જસદણમાં જાણે કે પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય અને લોકોની સુરક્ષા જાણે કે ભગવાન ભરોસે જ હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં જસદણના નવા બસસ્ટેન્ડ નજીક આવેલ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી એક વેપારી પૈસા ઉપાડીને એક થેલામાં નાંખી તેના ઘરે ટીફીન લેવા માટે બેંકમાંથી બહાર નીકળ્યા હતા. બાદમાં વેપારીએ પૈસા ભરેલો થેલો બાઈકમાં ટીંગાડી બાઈક ચાલુ કર્યું અને તુરંત જ એક શખ્સે તે થેલામાં રહેલા રૂ.3.10 લાખ રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો.આ ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને જસદણ પોલીસે ઘટના સ્થળની નજીક રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના ચેક કરતા બે શખ્સો નજરે ચડ્યા હતા. જેથી જસદણ પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે ધોળા દિવસે લૂંટ ચલાવનાર બે શખ્સોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
બેંકમાંથી 1.10 લાખ ઉપાડ્યા, 2 લાખ અગાઉ જ થેલામાં હતા
જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં વિહળાનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા શૈલેષભાઈ મધુભાઈ ભાયાણી પેઢી માટે શહેરના નવા બસસ્ટેન્ડ નજીક આવેલી આઈ.સી.આઈ.સી. બેંકે પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. બાદમાં બેંકમાંથી તેમણે રૂ.1.10 લાખ ઉપાડ્યા હતા અને તેમની પાસે રહેલા થેલામાં રૂ.2 લાખ અગાઉથી જ હતા. પછી કુલ રૂ.3.10 લાખ થેલામાં નાંખીને બેંકેથી તેઓ ઘરે ટીફીન લેવા માટે જતા હતા અને ટીફીન લઈને પોતાની પેઢીએ ખેડૂતોને બીલ ચૂકવવા માટે જવાના હતા. ત્યારે બેંકની નજીક જ બાઈકમાં ટીંગાડેલા થેલામાંથી બે અજાણ્યા શખ્સો થેલામાં રહેલ રૂ.3.10 લાખ રોકડાની લૂંટ કરી નાસી છૂટતા વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવની જાણ ભોગ બનનારે જસદણ પોલીસ મથકમાં કરતા પીઆઈ વિજયકુમાર જોષી સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બેંકની બાજુમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બે શખ્સો લૂંટ કરી જતા હોવાનું સામે આવ્યું હતું. જેથી જસદણ પોલીસે લૂંટનો ભોગ બનનાર શૈલેષભાઈ ભાયાણીની ફરિયાદ લઈ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે લૂંટ ચલાવનાર બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.