ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
રાજકોટ શહેરમાં એક વેપારીને તેની સામે રૂપિયા 23 લાખ બાકી હોવા બાબતે ફરિયાદ આવી હોવાની માહિતી આપી તેને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને તેને ડરાવી ધમકાવીને તેની ઓડી કાર પડાવી લઈને ફરિયાદી શખ્સને આપી દેવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ કૈલાનો આજરોજ આકરા શબ્દોમાં ઉધડો લીધો હતો.
સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, પોલીસ ઇન્સ્પેકટર કૈલા ને કામકાજ થી અલગ કરી દેવાયા છે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ની બદલી કરી દેવાઈ છે. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં મુદત રાખીને અહેવાલ રજૂ કરવાનો આદેશ હાઈકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. વધુમાં, હાઇકોર્ટે સ્પષ્ટ કહી દીધું હતું કે, જો આ પ્રકરણમાં પીઆઇની કે જવાબદાર પોલીસ કર્મચારીઓની ભૂમિકા સામે આવશે અને કંઇ પુરવાર થશે તો તેઓને ચોક્કસ પણે કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ પિટિશન કરનાર વિજય વિશ્ર્વકર્મા અને પોલીસ સમક્ષ ફરિયાદ કરનાર ગિરધર ઠુમ્મર વચ્ચે સમાધાન થઈ ગયું હતી.
- Advertisement -
ઠુમ્મર દ્વારા ઓડી કાર પરત કરી દેવાઈ હતી. જોકે પોલીસની વર્તણુક બાબતે હાઈકોર્ટે કેસ ચાલુ રાખીને ડીસીપી પાસે રિપોર્ટ મંગાવ્યો હતો અને 20 ડિસેમ્બરના રોજ વધુ સુનવણી રાખી હતી.
બીજી બાજુ સરકારી વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, આ કેસની તપાસ એસીપી ને સોંપવામાં આવી હતી અને પ્રાથમિક તપાસ દરમિયાન કૈલા દ્વારા પોલીસ કમિશનર નો સૂચનાનો ભંગ કરીને આવી ઉઘરાણી નાં કેસમાં દખલગીરી કરી હતી.
આ ઉપરાંત પણ આ કેસની બીજી બાબતોમાં તેમની બેદરકારી ધ્યાનમાં તેઓને રજા ઉપર ઉતરી દેવાયા છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જગદીશને બદલી કરી દેવાઈ છે. હજી તપાસ ચાલુ છે.
એટલું જ નહીં ગુનો નહીં નોંધવામાં બાબતે રૂપિયા બે લાખની લાંચ માંગીને વિશ્ર્વકર્મા પાસેથી રૂપિયા દોઢ લાખ પણ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા રિવોલ્વર બતાવીને પડાવી લેવામાં આવ્યા હતા. આ બાબતે વિશ્ર્વકર્મા દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરીને ઉપરોક્ત આક્ષેપ સાથેની રજૂઆત કરવામાં આવતા હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને પોલીસની વર્તણૂકની સામે લાલ આંખ કરીને જયેશ કૈલાને હાજર રહેવા આદેશ આપ્યો હતો.
કૈલા કોર્ટમાં હાજર રહેતા અદાલતે આગળની હરોળમાં સરકારી વકીલ નજીક બોલાવીને તેઓની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ ભટ્ટે પોલીસ અધિકારી સામે લાલ આંખ કરતા જણાવ્યું હતું કે, વારંવારની હાઇકોર્ટની ચેતવણીઓ હોવાછતાં પોલીસ કાયદો હાથમાં લઇ રિકવરી એજન્ટ તરીકેની ભૂમિકા ભજવે છે, તે કોઇ સંજોગોમાં ચલાવી લેવાય નહી. પોલીસ રિકવરી કરવા માટે કે પબ્લિકને હેરાન કરવા માટે છે? પોલીસ લોકોની સેવા માટે હોય છે કાયદાથી કામ કરવાનું હોય છે. ગુનેગારોને પકડો. આવી મેટર માં રસ લઈને આપણે શું બતાવવા માંગીએ છીએ. આપણો કંઈ લાભ થતો હોય. આ બરાબર નથી. કાયમ માટે મુશ્ર્કેલ થઈ જાય અને નોકરી કરવી મુશ્ર્કેલ થઈ જાય તેવું કામ કરીએ નહિ. આપણો ટ્રેક રેકોર્ડ શું કામ ખરાબ કરવો. નિષ્ઠાથી કામ કરવું જોઈએ. આવા કેસોમાં તપાસને બધી કાર્યવાહી કરવામાં અધિકારીઓનો પણ સમય બગડે છે. તમારી ફરજ છે તે કામ કરો ને, સત્તાનો દુરૂપયોગ કરવા માટે બેઠા છો?? લોકો વિશ્ર્વાસ રાખે છે પોલીસ પર અને જો વિશ્ર્વાસ રાખવાનું બંધ કરી દેશે તો રસ્તા ઉપર આવી જશે. જ્યાં બહાદુરી બતાવવાની છે એવા ડ્રગ, દારૂ, જુગાર, એવામાં ધ્યાન આપવું જોઈએ. ઘલિફક્ષશુયમ ભશિળય, અપહરણ જેવા કેસોમાં ઝડપ બતાવવી જોઈએ. જો તમારી સામે રિપોર્ટમાં કૈક આવશે તો મુશ્ર્કેલી થશે. નોકરી કરવી હોય તો શાંતિથી અને નિષ્ઠા થી કરો. જો પિટિશન કરનાર ખોટો હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. તમામ સંજોગની તૈયારી રાખજો.
