સવ થવાનો છે. મહત્વની એ હોય છે કે જયારે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે ત્યારે સવારથી લઈને અન્નકૂટ મહોત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ સાધુ સંતો અને ભક્તો દ્વારા નકોળા ઉપવાસ રખાય છે અને અન્નકૂટનો પ્રસાદ લઈને ઉપવાસ ખોલીને ભોજન પ્રસાદ લેવાય છે.જેના આરતી અને દર્શન સવારે 10:30થી સાંજના સાત વાગ્યા સુધી ચાલશે. સહુ ભાવિક ભક્તોને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું દર્શનાર્થે પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.



