તા.24/04/21ની પંચામૃત પૂર્તિમાં અહીંથી લખ્યું હતું કે કલાકારો પોતાની કલામાં જે ઊંચાઈ સિદ્ધ કરે છે એટલી ઊંચાઈ તેઓ ઘણીવાર માણસ તરીકે પામી શકતા નથી. પોતાની કલા જેટલી જ ઊંચાઈ પોતે માણસ તરીકે પ્રાપ્ત કરી શકતા નથી. આ વાત કોઈપણ ક્ષેત્રના માણસને લાવવું પડે એવી છે અને એનું તાજું ઉદાહરણ આપણને આપણા રાષ્ટ્રીય કુસ્તીબાજ સુશીલકુમારના કિસ્સામાંથી પ્રાપ્ત થાય છે. તા.26/05/1987ના રોજ જન્મેલા સુશીલકુમારના પિતા દીવાનસિંહ બસ ડ્રાઈવર અને માતા કમલા દેવી ઘરરખ્ખુ મહિલા છે. આ સુશીલકુમાર એક વખત મોસ્ટ સક્સેસફૂલ રેસલર હતો અને એ પછી મોસ્ટ વોન્ટેડ ગુનેગાર બની ગયો. આવું કેમ બન્યું? એ માટે દિલ્હીના છત્રસાલ સ્ટેડીયમની કથા જાણવી પડે.
રમતગમત જગતમાં એ વાત ખુબ જાણીતી છે કે દિલ્હીનું છત્રસાલ સ્ટેડીયમ એ કુસ્તીબાજ માટે કાશી છે. ભારતના સફળ કુસ્તીબાજો આ સ્ટેડીયમમાંથી બહાર આવ્યા છે. સુશીલકુમાર પણ આ સ્ટેડિયમની ભેટ છે. દિલ્હી-હરિયાણાની સરહદ પર આવેલા ગામ બપરોલાનો વતની સુશીલ પોતાના નજીકના સગાને કુસ્તી કરતા જોઈ તેમાંથી પ્રેરણા લઇ બાળપણથી કુસ્તી કરવાનું શરુ કરે છે. સાતમા ધોરણમાં હતો ત્યારે તે અખાડામાં જોડાયો. ત્યાં પ્રારંભમાં જ કોચે કહી દીધું તું કોઈ દિવસ સફળ કુસ્તીબાજ નહિ બની શકે. આ ટોણો સુશીલકુમારને બરોબર વાગ્યો અને તેણે મનમાં નક્કી કરી લીધું કે હું આ કોચને ખોટો પાડીશ. મોટી વાત તો એ હતી કે સુશીલકુમાર સંપૂર્ણપણે શાકાહારી હતો. આ સંદર્ભે તેને કેટલાક ફ્રૂટ તેમજ અન્ય ઘટકો વધારાના લેવા પડતા. માત્ર પંદર વર્ષની વયે 1998માં સુશીલે વર્લ્ડ કેડેટ્સ ગેમમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો અને પેલા કોચને ખોટા પાડયા હતા.
