એમની વાણીમાં, બોડી લેંગ્વેજમાં અદ્ભુત પ્રભાવ છે. વ્હોટ્સએપ પર એક અલગ પ્રકારનો પણ સત્યથી છલકતો મેસેજ ફરે છે:

નરેન્દ્ર મોદીના ફેન થવા માટે અને એમની ફેવર કરવા માટે એમની પોલિટિકલ સત્તા સિવાયનાં પણ અનેક કારણો છે. જેમ કે,

1. સૌપ્રથમ તો આ નેતા ક્યારેય લઘરવઘર કપડાંમાં, વિંખાયેલા વાળમાં કે અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં જોવા નહિ મળે !
2. નરેન્દ્ર મોદીની બોડી-લેંગ્વેજ અત્યંત પ્રભાવક લાગે છે. તેમની ચાલમાં મર્દાનગી છલકાય છે.
3. એ ભગવાં કપડાંમાં સાધુ જેવા લાગે છે, મિલેટ્રી ડ્રેસ પહેરે તો સોલ્જર જેવા લાગે છે, સામાન્ય રોજિંદા પોશાકમાં દિવ્ય રાજપુરુષ લાગે છે.
4. રાષ્ટ્રભક્તિ-રાષ્ટ્રવાદ એમના શ્વાસોચ્છવાસ છે અને ડિસિપ્લિન એમનું બ્લડગ્રુપ છે.
5. વિશ્વની કોઈ પણ મહાન હસ્તીની સાથે તેઓ ઊભા હોય ત્યારે પણ એમની પ્રતિભા જ મૂઠી ઊંચેરી લાગે છે. બીજી પ્રતિભાઓ વામણી લાગે છે.
6. ચૂંટણી પહેલાં કરેલા લગભગ અશક્યવત અનેક વાયદા આટલી હદે પૂરેપૂરા નિભાવનાર બીજો કોઈ નેતા ભૂતકાળમાં આપણે જોયો નથી.
7. દેશના સર્વોચ્ચ પદ પર હોવા છતાં પોતાના પરિવારનું વળગણ બિલકુલ રાખતા નથી. તેમની આસપાસમાં ક્યારેય એમના ભાઈ-ભત્રીજા જોવા મળતા નથી. સગાવાદ બિલકુલ કરતા નથી.
8. તેઓ ક્યારેય એક પણ રજા રાખતા નથી.
9. તેઓ ક્યારેય બીમાર પડતા નથી.
10. ક્યારે કેટલું બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ તો સારી રીતે જાણે જ છે, પણ એથીય વધુ તો સામેની વ્યક્તિને કેવી રીતે ચૂપ કરી દેવી એ પણ તેઓ જાણે છે.
11. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તે વેદિયા નથી, એમની રમૂજવૃત્તિ અદભુત છે.
12. એમની વાકછટા ધારદાર તેમજ બેમિસાલ છે. અભિવ્યક્તિ માટે ભાષા પર પ્રભુત્વ પણ સરસ છે. તેઓ કવિ પણ છે.
13. વિરોધીઓની કપટજાળથી કે પડકારોથી તેઓ કદી ડરતા કે ડગતા નથી.
14. વિરોધી વ્યક્તિની બક્વાસ આક્ષેપબાજીના જવાબો આપવામાં પોતાનો સમય વેડફતા નથી, પરંતુ સંપૂર્ણ મુત્સદ્દીગીરીથી પોતાના કર્તવ્યમાર્ગને વફાદાર રહે છે.
15. કોઈ અપ્સરા પણ જેના પર મોહી પડે એવી એમની પ્રત્યેક અદા અને છટામાં ખુમારી, ખાનદાની અને ખમીરનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
16. એમની નિર્ણયશક્તિ તો કાબિલે દાદ છે જ, સાથે-સાથે તેઓ પોતાના નિર્ણયને હજાર વિરોધો અને અવરોધો સામે પણ વળગી રહેવાની હિંમત અને આવડત પણ ધરાવે છે.
17. એમનું વ્યક્તિત્વ હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતિક લાગે છે.
18. એમની આંખોમાં છલકાતી ચારિત્ર્યની ચમક હિપ્નોટિઝમ કરી શકે એવી તાકતવર છે.
19. આ માણસને કોઈ લાલચ નથી, કોઈ ભય નથી. પોતાના સ્વાર્થની કોઈ પરવા નથી.
20. અને સૌથી છેલ્લે, 70 વર્ષની ઉંમરે પણ આ માણસ 18થી 20 કલાક કામ કરે છે, છતાં ક્યારેય એને બગાસું ખાતા આપણે જોયા નથી !

