જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ એવોર્ડ સ્વીકાર્યો

આજે ૧૯મી નવેમ્બર એટલે કે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એવોર્ડ વિતરણ સમારંભમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) અંતર્ગત અભૂતપૂર્વ કામગીરી માટે રાજકોટ જિલ્લાને સ્વચ્છ ભારત એવોર્ડ-૨૦૨૦થી સન્માનીત કરાયો.
કેન્દ્રીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજયકક્ષાના મંત્રીશ્રી રતનલાલ કટરીયાની અધ્યક્ષતામાં યોજાયેલ વર્ચ્યુઅલ એવોર્ડ વિતરણ સમારોહમાં સ્વચ્છ ભારત મીશન(ગ્રામિણ) અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરનાર ભારતભર માંથી ૨૦ જિલ્લાઓની સ્વચ્છ ભારત એવોર્ડ-૨૦૨૦ માટે પસંદગી થયેલ હતી. જેમાં રાજકોટ જિલ્લાને પણ આ ગૌરવાંકિત એવોર્ડથી નાવાજવામાં આવતા સ્થાનિક રાજકોટ કલેકટર કચેરીના એન.આઇ.સી. વિભાગ ખાતેથી વર્ચ્યુઅલ સમારંભમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ જિલ્લાતંત્ર વતી આ એવોર્ડ સ્વીકાર કરતા જણાવ્યું કે આ એવોર્ડ જિલ્લાના સ્વચ્છાગ્રહિ જાગૃત નાગરિકો અને સ્વચ્છતાના કાર્યમાં સહભાગી બનેલ તમામ નાગરીકોના પરિશ્રમનું પારિશ્રમીક છે. તેઓએ જિલ્લાના નાગરીકો પ્રત્યે આભાર વ્યકત કરતાં રાજકોટ જિલ્લો સંપૂર્ણ સ્વચ્છ બને અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સંપૂર્ણ સ્વચ્છ ભારતની પરિકલ્પનાને મુર્તિમંત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને પરિપૂર્ણ કરવા વધુને વધુ સહયોગી બને તેવો અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાણાવસીયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) અન્વયે થયેલ નોધપાત્ર કામગીરીની વિગતો જોઇએ તો રાજકોટ જિલ્લાના તમામ ગામોના ઓ.ડી.એફ. અન્વયે સેકન્ડ વેરીફીકેશન થઇ ગયેલ છે. રાજકોટ જિલ્લો સેલ્ફ હેલ્પગ્રૃપોને ૮ જેટલા ગામની સ્વચ્છતા માટેના વર્કઓર્ડરો આપી ગ્રામિણ નારીશક્તિનો સ્વચ્છ ભારત મિશનમાં વિનિયોગ કરવામાં સફળ રહયો છે. ૧૬૨ ગામોમાં ડોર ટુ ડોર સોલીડ અને લીકવીડ કલેકશન કરાઇ રહ્યું છે. સ્વચ્છતા હી સેવા અંતર્ગત અત્યાર સુધીમાં ૮૧૯૩૮ કીલોગ્રામ પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરાયો છે. જયારે સેલ્ફ હેલ્પ ગ્રૃપો દ્વારા ઘરે-ઘર ફરીને ૧૪૬૦૦ જેટલા જુના કપડાઓ એકત્ર કરી તેની થેલીઓ બનાવી વિતરણ કરીને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવાયેલ હતું. જેનાથી સીંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ હતો.

આ ઉપરાંત નોંધપાત્ર સંખ્યામાં વ્યક્તિગત શૌચાલયો અને ૧૧૮ જેટલા સામુહિક શૌચાલયોનું નિમાર્ણ પણ કરાયેલ છે. જિલ્લા અને તાલુકાની એસ.બી.એમ. ટીો દ્વારા જિલ્લાના તમામ ગામોમાં ઘનકચરા વ્યવસ્થાપન, સ્વચ્છતાના સંદેશ, સ્વચ્છ ઘર સ્ટીકર, શેરી સફાઇ, ટોયલેટ ટેકનોલોજી અને સ્વચ્છતા જાગૃતિ માટે નાટક, ભીંતચિત્રો અને ડીઝીટલ રથ તથા શાળાઓમાં હાથ ધોવાની પ્રવૃતિ વગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.વર્ચ્યુઅલ સમારંભમાં સ્થાનિક કક્ષાએ આ પ્રસંગે રાજકોટ જિલ્લા લાઇવલી હુડ મેનેજરશ્રી વિરેન્દ્ર બસિયા અને શ્રી મિનાક્ષીબેન કાચા ઉપસ્થીત હતા.