અમેરિકામાં ઓમિક્રોનના કેસ વધ્યા
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં મળી આવેલા ઓમિક્રોન વેરિઅન્ટના વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા, જેને પગલે ઓમિક્રોનથી સંક્રમિત કેસની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. આ સિવાય અમેરિકામાં ઓમિક્રોનના પહેલા કેસ સામે આવ્યા હોય તેવા રાજ્યોની સંખ્યા પણ વધી છે. બીજીબાજુ રશિયામાં છેલ્લા 24 કલાકમાં 85 ક્ષેત્રોમાં કોરોનાના નવા 32,602 કેસ નોંધાયા છે અને વધુ 1206નાં મોત નીપજ્યાં છે. ન્યૂયોર્ક સ્વાસ્થ્ય કમિશનર મૈરી બેસેટે જણાવ્યું કે, ઓમિક્રોન સંક્રમણ અહીં ફેલાયો છે અને હવે તેના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ અને વોશિંગ્ટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસ નોંધાયા હતા. આગલા દિવસે ન્યૂ જર્સી, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા અને મેરીલેન્ડમાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટના કેસ સામે આવ્યા હતા. મિસૌરીમાં પણ સંભવત: ઓમિક્રોનનો કેસ નોંધાયો હોવાની શક્યતા છે. આ સિવાય નેબ્રાસ્કા, મિનેસોટા, કેલિફોર્નિયા, હવાઈ, કોલોરાડો અને યુટામાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે.
અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 30 દિવસમાં બમણી થઈ : રશિયામાં વધુ 1,206નાં મોત, મૃત્યુઆંક 2.81 લાખને પાર