માણાવદર ટીડીઓના ભેદભાવનો આરોપ મૂકીને પ્રતિક ઉપવાસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
માણાવદર તાલુકાના ખડિયા ગામે અનુસૂચિત જાતિ અને પછાત સમાજના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિવાદાસ્પદ બની છે. ત્યારે માણાવદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા માત્ર અનુસૂચિત જાતિ સમાજના દબાણો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સમુદાયના દબાણોને સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. જેના કારણે નારાજગી છે.
આ અંગે આગેવાનોએ જણાવ્યું હતું કે જાતિવાદી માનસિકતા ધરાવતા તાલુકા વિકાસ અધિકારીએ અગાઉ પણ થાનિયાણા ગામે માત્ર અનુ. જાતિના લોકોના દબાણો દૂર કર્યા હતા અને અન્ય લોકોને નોટિસ પાઠવી કોઈપણ કામગીરી કરવામાં આવી નથી. વધુમાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, ખડિયા ગામમાં અંદાજે 700 વિઘા ગૌચર જમીન છે, જેમાંથી અનુસૂચિત જાતિ અને દેવીપૂજક સમાજના આશરે 100 વિઘા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. પરંતુ અન્ય સમુદાયના 500 વિઘા જેટલા દબાણો હજુ યથાવત છે. આ ઉપરાંત પરસોત્તમ લાલજી ગૌશાળા ટ્રસ્ટને 2015માં 60 વિઘા ગૌચર જમીન 50 વર્ષના ભાડે આપવામાં આવી હતી, જેનો ઉપયોગ સત્તાના દુરુપયોગ તરીકે ગણવામાં આવી રહ્યો છે તેથી ગત 8 ડિસેમ્બર,2025ના રોજ જુનાગઢ કલેક્ટરને આવેદન પત્ર આપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. જેથી યોગ્ય માંગ ન થતા અનુસૂચિત સમાજના આગેવાનો માણાવદર મામલતદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલનના ધરણા પર બેસીને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.