ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર ગુમ થઈ ગયા
ખાસ-ખબર ન્યૂઝ પાકિસ્તાન, તા.10
પાકિસ્તાનમાં ઈમરાન સમર્થક એક નેતાને સેના વિરુદ્ધ ભાષણ આપવું ભારે પડી ગયું છે. પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર ગુમ થઈ ગયા છે. આ ઉપરાંત ઈમરાન ખાનની પાર્ટી ’પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં છે. ઈમરાનની પાર્ટીએ રવિવારે તેની મુક્તિની માગ સાથે મોટી રેલી યોજી હતી. આ રેલીમાં ગંડાપુરે ઈમરાન ખાનને ધમકીભર્યા અંદાજમાં મુક્ત કરવાની વાત કરી હતી. પરંતુ ત્યાર બાદથી જ તે ગાયબ છે. ઈમરાન ખાનને જેલમાં રાખવા માટે સેના પર સીધો આરોપ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અલી અમીન ગંડાપુરની ઈમરાનને બળજબરી પૂર્વક છોડવાની ધમકી એ સેના માટે સીધો પડકાર હતો.
- Advertisement -
ખૈબર-પખ્તુનખ્વાના માહિતી સલાહકાર બેરિસ્ટર મોહમ્મદ અલી સૈફે દાવો કર્યો કે ગંડાપુર ગુમ થઈ ગયા છે અને ઘણા કલાકોથી તેમનો સંપર્ક નથી થઈ શક્યો. સોમવારે રાત્રે એક નિવેદનમાં બેરિસ્ટર સૈફે ખુલાસો કર્યો કે સીએમ ગંડાપુરનો સંપર્ક કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તેમના ફોન બંધ કરી દેવામાં આવ્યા હતા. સૈફે કહ્યું કે, મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર ઈસ્લામાબાદમાં છે, પેશાવરમાં નથી. પરંતુ અમને તેમના ઠેકાણા વિશે કોઈ માહિતી નથી. આ ઉપરાંત પોલીસ ઙઝઈંના અન્ય નેતાઓની ધરપકડ કરી રહી છે, જેમાં ઙઝઈંના અધ્યક્ષ ગૌહર અલી ખાન અને સાંસદ શેર અફઝલ મરવતની ધરપકડ પણ સામેલ છે.
અલી અમીન ગંડાપુરે ભડકાઉ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે ઈમરાનને બળજબરીથી જેલમાંથી બહાર લાવવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓ સાંભળો જો બે અઠવાડિયામાં કાયદા મુજબ ઈમરાન ખાનને છોડવામાં નહીં આવે તો ખુદા કસમ અમે પોતે જ તેમને મુક્ત કરી દઈશું. તેમણે ભીડને કહ્યું કે, તમે તૈયાર છો? હું હવે તમને લીડ કરીશ. પહેલી ગોળી હું ખાઈશ. પીછે હઠ ન કરવી. જો આપણે હવે પાછળ હટીશું તો ફરી આવી તક નહીં મળે. ગત વર્ષે ઈમરાનની ધરપકડ વખતે પાકિસ્તાનમાં રમખાણો જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ગંડાપુરનું આ ભાષણ હિંસા ફેલાવી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ તેમની ધરપકડ કરી છે.
અહેવાલ પ્રમાણે ઙઝઈં નેતા ઝુલ્ફી બુખારીએ કહ્યું કે, મુખ્યમંત્રી સાંજે 7:00 વાગ્યાથી ગુમ છે. એડવોકેટ જનરલ કેપીકે તેમના માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રહ્યા છે. ઈસ્લામાબાદ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ તેનું અપહરણ કર્યું છે. તેઓ સત્તાવાર બેઠક માટે ગયા હતા. આવું પહેલી વાર થયું છે કે, કોઈ સિટિંગ સીએમ સાથે આવું વર્તન કરવામાં આવ્યું હોય. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન ગત વર્ષથી જેલમાં છે. તેમને જેલમાં 400 દિવસથી વધુ સમય થઈ ગયો છે. તેમના સમર્થકોનો આરોપ છે કે તેમને બનાવટી કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. ઈમરાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં એક મોટી રેલી યોજાઈ હતી. રેલી સંબંધિત પરવાનગીના ઉલ્લંઘનને કારણે અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.