ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે સતત ધર્માનુરાગી શ્રદ્ધાળુઓની વિશાળ ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે અયોધ્યાનગરી પરિસરમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાનપદે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા ‘ભાગવત કે રામ’ના ગઈકાલ સોમવારે છઠા દિવસે વ્યાસપીઠેથી પૂજ્ય રમેશભાઈ ઓઝાએ કથા પ્રારંભે અયોધ્યાના નૂતન મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ તેની ભાવુક વાતો કરી 500 વર્ષના સંઘર્ષ પછી ભગવાન રામ મંદિરમાં પ્રતિષ્ઠિત થયા છે માત્ર ભારત જ નહીં વિશ્ર્વના અનેક દેશોમાં આનંદની લહેરો ઉઠી છે.
કથાયાત્રાને આગળ વધારતાં ભાઈએ કહ્યું કે ધર્મ જોડનારો તત્ત્વ છે, જુદા નથી પાડતું. બે ધર્મ વચ્ચે કદી લડાઈ થતી જ નથી, અધર્મ વચ્ચે લડાઈ થાય છે. ધર્મ ધર્મ વચ્ચે તો સેતુ બંધાય છે. અધર્મ ધૃણા કરવા લાયક નથી. અધર્મ છે તો ધર્મમાં રુચિ થાય છે. ધર્મ સુધી પહોંચવા માટેની સંપ્રદાયો કેડીઓ છે, દરેક માન્યતાઓ જુદી જુદી હોય છે પરંતુ બધાનો એક જ ઉદ્દેશ છે, માનવીને ઈન્સાન બનાવવાનો. આજકાલના મંદિરો માણસોએ ઈશ્ર્વરના નારે પોતાની વ્યવસ્થા માટે બનાવ્યા છે. આખું વિશ્ર્વ મંદિર છે જ્યાં કોઈ પૂજારી કે દેવ નથી, માનવદેહ દેવાલય છે. દરેક માનવીના શરીરો મંદિરો છે.
હિંદુ-મુસ્લિમ ઐક્ય અને સમભાવ માટે ગુજરાત સમગ્ર ભારત માટે મિશાલ છે. અહીં મુસલમાનો ગૌકથા કરે છે. ભાગવત કથામાં યજમાનપદે પણ મુસ્લિમ હોય છે. શાદી, સમૂહલગ્ન એક મંડપ નીચે થાય છે, કોણે કહ્યું મિયા અને મહાદેવને ન જામે? ગુજરાતમાં દરેક જ્ઞાતિ, કોમને વ્યાસપીઠ બથ ભરે છે.
સંસારની વ્યથાને દૂર કરે તે છે હરિકથા. કથા જીવિકા નથી, જીવન છે. કામ કરવાનું સાધન નથી, સાધના છે. રસમાં શ્રોતાઓને સ્થાપિત કરે તે કથા. 10માં સ્કંધની કથા ‘રાસ પંચાધ્યાય’માં ગોપીગીપ ભાગવતનું સર્વોચ્ચ શિખર છે. આ કૃષ્ણ સુધી પહોંચવાનો રસ્તો છે.