- Advertisement -
કામચલાઉ બદલી કે લીવ રિઝર્વ નહીં, કાયમી સસ્પેન્શન જ ખાખીનો દાગ દૂર કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીઆઇ જે.એમ. કૈલાને લીવ રિઝર્વમાં મુકાયા છે અને કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. કારખાનેદારની કિંમતી ઓડી કાર પૈસાની લેવડ દેવડના એક કેસમાં બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએથી થયેલી આ કાર્યવાહીનો કશો ફાયદો ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ચર્ચા મુજબ આ બંને પોલીસ કર્મચારીઓની બીજી કેટલીક ફરિયાદ પણ મળી રહી છે ત્યારે તેમને લીવ રિઝર્વમાં મૂકવાથી કે બદલી માત્રથી બધું સમુસુતરું ક્યાં આધારે થઈ જશે? તેઓ એક જગ્યાએ જે કરતા હતા તે બીજી જગ્યાએ જઈને કરશે. આજે નહીં તો કાલે એકાદ વર્ષમાં ફરી ફરજ પર આવશે ત્યારે ડબલ કરપ્શન કરશે.
હાઇકોર્ટ દ્વારા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓનો ઉધડો લેવામાં આવે છે તે પૂર્વે કે પછી રાજ્ય સરકાર દ્વારા જે-તે પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓને લીવ રિઝર્વ પર મોકલી કે બદલી કરી દેવાથી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ વાત અહીંથી જ પૂરી થતી નથી. એક મથકમાં રહી ભ્રષ્ટાચાર કરનારા બીજા મથકમાં જઈને ભ્રષ્ટાચાર ન કરે તે માટે તેમને કાયમી સસ્પેન્ડ કરવા હિતાવહ છે. ભૂતકાળમાં શીલુનો બદલી કેસ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેની સજાપાત્ર સ્થળે બદલી થઈ જતા બાદ પણ જૂના લખણ ઝળકાવવાના ચાલું જ રાખ્યા હતા. એક મથકેથી બદલી કરી સજાપાત્ર ગણાતા બીજા મથકે બદલી કરાતા કેટલાક ભ્રષ્ટ પોલીસ જવાન ત્યાં પણ અવનવા રસ્તાઓ થકી ભ્રષ્ટાચાર કરતા જ હોય છે.
અમુક કારણોસર સરકાર ભ્રષ્ટ પોલીસ જવાનોને બચાવવા માગતી હોય એવું દર્શાઈ આવે છે. લીવ રિઝર્વનો સમયગાળો પણ હવે ઘટાડી નાખવામાં આવ્યો છે. અમુક સમય માટે ફરજમુક્ત કરાયેલાઓને પણ ઝડપથી ફરજ પર લઈ લેવામાં આવી રહ્યા છે. જે કેસમાં બદલી કરી નાખવામાં આવે છે તે કેસમાં પણ ઉકાળવાનું હોતું નથી. પીઆઈ કૈલા અને કોન્સ્ટેબલ વાંકના કેસમાં પણ કામચલાઉ બદલી કે લીવ રિઝર્વ નહીં, કાયમી સસ્પેન્સન જ ખાખીનો દાગ દૂર કરશે. કારણે કે, બે-ચાર ભ્રષ્ટ કર્મચારીઓ કે અધિકારીઓના કારણે આખાય પોલીસ ખાતાને બદનામ થવું પડી રહ્યું છે. વળી, સરકાર પણ લીવ રિઝર્વ કે બદલીનું નાટક કરી પ્રજાનો રોષ ઠંડો પાડવાનું કામ કરી પોલીસ બેડાનું જ અહિત કરતી જણાય છે. જો સરકાર દ્વારા ભ્રષ્ટચારીઓ પર કાયમી સસ્પેન્સનનું શસ્ત્ર નહીં ઉગાવવામાં આવે તો ભ્રષ્ટાચાર પર લગામ નહીં લાગે અને ન્યાય અધૂરો ગણાશે.