ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઇકોર્ટે સ્પેશિયલ ક્રિમીનલ એપ્લીકેશનમાં તા. 26/10 તથા તા.1/11ના રોજના હુકમથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને એડવોકેટ ધર્મેશ જીવણલાલ ગુર્જર વિરુદ્ધ પગલા લેવા માટે જાણ કરવામાં આવી હતી. જે બાબતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 5/11ના રોજ તાત્કાલિક વર્ચ્યુઅલ અસાધારણ સભા બોલાવવામાં આવી હતી.
જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલિન ડી. પટેલ તથા એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન જીતેન્દ્ર બી. ગોળવાલાના અધ્યક્ષપદ હેઠળ આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત હાઇકોર્ટે આપેલા હુકમને આધારે એડવોકેટ ગુર્જર દ્વારા કરવામાં આવેલા વ્યવસાયિક ગેરવર્તણુંક તથા વહીવટી બાબતમાં દખલ કરવાના ગંભીર આક્ષેપો બાબતે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને કોઇપણ જાતના પક્ષપાત વગર નિષ્પક્ષ તપાસ કરવા માટે કડક વલણ અપનાવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.
જે તમામ બાબતોને ધ્યાને લઇ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સર્વાનુમત્તે એડવોકેટ ધર્મેશ જે. ગુર્જર સામે શિસ્તભંગના પગલા ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તથા આ તપાસ છ મહિનામાં પૂરી કરવા માટે સ્પેશિયલ ડીસીપ્લીનરી કમિટીને જાણ કરવામાં આવી હતી.વધુમાં ગુજરાત હાઇકોર્ટના જણાવ્યા મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને એડવોકેટ ધર્મેશ ગુર્જરની ગેરવર્તણુંક અંગેની ગંભીરતાને તથા વહીવટી દખલગીરીને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી એડવોકેટ તરીકે સસ્પેન્ડ કરવાનો પણ સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો છે. તથા હાઇકોર્ટના હુકમ અનુસાર કોમ્પ્લીએન્સ રિપોર્ટ રજૂ કરવાનો તથા દર ત્રણ મહિને તપાસની વિગતો હાઇકોર્ટને મોકલી આપવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.