વિધાનસભા ચૂંટણીનાં આ પરિણામોનું પોલિટિકલ માઈક્રોસ્કોપમાં નિરીક્ષણ કરીએ તો અનેક રસપ્રદ બાબતો ધ્યાનમાં આવે. તમે જરા જુઓ, ગુજરાત આખું જેણે માથે લીધું હતું, ઉપાડો લીધો હતો અને પોતાની અભૂતપૂર્વ ન્યૂસન્સ વેલ્યૂ ઉભી કરી હતી એ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, અલ્પેશ કથિરીયા જેવાં કહેવાતા નેતાઓને લોકોએ એવી લાત મારી છે કે, તેમને આખી જિંદગી પૃષ્ઠભાગમાં દુ:ખાવો રહેશે.

ગુજરાતની બહુ ગાજેલી વિધાનસભા ચૂંટણી-2022નાં પરિણામ આવી ચૂક્યા છે અને ભાજપ ફરી એક વખત અણધાર્યા અંતરથી આ જંગ જીતી ગયો છે. અને ભવ્યાતિભવ્ય વિજયનો શ્રેય માત્ર નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતની જનતા કોઈ અન્ય નેતાને ઓળખતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે મહેન્દ્રભાઈ હોય કે સુરેન્દ્રભાઈ કે પછી વિરેન્દ્રભાઈ…. ગુજરાત નરેન્દ્રભાઈને મત આપે છે. ભાજપનાં ચૂંટાયેલા દરેક ઉમેદવારે પણ આ વાત મંત્રજાપની જેમ યાદ રાખવાની છે અને દરરોજ સવારે ઉઠીને 11 વખત ૐ નરેન્દ્રાય નમ: બોલવાનું છે, જેથી સ્મરણ રહે કે, એમની સૃષ્ટિનાં સર્જનહાર મોદી જ છે અને મહાદેવ પણ મોદી જ.

આમઆદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પોતાનાં ભાષણોમાં સતત એવું કહેતા હતાં કે, ભાજપનાં નેતાઓ અહમ્માં રાચી રહ્યા છે, તેમનું અભિમાન ઉતારવું છે! વાસ્તવિકતા એ છે કે, આમ આદમી પાર્ટીનાં આ કહેવાતાં નેતાઓનો મદ છલકાયો સમાતો ન હતો. ઈટાલિયાનાં પ્રવચનો સાંભળો તો એવું લાગે કે, આ માણસ પોતાની જાતને મોદી કરતા પણ ઊંચી આંકે છે. વાણીમાં વિવેક નહીં, પાયા વગરના આક્ષેપો અને ધડ-માથા વગરનાં વચનો, એકદમ ભદ્દા ગણી શકાય તેવા કટાક્ષો. એકદમ નિમ્નસ્તરની કમેન્ટ્સ અને ભયાનક હદે ગુરુતાગ્રંથીથી પીડાતો માણસ. અદ્દલ એવું જ અલ્પેશ કથિરીયા વિશે કહી શકાય.

આમ આદમી પાર્ટીનાં આ બધાં નેતાઓ એટલી હદે છીછરાં છે કે, તેમનાં ભાષણો સાંભળીને જ નહીં, ચહેરા જોઈને પણ ઉબકા આવે છે. આનંદ એ વાતનો કે, આ બધાંને પ્રજાએ રીતસર ધુસ્તા-પાટાં માર્યા છે. આ દિલ્હી નથી, પંજાબ નથી, અમારે મફત વીજળીની કે મફત પાણીની માયાજાળમાં ફસાવું નથી- આ ગુજરાતની પ્રજાનો ગગનભેદી અવાજ છે. આ ગુજરાતનાં સાવજ જેવા મતદારોની ગર્જના છે અને એ સાંભળીને કેજરીવાલ, રાહુલ ગાંધીનાં કાનનાં પર્દા ફાટી ગયા હોવા જોઈએ.

