મુખવાસમાં પાણી નાખતાં જ ઘાટો રંગ છૂટો પડ્યો: ઈન્ફેક્શન, ચાંદા પડવા જેવી સમસ્યા થઈ શકે છે
સસ્તા ભાવે હલકો માલ વેચી જનઆરોગ્ય સાથે ચેડાં કરતા’તા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ભેળસેળિયા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં કોઇ કસર ન રાખતા નફાખોર તત્વો પૈકીમાં વધુ એક કિસ્સો જોડાયો છે અને અધધ બે ટનથી વધુ મુખવાસનો જથ્થો એક જ માલિકીની બે પેઢીમાંથી પડકાયો છે.રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ પરાબજારમાં અમૃત મુખવાસ નામની પેઢીમાં તપાસ કરતા ત્યાં એક એક કિલો પેકિંગના પેકિંગ મળ્યા હતા પણ તેમાં બ્રાન્ડ સિવાય બીજી કોઇ વિગતો એટલે કે મેન્યુ. તારીખ, બેચ નંબર, કઈ વસ્તુ છે તે સહિતની વિગતો ન જોવા મળતા નિયમભંગ સ્પષ્ટ દેખાયો હતો પણ મુખવાસના પેકેટ ખોલતા માત્ર કલર જ હાથમાં આવતા જ કલર છૂટો પડ્યો હતો.
જેથી દરેક પ્રકારના મુખવાસને અલગ અલગ ડબ્બીમાં નાખી તેમાં પાણી નાખી હલાવીને પ્રાથમિક તપાસ કરી હતી. જોકે પાણી નાખતા જ મોટા પ્રમાણમાં રંગ છૂટો પડ્યો હતો. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર ખાદ્ય પદાર્થોમાં 100 પીપીએમ સુધીની માત્રામાં જ રંગ નાખવાની છૂટ હોય છે. તેનાથી વધુ રંગ હોય તો ગળામાં ઈન્ફેક્શન, ચાંદા પડવા જેવી સમસ્યા થઈ શકે છે. આ કારણે સ્થળ પરથી 1040 કિલો જેટલો જથ્થો સીઝ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સેમ્પલ તેમજ અન્ય વિગતો લેવામાં આવતા આ પેઢીના માલિક અમૃત કેશવલાલ નંદા તેમજ કેતન અમૃત નંદા હોવાનું નોંધાવાયું હતું. તેમજ અમૃત મુખવાસ કરતા પણ બીજી જૂની પેઢી લાખાજીરાજ રોડ પર પ્રહલાદ ટોકીઝ પાસે પ્રકાશ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે જે વર્ષો જૂની છે. ત્યાં પણ તપાસ કરવામાં આવતા અમૃત મુખવાસની જેમ રંગમાં રગદોળેલો હલકી ગુણવત્તાનો જ માલ મળ્યો હતો તેથી તે સ્થળેથી બીજા 1025 કિલો મુખવાસનો જથ્થો સીઝ કરીને ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ શાખાએ જણાવ્યું હતું કે, પેઢીના સંચાલકો પોતે જ આ મુખવાસ તૈયાર કરે છે અને જામનગરી મુખવાસ, બંગાળી મુખવાસ, પંજાબી મુખવાસ તરીકે વેચે છે. મુખવાસ બનાવવાનું કામ નવાગામમાં કરવામાં આવે છે જે રાજકોટ મહાનગરપાલિકાની હદ બહારનો વિસ્તાર હોવાથી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સને જાણ કરવામાં આવશે અને ત્યાં તે વિભાગતપાસ કરશે.
ફૂડ શાખાને આ મુખવાસ મામલે સૌથી મોટી શંકા તેના ભાવને લઈને ગઈ હતી. આ બંને સ્થળે દુકાનમાં એક એક કિલોના અનેક પેકિંગ કર્યા હતા જેથી એ પણ અંદાજ આવતો હતો કે એક કિલોના પેકિંગમાં જ વેચાણ થાય છે. જોકે ફક્ત 100થી 150ના ભાવે એક કિલો મુખવાસ વેચાતો હતો. ગુણવત્તાયુક્ત મુખવાસ કે જે નિયમ મુજબ ઉત્પાદિત કરાયો હોય તેનો ભાવ સહેજે 250થી 300 રૂપિયા જેટલો હોય છે. તેને બદલે અડધા ભાવમાં મુખવાસ વેચાતો હોવાથી શંકા ગઈ હતી કે હલકી ગુણવત્તાની વરિયાળી, ધાણાદાળ, અળસી, તલ સહિતની વસ્તુઓ જથ્થાબંધ ભાવે લઈને તેનો સ્વાદ અને દેખાવ દબાવવા માટે ખાંડની ચાસણી અને મોટા પાયે રંગ નાખી નફાખોરી કરવાનો જૂનો દાવ અપનાવાયો છે. તેથી જ થોડો મુખવાસ લઈને પાણી નાખીને રંગ ચકાસાયો હતો. સેમ્પલ લેબમાં મોકલાયા છે જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે.