દુનિયાનાં 170 જેટલા દેશોમાં ગરમીમાં વધારો નોંધાયો: જે પ્રકારે વિશ્ર્વમાં કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે તે જોતા માનવામાં આવે છે કે અલનીનોનાં પ્રભાવથી આવનારૂ વર્ષ પણ ગરમાગરમ રહી શકે છે
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા એક વર્ષ દરમ્યાન દેશની 86 ટકા વસ્તીએ મતલબ કે 1.2 અબજ લોકોએ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સામાન્યથી વધુ ગરમીનો અનુભવ કર્યો છે. ગ્લોબલ વોર્મીંગની અસરને લઈને ગરમી વધી રહી છે અને ભારતમાં તેની અસર સૌથી વધુ જોવામાં આવી છે. કલાયમેટ સેન્ટ્રલની વેધર એટ્રીબ્યુશન રિપોર્ટ અનુસાર ઉપરોકત સમયગાળામાં દુનિયાનાં 170 દેશોમાં ગરમીમાં વધારો નોંધાયો છે. પરંતુ ભારત,ચીન,અમેરિકા,સિવાય સર્વાધિક અસરગ્રસ્ત દેશોમાં જાપાન, ઈન્ડોનેશીયા, ફીલીપાઈન્સ, વિયેતનામ, બાંગ્લાદેશ, ઈરાન, મિસરે (ઈજીપ્ત), ઈથોપીયા, ફ્રાન્સ, સ્પેન, યુનાઈટેડ કીંગડમ, બ્રાઝીલ, મેકિસકો, બધા કેરેબીયન અને મધ્ય અમેરીકી રાષ્ટ્રો સામેલ છે.જેમણે 30 કે એથી વધુ દિવસો સુધી ભારે ગરમીને સહન કરી છે. રિપોર્ટ અનુસાર નવેમ્બર 2022 થી ઓકટોબર 2023 દરમ્યાન દુનિયામાં 5.7 અબજ લોકોએ કમ સે કમ 30 દિવસ સામાન્યથી વધુ ગરમીનો સામનો કર્યો છે. સૌથી વધુ ભારતમાં 1.2 અબજ લોકોએ કે લગભગ 86 ટકા વસ્તીએ 30 દિવસ ગ્લોબલ વોર્મીંગ સુચકાંક સ્તર ત્રણ કે તેથી વધુના તાપમાનનો અનુભવ કર્યો છે. ચીનમાં 51.3 કરોડ લોકો કે 35 ટકા વસ્તી, યુનાઈટેડ સ્ટેટસ અમેરીકામાં 8.8 કરોડ મતલબ 26 ટકા વસ્તીએ જરૂરતથી વધુ તાપમાનનો સામનો કર્યો. એક વર્ષ દરમ્યાન દુનિયાનાં 200 શહેરોનાં 50 કરોડથી વધુ લોકોએ વધુ ગરમી સહન કરી તેમાં ભારતના 32 શહેરો પણ સામેલ છે.તેમાંથી 12 શહેરો બેંગ્લુરૂ, વિશાખાપટ્ટનમ, થાણે, ગુવાહાટી, તિરૂવનંથપુરમ, આઈઝોલ, ઈમ્ફાલ, શિલોંગ, પોર્ટ બ્લેર, પણજી, દિસપુર, તેમજ કસાવ્માં ગ્લોબલ વોર્મીંગ સૂચકાંક પાંચ નોંધાયો હતો. બાકી શહેરોમાં 3.5 વચ્ચે રહ્યો હતો. રિપોર્ટ અનુસાર પંજાબ, હરીયાણા અને રાજસ્થાનની લગભગ પુરી વસ્તીને જરૂરતથી વધુ ગરમીનો સામનો કરવો પડયો છે. દુનિયાનું કોઈપણ મુખ્ય શહેર 31 જુલાઈથી 21 ઓગસ્ટ દરમ્યાન હ્યુસ્ટનમાં 22 દિવસો સુધી પડેલી કાળઝાળ ગરમીની બરાબરી ન કરી શકે.ન્યુ ઓરલીયન્સ અને બે ઈન્ડોનેશીયાઈ શહેર જાકાર્તા અને તાંગેરાંગ સતત 17 દિવસ સુધી ગરમીમાં તપતા રહ્યા હતા. કલાયમેટ સેન્ટ્રલના વાઈસ પ્રેસીડેન્ટ (સાયન્સ) ડી.આર.એન્ડ્રયુ પર્શીંગે કહ્યું છે કે જે પ્રકારે કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખતા આ સ્વાભાવીક માનવામાં આવી રહ્યુ હતું.પરંતુ અલનીનોની અસરો વધવાથી આવનારા વર્ષમાં આ સ્થિતિ વધુ ભયાનક બની શકે છે.