અઝરબૈઝાનના બાકુમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ભારતીય જોડીએ સર્બિયન જોડીને હરાવી
ખાસ-ખબર સંવાદદાતા
દિવ્યા સુબ્બારાજુ થાડિગયોલ અને સરબજોત સિંહની ભારતીય જોડીએ અજરબૈઝાનની રાજધાની બાકુમાં રમાઈ રહેલા આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં 10 મીટર એયર પીસ્તલ મીક્સ ટીમ કેટેગરીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ મુકાબલામાં સર્બિયાના જોરાના અરુનોવિચ અને દામિર મીકેચની જોડીને 16-14થી હરાવી હતી. આ પહેલાં ભારતીય જોડી કાઈરો (મીસ્રની રાજધાની) અને ભોપાલમાં વર્લ્ડકપ સ્ટેજમાં બીજા ક્રમે રહી હતી.
ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ ભારત શૂટિંગ વર્લ્ડકપના મેડલ ટેબલમાં કઝાકિસ્તાન સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારત અને કઝાકીસ્તાને અત્યાર સુધી એક-એક ગોલ્ડ મેડલ જીત્યો છે. એ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સાથે ઈટાલી પહેલાં નંબરે છે. એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે ચીન બીજા ક્રમે છે.
ટૂર્નામેન્ટના બીજા દિવસે ભારતીય જોડીએ 55 ટીમના ક્વોલિફિકેશનમાં 581 પોઈન્ટ સાથે ટોચ પર રહેતાં ગોલ્ડ મેડલ મુકાબલામાં જગ્યા બનાવી અને મેડલ નિશ્ર્ચિત કર્યો હતો. ક્વોલિફિકેશનમાં ત્રણ જોડીઓનો સ્કોર 581 હતો પરંતુ દિવ્યા અને સરબજોતે 10 પોઈન્ટને 24 નિશાન લગાવીને મેળવ્યા હતા.
દામિર અને જોરાનાની જોડી 10 પોઈન્ટના આંતરિક હિસ્સામાં 19 નિશાન લગાવીને બીજા, જ્યારે તુર્કીની જોડી 16 નિશાન લગાવીને ત્રીજા ક્રમે રહી હતી. ભારતીય જોડીએ ફાઈનલની શરૂઆત પહેલી સિરીઝમાં 10.5 પોઈન્ટના બે સમાન સ્કોર સાથે કરતા 2-0 કરી લીડ મેળવી હતી. જો કે તેની 13 સિરીઝ બાદ બન્ને જોડીઓ 14-14થી બરાબર હતી.
શૂટિંગ વર્લ્ડકપમાં દિવ્યા-સરબજોતનો ડંકો: ભારતને જીતાડ્યો ગોલ્ડ મેડલ
