ખાસ-ખબર સંવાદદાતા
જો કોરોના મહામારી ન આવી હોત તો એશિયા પેસિફિક ક્ષેત્રમાં ગરીબી ઘટાડવાના લક્ષ્યાંક 2020માં જ હાંસલ કરી લેવામાં આવ્યો હોત તેમ એશિયન ડેવલોપમેન્ટ બેંક (એડીબી)ના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે ગરીબી દૂર કરવાની લડાઇ ઓછામાં ઓછા બે વર્ષ પાછળ ધકેલાઇ ગઇ છે. એડીબીમાં કુલ 68 સભ્ય છે જેમાં 49 એશિયા પેસિફિક ક્ષેત્રના છે.
પોતાના અહેવાલમાં એડીબીએ જણાવ્યું છે કે એશિયા પેસિફિક ક્ષેત્રમાં રહેતા તમામ ગરીબોેને ગરીબીમાંથી બહાર લાવવાનું કાર્ય અગાઉ કરતા ખૂબ જ મુશ્કેલ રહેશે. બેંકનું માનવું છે કે ચાલુ વર્ષે એશિયા પેસિફિક ક્ષેત્રના દેશોની આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થઇ શકે છે. 1.90 અમેરિકન ડોલરની દૈનિક આવકનો લક્ષ્યાંક કોરોના મહામારી આવી ન હોત તો 2020માં હાંસલ કરી શકાયો હોત. જો કે હજુ સુધી આ લક્ષ્યાંક સિદ્ધ કરી શકાયો નથી.