- Advertisement -
આ દરમિયાન તેનો પરિચય કુસ્તીક્ષેત્રના પ્રખ્યાત ગુરુ સતપાલસિંઘ સાથે થયો. પરિણામે 14 વર્ષની ઉમરથી જ છત્રસાલ સ્ટેડીયમમાં જોડાયો. સતપાલસિંઘ છત્રસાલ સ્ટેડીયમના કુસ્તી નિયામક હતા. કોચ તરીકે અદભુત એવા સતપાલસિંઘ વ્યક્તિ તરીકે અહમવાદી હતા. એટલે કે, કુસ્તીના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ રહેવું જોઈએ એવી વૃત્તિનો શિકાર હતા. એમના કેમ્પમાં સુશીલકુમાર જેવો તેજસ્વી તારલો આવી જતા તેઓ વધુ ગર્વિષ્ઠ બન્યા. સતપાલસિંઘના માર્ગદર્શન હેઠળ સુશીલકુમારે 2008માં ઓલમ્પિકમાં કાન્સ ચંદ્રક અને 2012માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. 2008માં જ્યારે સુશીલે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો તે ઘટના 56 વર્ષ બાદ બની હતી. 56 વર્ષથી કુસ્તીમાં કોઈ ચંદ્રક મળ્યો ન હતો એ રીતે કુસ્તીમાં ચંદ્રકનો દુકાળ દૂર કરવાનો યશ સુશીલકુમારને મળ્યો. આ સુશીલકુમાર પ્રગતિના પગથિયાં સતત ચડયા કરતો હતો. તેણે કુસ્તીમાં 24 મેડલ જીત્યા હતા. 21 વર્ષની ઉંમરે તેણે ઓલમ્પિકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સુશીલકુમારને લોકોની આગાહી ખોટી પાડવાની ટેવ પડી ગઈ હતી. હંસરાજ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ બોલતા તેને કહ્યું હતું કે, લંડન ઓલમ્પિક્સમાં ભારતીય ટીમની આગેવાની લઇ, ભારતનો ઝંડો હાથમાં પકડીને એ ચાલ્યો ત્યારે એક પત્રકારે તેને એવું કહ્યું હતું કે, તે આ આગેવાની ન લીધી હોત તો સારું હતું. કારણકે, એવી પરંપરા છે કે જે ખેલાડી ભારતનો ઝંડો લઈને ટીમની આગેવાની લે છે એ ચંદ્રક મેળવી શકતો નથી. આ આગાહી પણ સુશીલકુમારે ખોટી પાડી અને ચંદ્રક જીત્યો. અલબત્ત, આ ચંદ્રક જીતતા પહેલા પુરુષોની 66 કિલોગ્રામની કેટેગરીમાં ચંદ્રક જીતવા માટે એ સેમી ફાઇનલમાં ઉતાર્યો ત્યારે એક(બહુ પ્રસિદ્ધ ન થયેલો) વિવાદ જન્મ્યો હતો. સુશીલના હરીફ અને કઝીકીસ્તાનના ખેલાડી અખઝરેક ટેનટ્રોવે એવી ફરિયાદ કરી હતી કે સુશીલકુમારે મારા કાન પર બટકું ભર્યું હતું. અલબત્ત, રમતગમતને અનુરૂપ ખેલદિલી દાખવીને ટેનટ્રોવે લેખિત અપીલ કરવાનું ટાળ્યું હતું. જેને પરિણામે સુશીલકુમાર વિજેતા જાહેર થયા હતા. આ પછી સુશીલકુમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો. 2006માં અર્જુન પુરસ્કાર અપાયો અને 2009માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર પણ એનાયત થયો. ગુરુ સતપાલસિંઘે પોતાની દીકરી સાવી સાથે સુશીલકુમારના લગ્ન કરાવ્યા અને તેને ત્યાં સુવર્ણ અને સુવીર નામના જોડિયા સંતાનો પણ છે.
