આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર, લીમડી અને સાયલા ખાતે પ્રવૃત્તિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
દેશ અને રાજ્યમાં રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. ત્યારે હાલ રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના “આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ” દ્વારા દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા માટેનો એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે જેમાં દિવ્યાંગ મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવે છે આ સંસ્થામાં હાલ 100થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનો કાર્યરત છે. જેમાં સુરેન્દ્રનગર, સાયલા અને લીબડી ખાતે આવેલા સંસ્થાના કેન્દ્ર ખાતે વિકલાંગ ભાઈ-બહેનો રાખડી બનાવાનું કામ કરે છે. આ સાથે કેટલાક દિવ્યાંગો રાખડી બનાવવા માટેની સામગ્રી પોતાના ઘરે લઈ જઈ પણ કામ કરે છે.
- Advertisement -
આ સંસ્થા દ્વારા દિવ્યાંગોને રાખડી બનાવવા માટેનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. જેને લઇ દિવ્યાંગો ઘર બેઠા દર મહિને બેથી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે. આ સંસ્થામાં રાખડી બનાવવા સાથે મહિલાઓને દરજી કામ તેમજ દિવાળી નિમિતે કલરફૂલ દીવડા બનાવવા માટેનું કામ પણ અહીંયાથી શીખવવામાં આવે છે. ગત વર્ષે આ સંસ્થાની દિવ્યાંગ મહિલાઓ દ્વારા પાંચ હજારથી વધુ રાખડી બનાવી હતી અને તેનું વેચાણ પણ કર્યું હતું. ત્યારે આ વર્ષે હાલ અહીં દરરોજ પાંચસોથી વધુ રાખડી બનાવીને રક્ષાબંધન સુધી આશરે સાત હજાર જેટલી રાખડી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને દિવ્યાંગો દ્વારા સ્ટોલ ઉભા કરીને વેચાણ પણ કરવામાં આવશે. ત્યારે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો આત્મનિર્ભર બને તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે મહેનત કરી રહ્યું છે.