જગદીશ આચાર્ય
આજે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે એક દિવસ ગુજરાતી ભાષાની ચિંતા કરી લેવાની પ્રથા છે. આજે આપણે મોટામાં મોટો વાંધો એ કાઢીએ છીએ કે ગુજરાતી ઉપર અંગ્રેજી ભાષા હાવી થઈ ગઈ છે,વાર્તાલાપમાં અંગ્રેજી શબ્દોના ઉપયોગ વધતાં જાય છે, છોકરાઓ ગુજરાતી કરતાં ઇંગ્લીશમાં વધુ સારી રીતે કોમ્યુનિકેટ કરી શકે છે વિગેરે વિગેરે.
વાત સાચી છે, પણ એમાં કાંઈ નવું નથી. આપણા દેશ ઉપર અનેક વિદેશી શાસકોએ રાજ કર્યું.એમની ભાષા,સંસ્કૃતિ,કળા, સંગીત, શિલ્પ-સ્થાપત્ય, જીવનશૈલી, ખાણી પિણી દરેકની આપણી ઉપર વ્યાપક અસર થતી ગઈ.અંગ્રેજોએ શિક્ષણ અને સાહિત્યને બદલી નાખ્યા.મુસ્લિમોએ અરબી,ફારસી અને હિંદીનું મિશ્રણ કર્યું અને એ રીતે ઉર્દૂ એક નવીજ ભાષા તરીકે જન્મી.
આપણે સાહિત્યમાં અરબી અને ફારસી ભાષાના કેટલાક કાવ્ય સ્વરૂપો સ્વીકાર્યા. સોનેટ ઇટલીનો કાવ્ય પ્રકાર છે,તે અંગ્રેજી મારફત આવ્યો. ગઝલ,નઝમ અને રુબાઈનો ભારતની કેટલીક ભાષાઓએ સ્વીકાર કર્યો હતો તેમાં ઉર્દુ પછી બીજા ક્રમે ગુજરાતી હતી.
સુખનવરની આ ગઝલ જુઓ,

“અરે શુ જાણશે લઝ્ઝત,
પવિત્રીમાં પડી રહેતાં
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો
કંઈ બહાર જુદો છે
હજારો બોધ મંદિરો મહીં
નિત્ય ભલે થાજો;
અમો મસ્તાનના ઉસ્તાદનો
દરબાર જુદો છે”

મણિલાલ દ્વિવેદીએ લખ્યું હતું,
“તારો દિવાનો તેં જ પાયો
મુજને ઇશ્કેશરાબ,
માર કે જીવાડ ચાલે શુ
હવે લપેટાઈને”

દયારામ ને પણ યાદ કરી લઈએ,
“એ જ મારું નામ,
એની શોધમાં ગુલતાન તાન,
દુનિયા માનું ફના;
એ વિનાનું કોણ છે”

કહેવાની વાત એ છે કે ગુજરાતી ભાષા ઉપર જો આને આપણે આક્રમણ કહીએ તો એ આક્રમણ આજકાલનું નથી.અને એવું અન્ય ભાષાઓ સાથે પણ બન્યું હશે.સમયના વહેણ સાથે આ એક સ્વભાવિક પ્રક્રિયા છે.

આજે અંગ્રેજીનો મહિમા વધ્યો તે પણ સમયની દેણ છે.અંગ્રેજી વગર ચાલે તેમ નથી.ઈંગ્લીશ ન આવડતું હોય,આવડતું એટલુંજ નહિ સડસડાટ અને ફડફડાટ ન આવડતું હોય તો કોઈ નોકરીમાં ઉભા પણ ન રહેવા દે.વાતચીતમાં ઈંગ્લીશ શબ્દો ન બોલો તો પછાત ગણાઈએ અને પ્રભાવ ન પડે એ યુગ ઘણા સમયથી બેસી ગયો છે.ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં જ લેવું પડે અને એ માટે કે.જી.થી ઈંગ્લીશ શીખવું,બોલવું અને લખવું વાંચવું જરૂરી બની ચૂકયું છે એ વાસ્તવિકતાનો ઇનકાર ન થઈ શકે.
અને આમ છતાં આપણી માતૃભાષા એ આપણી માતૃભાષા.અને કેવી અદભુત અને મીઠડી ભાષા છે આપણી ગુજરાતી.અંગ્રેજીમાં hug કહો એટલે ભેટાઈ જવાય.આપણી પાસે આશ્લેષ છે, આલિંગન છે.અને આપણે બાથમાં પણ લઇ શકીએ છીએ.આપણી પાસે કાકા,કાકી સાથે મામા મામી અને દાદા દાદી ની સાથે નાના નાની પણ છે.ફયબા અને માસી છે,ભાણેજ અને ભત્રીજા છે. પૌત્ર સાથે દોહિત્ર છે.આપણે જેઠ હોય છે,દિયર હોય છે,નણંદ અને ભોજાઈ હોય છે.અરે ભયજી અને ભાભુ પણ હોય છે.અંગ્રજી માં એ સબંધો માટે આટલો ભાષા વેઇભવ નથી.આપણી ભાષાની અમીરીનો જોટો જડે તેમ નથી.