સુશીલકુમારની આટલી સકારાત્મક વાતો પછી હવે કહાની મેં ટ્વીસ્ટ આતા હે! સુશીલકુમારને રેલવેએ ઊંચા પગાર અને હોદ્દાની નોકરી આપી. કુસ્તીની પ્રવૃત્તિ કરી શકે એ માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પણ આપ્યું. સુશીલના સસરા સતપાલસિંઘ નિવૃત્ત થતા. સુશીલકુમારને છત્રસાલ સ્ટેડીયમ ખાતે માનદ કોચિંગ નિયામકની જગ્યા પર નિમણૂંક આપવામાં આવી આ રીતે સસરા જમાઈનું વર્ચસ્વ કુસ્તીમાં કાયમ રહે એવો કારસો ગોઠવાયો. છત્રસાલ સ્ટેડીયમમાં કુસ્તીના સ્ટેડીયમમાં બે ગ્રુપ છે. તેમાંથી જે ગ્રુપ સતપાલસિંઘના કહ્યામાં હોય તેને પ્રમોટ કરવામાં આવતું અને સામે હોય તે ખેલાડીઓને સ્ટેડીયમ છોડી જવા માટે મજબુર કરવામાં આવતા. આ રીતે આગામી ટોકિયો ઓલમ્પિક્સમાં ભાગ લેનાર બજરંગ પુનિયાએ છત્રસાલ સ્ટેડીયમ છોડી દીધું છે. આ ઉપરાંત આ ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર રવિ દહિયા, દીપક પુનિયાએ પણ છત્રસાલ સ્ટેડીયમ છોડી દીધું છે. આ ઉપરાંત યોગેશ્વર દત્ત અને સાક્ષી મલિકે પણ સ્ટેડીયમ છોડી દીધું છે. મોટા ભાગના હરીફો તો દૂર થઇ ગયા પણ ત્રેવીસ વર્ષીય પહેલવાન સાગર ધાનકાર હજુ સ્ટેડીયમ છોડતો નહોતો એટલે તા.04/05/2021ની રાત્રે સુશીલકુમાર અને એના મિત્ર તેમજ દિલ્હીના કોર્પોરેટરના દીકરા અજય શેરાવતે સાગર ધાનકાર પર હુમલો કર્યો, તેને સખત માર માર્યો અને પરિણામે બીજે દિવસે હોસ્પિટલમાં સાગરનું અવસાન થયું. સાગરનું અવસાન થતા સુશીલ અને તેનો મિત્ર અજય શેરાવત રીઢા ગુનેગારને છાજે એ રીતે ભાગી ગયા. ત્રણ સપ્તાહ સુધી ભાગતા રહયા અને છ જુદા જુદા રાજ્યોમાં છુપાતા રહયા. સુશીલકુમાર અને તેના મિત્રને ભાગવું પડ્યું એ જ બતાવે છે એ પોતાની જાતને ગુનેગાર ગણે છે વળી, પોલીસ એવું કહે છે કે અમારી પાસે સુશીલકુમાર વિરુદ્ધ સબળ પુરાવા છે. એટલે લાગે છે એવું કે સુશીલ કુમારને ખુબ મોટી સજા થશે અને કુસ્તીની તેમજ અન્ય કારકિર્દી ખતમ થઇ જશે. રેલવે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે.
જીવનમાં સામાન્ય માણસ જેને સુખ, સમૃદ્ધિ અને સગવડ ગણે એ બધું સુશીલકુમાર પાસે નાની ઉંમરે આવી ગયું હતું પણ, પોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ રાખવાનો લોભ , અયોગ્ય લોકો સાથેની મૈત્રી અને સફળતાનું અભિમાન, શિક્ષણ અને સંસ્કારનો અભાવ માણસને પતન તરફ ધકેલે છે. છત્રસાલ સ્ટેડીયમથી શરુ થયેલી સુશીલની ઉજળી કારકિર્દીની સમાપ્તિ પણ છત્રસાલ સ્ટેડીયમમાં જ થાય એ વિધિની વક્રતા છે. માણસ પોતાના સુખને ઓળખી ન શકે અને કલ્પિત સુખ માટે ફાંફાં મારે ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોય છે અને આ કિસ્સાનો સંદેશો એ છે કે કોઈપણ ક્ષેત્રમાંની સિદ્ધિ ત્યારે જ ટકે છે કે જ્યારે તમે એક શ્રેષ્ઠ મનુષ્ય તરીકે પણ સિદ્ધ થવાનો પ્રયત્ન કરો. આ કિસ્સો દુઃખદ છે પણ આવતીકાલના રામતવીરોને શિખામણ આપે એવો છે એટલે અહીં મુક્યો છે.રમતગમત ક્ષેત્ર આપણને શીખવે છે કે હાર પચાવતા શીખો. સુશીલ એ જ ન શીખ્યો એટલે તેનું આવું ઘાતક પરિણામ આવ્યું.