RSSના વડા ભાગવતે ચિંતા વ્યકત કર્યાના 48 કલાકમાં જ મોટો હુમલો
રાજ્યના જીરીબામ જિલ્લામાં ત્રાસવાદીઓ ત્રાટક્યા: પશ્ચિમ મણિપુર સહિતના જિલ્લાઓમાં રાત્રીના ડ્રોનથી બોમ્બ ફેંકાયા: દહેશતનો માહોલ, લોકોને સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ
- Advertisement -
મણિપુરમાં ફરી એક વખત ફાટી નીકળેલી હિંસામાં પાંચ લોકોની હત્યા કરવામાં આવી છે જ્યારે રાજ્યના પશ્ચિમી જિલ્લામાં બે સ્થળોએ ડ્રોન અને બોમ્બથી હુમલા કરાતાં લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે અને રાજ્ય સરકારે પણ ફરી એક વખત હિંસાનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના જીરીબામ જિલ્લામાં ચાર હથિયારધારીઓએ રાત્રીના સમયે હુમલો કર્યો હતો અને એક વ્યકિતને ઠાર માર્યો હતો બાદમાં ચાર સશસ્ત્ર લોકોની પણ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ વિસ્તારમાં સ્થાનિક રહેવાસી અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો જિલ્લા હેડ ક્વાર્ટરથી લગભગ પાંચ કિ.મી. દૂર આ હિંસા થઇ છે અને ત્યારબાદ બે જુથો વચ્ચે ફરી અથડામણના એંધાણ છે.
દરમિયાન ત્રાસવાદીઓ હવે રોકેટ લોન્ચર અને ડ્રોનથી હુમલા કરવા લાગ્યા છે. રાજ્યના ચુરાચાંદપુર અને ઇન્ફાલ વેસ્ટ જિલ્લામાં રાત્રીના ડ્રોન ઉડતા દેખાતા જ લોકોમાં દહેશત ફેલાઇ ગઇ હતી અને અહીં મધરાતે બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિ બની ગઇ હતી. લોકો લાઇટો બંધ કરીને સલામત થવા લાગ્યા છે. અહીં બે જિલ્લામાં ડ્રોનથી હુમલા થયાનું જાણવા મળ્યું છે અને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીના ઘર પર પણ હુમલો થયો હતો અને તેમની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. મણિપુરમાં ફરી એક વખત કટોકટીની જાહેરાત કરવામાં આવી છે અને લોકોને સુરક્ષીત વિસ્તારમાં રહેવા અપીલ કરવામાં આવી છે.
એ ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મણિપુર હિસ્સા અંગે ચિંતા વ્યકત કરી હતી અને રાજ્યમાં ફરી હિંસા થઇ રહી છે તે તરફ કેન્દ્રની મોદી સરકારનું ધ્યાન દોરવાની કોશિષ કરી હતી તેના 48 કલાકમાં આ મોટા પાયે હત્યા થઇ છે.