ખાળમાં જાય તમારી મફતિયા વીજળી અને પાણી. અમારે દિલ્હી જેવા કોમી હૂલ્લડો નથી જોઈતા, મુલ્લા-મૌલવીઓનાં પગારવધારા નથી ખપતાં, અમારે અમદાવાદમાં શાહીનબાગ સર્જવો નથી અને ગુજરાતને ખાલિસ્તાનીઓનો અડ્ડો નથી બનવા દેવું. તમારા સડેલાં મહોલ્લા ક્લિનિક કરતાં અમારા વિસ્તાર દીઠ પથરાયેલાં આરોગ્ય કેન્દ્રો બહેતર છે. તમારી પાસે ગામને દેખાડવા પાંચ મોડેલ સરકારી સ્કૂલ છે, અમારી પાસે પાંચસો છે. સરખામણી ઘણી દૃષ્ટિએ થાય તેમ છે. હાલ પૂરતાં: ફૂલસ્ટોપ.

ભાજપનાં શાસનમાં ગુજરાત ખુશ છે, ખુશખુશાલ અને બાગબાગ છે. અમારી ખુશહાલ જિંદગીમાં દખલ દેવાનું બંધ કરો. ગુજરાતની પ્રજાનો આ મેસેજ છે. પરિણામનાં આંકડામાં એ અદ્રશ્ય રીતે છપાયેલો છે, અદ્રશ્ય લખાણ વાંચવાની ક્ષમતા હોય તો અવશ્ય વાંચજો. બોધપાઠ મળશે.

આ પરિણામો ઘણું કહે છે: નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં પાણીની જેમ પરસેવો વહાવ્યો છે, કાળી મહેનત કરી છે. ગુજરાતનો આ કિલ્લો તોડવા ફિરંગીઓ અને વલંદાઓએ મન મૂકીને ધમપછાડા કર્યા પરંતુ ગઢનાં કાંગરાની એક કાંકરી પણ ખરી શકી નથી તેમનાંથી. તેની ક્રેડિટ મોદીને જ જાય છે. તેમણે જ્યાં-જ્યાં સભા કરી ત્યાં લગભગ બધે જ ભાજપનો વિજય થયો. ભાજપ માટે ટફ ગણાતી, પરંપરાગત રીતે કોંગ્રેસની ગણાતી બેઠક પર પણ કોંગ્રેસની હાર થઈ છે. ગુજરાતમાં જે સૌ પ્રથમ પરિણામ જાહેર થયું એ હતું- રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠકનું.

અહીંથી કોંગ્રેસના લલિત વસોયા ભૂંડેહાલ હાર્યા. કોઈને કલ્પના પણ ન હતી કે, અહીં ભાજપ જીતશે. વસોયા પાટિદાર અનામત આંદોલન સાથે સંકળાયેલાં હતા અને તેઓ મજબૂત ઉમેદવાર ગણાતા હતાં. મોદીની એક જંગી સભા ત્યાં થઈ અને ચિત્ર ફરી ગયું. આવા તો બે-ત્રણ ડઝન ઉદાહરણો છે. મોદીનાં નામે જો હાર્દિક જેવું દૂષણ પણ તરી જતું હોય તો પછી સ્વીકારવું પડે કે, ગુજરાતમાં મોદીના પસીનાએ દિવા બળે છે.

સૌરાષ્ટ્રના ગઢમાં ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે તીરાડ પાડી હતી, આ વખતે આપ અને કોંગ્રેસની મહેચ્છા હતી કે, આ તીરાડમાંથી મોટું ગાબડું પાડવું. કશું ન થયું. ઊલટું તીરાડ પણ સંધાઈ ગઈ. સૌરાષ્ટ્ર મોદી સાથે અડિખમ છે. આવું જ બન્યું આદિવાસી વિસ્તારોમાં. કહેવાતું હતું કે, આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને કોઈ ન હરાવી શકે. મોદી-ભાજપે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. અમે તો કહીએ જ છીએ કે મોદીનું કામ જ ભરમ ભાંગવાનું છે. કોઈએ ભ્રમમાં ન રહેવું કે ગુજરાત સોફટ ટાર્ગેટ છે.