કેન્દ્રની કમાણી ચાર ગણી વધી: જો કે રાજયોની કમાણી બમણી પણ નથી વધી
સરકારને એકસાઇઝ ડયુટીની આવક
2014-15 – રૂ।. 99068 કરોડ
2020-21 – રૂ।. 3.71લાખ કરોડ
2021-22 – રૂ।. 1.30લાખ કરોડ (એપ્રિલથી સપ્ટેમ્બર સુધી)
ગત 20 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 10 રૂપિયા પ્રતિ લીટર જેટલી વધી ગઇ છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ મોંઘુ થવાનું કારણ અપાઇ રહ્યું છે. ઓઇલની કિંમતોમાં વધારાથી સામાન્ય માણસની મુશ્કેલીઓ ભલે વધી હોય પણ તેનાથી સરકારી ખજાનો ભરાઇ રહ્યો છે પછી તે કેન્દ્ર સરકારનો હોય કે રાજય સરકારનો.
પેટ્રોલીયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલીયમ પ્લાનીંગ એન્ડ એનાલીસીસ સેલ (પીપીએસી) અનુસાર, 8 વર્ષમાં પેટ્રોલની કિંમત 45 ટકા અને ડીઝલની કિંમત 75 ટકા સુધી વધી ગઇ છે. 1 એપ્રીલ 2014ના દિવસે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.26 રૂપિયા અને ડીઝલના ભાવ 55.49 રૂપિયા પ્રતિ લીટર હતા. 8 વર્ષ પછી 11 એપ્રિલ 2022ના દિવસે દિલ્હીમાં પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયુ છે આ 8 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર લાગતી એકસાઇઝ ડયુટી દ્વારા કેન્દ્રની કમાણી લગભગ ચાર ગણી વધી ગઇ છે. કેન્દ્ર સરકાર અત્યારે પેટ્રોલ પર 27.90 રૂપિયા અને ડીઝલ પર 21.80 રૂપિયા પ્રતિ લીટર એકસાઇઝ ડયુટી વસૂલે છે. આવી જ રીતે રાજય સરકારો પણ વેટ, વેચાણવેરો અને અન્ય ટેક્ષો વસૂલ કરે છે. આના લીધે રીફાઇનરીથી નીકળ્યા પછી આપણી પાસે પહોંચતા સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવો બમણા થઇ જાય છે.
- Advertisement -
પહેલા પેટ્રોલના ભાવો કેન્દ્ર સરકાર જ નક્કી કરતી હતી પણ જૂન 2010માં મનમોહન સરકારે પેટ્રોલના ભાવો નકકી કરવાનો હક્ક ઓઇલ કંપનીઓને આપી દીધો. ત્યારપછી ઓકટોબર 2014માં મોદી સરકારે ડીઝલની કિંમતો નક્કી કરવાની જવાબદારી પણ ઓઇલ કંપનીઓને જ સોંપી દીધી.
2017માં એવો નિર્ણય લેવાયો કે હવેથી રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થશે. આની પાછળ તર્ક એવો અપાયો કે ક્રુડની કિંમતો ઘટવાનો લાભ સામાન્ય માણસને પણ મળે અને ઓઇલ કંપનીઓને પણ ફાયદો થશે. જોકે આનો ફાયદો સામાન્ય માણસને ઓછો અને સરકારી ખજાનાને વધારે થયો છે.