આ નીચે લખ્યું તે ઇંગ્લીશમાં વર્ણવો જોઈએ

લાલિમા, લીલોતરી, કિરણાવલી
જ્યાં જુઓ ત્યાં રૂપ રેલમછેલ છે.

અદભૂત છે ગુજરાતી ભાષા.પણ હવે આ યુગમાં છોકરાંઓ નર્મદને વાંચે કે દયારામના ગરબા કે અખાના છપ્પા વાંચે એ અપેક્ષા ખોટી છે.અરે મુનશી,ધૂમકેતુ,દર્શક,મડિયા કે ગુણવંતરાય આચાર્ય જેવા લેખકોના પુસ્તકો પણ ગ્રંથલયોમાં વાંચ્યા વગરના પડ્યા રહે છે.હવે જરા વિદ્વાન દેખાવું હોય તો વિશ્વ સાહિત્યનો ઉલ્લેખ કરવો પડે છે.

ત્યારે પાછો મૂળ મુદ્દો આવે કે ગુજરાતી ને બચાવવી કઈ રીતે?
હું માનું છું કે ગુજરાતી ભાષા એમ કાંઈ સાવ રાંકડી થઈને મરણપથારીએ નથી પહોંચી ગઈ.ગુજરાતમાં રહેતાં ગુજરાતી પરિવારોમાંથી બહુ મોર્ડન પરિવારોમાં કદાચ ઘરમાં પણ લન્ચ અને ડીનર અને આઈ સી અને યુ સી અને નાઇસ અને કુલ બોલાતું હશે,બાકી મોટા ભાગના ઘરે હજુ પણ થાળી પીરસી છે,હાલો જમવા..એ જ ચાલે છે.કહેવાનું તાંતપર્ય એ કે રોજ બરોજના વહેવારમાં ઈંગ્લીશના ઉપયોગ ના મુદ્દે થોડી અતિશયોક્તિ થાય છે.
જ્યાં સુધી ગુજરાતી ભાષા ઘરોમાં બોલતી રહેશે ત્યાં સુધી જોખમ નથી.
પાંચ દાયકા પહેલાં આપણાં બા કે દાદીમા ગુજરાતીમાં વાર્તા કહેતા,ગુજરાતીમાં મહાભારત અને રામાયણ વાંચતા,ઘરમાં ગરબા ગવાતા,જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેનમાં કોણ જાશે એ પ્રભાતિયાં રેડીયો માં વાગતા એને કારણે એ પેઢીઓમાં ગુજરાતી જીવતી રહી,ધબકતી રહી.ગુજરાતીને જોબનવંતી રાખવી હોય તો બાળકો ભણે ભલે અંગ્રેજી માધ્યમમાં પણ ઘરમાં એ જૂની પરંપરા જીવતી રાખવાની જરૂર છે.
બીજું એ કે ગુજરાતીને બચાવવા માં મોટી ભૂમિકા અખબારોની છે.એટલા માટે કે એ સહુથી વધુ વંચાય છે.અત્યારે 100-100 નકલો વાળા લેખકોનો રાફડો ફાટ્યો છે,પણ તે કોઈ વાંચતુ નથી.જ્યારે સમાજના દરેક વર્ગના લોકો અખબાર અચૂક વાંચે છે.કમભાગ્યે અખબારોમાં પણ ભાષાનું સ્તર કથળતું જાય છે.વ્યાકરણ અને ભાષા શુદ્ધી ને તો કોરાણે મુકો,ઘણી વખત તો પત્રકારશ્રી શુ કહેવાનો નેક ઈરાદો ધરાવે છે એ અંગે પણ ગંભીર ગૂંચવાડા સર્જાતા રહે છે.અખબારો ગુજરાતી ભાષાના વાહક છે.કમ સે કમ અખબારોમાં શુદ્ધ અને વેઇભવશાળી ગુજરાતી પ્રકાશીત થાય તો પણ ગુજરાતી ભાષાની મોટી સેવા થઈ ગણાશે.