સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થતા ભાવમાં વધારો આવ્યો
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 7500 મણ કપાસની આવક થઈ
‘વ્હાઇટ ગોલ્ડ’માં જીનર્સોની વધતી ડિમાન્ડ વચ્ચે ધરતીપુત્રોને ફાયદો
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ‘વ્હાઇટ ગોલ્ડ’ અર્થાત કપાસની ઘટતી આવકો વચ્ચે જીનર્સો દ્વારા જબરી ડિમાન્ડ નીકળતા ઐતિહાસિક સ્તરે કપાસના પ્રતિ મણના રૂ.2350 થી રૂ.2750 સુધીના ભાવ બોલાયા છે. જેનાથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા.સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થતા કપાસના ભાવમાં વધારો આવ્યો છે. હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 7500 મણ કપાસની આવક થઈ છે.
રોકડિયો પાક ગણાતા કપાસની કમાણી પર ખેડૂતોને વિશેષ આશા હોય છે. ખેડૂતો કહે છે કે, સારા ભાવને કારણે આવકમાં બેલેન્સ જળવાઇ રહ્યું છે. પ્રવર્તમાન સમયે આખા વિશ્વમાં કપાસની ઉપજમાં ખાંચો પડ્યો છે. ખાસ કરીને અમેરિકા, ચીન, ભારત તેમજ અન્ય દેશના કપાસ ઉગાડતા ખેડૂતોની નજર કપાસ પર સ્થિર થવાથી વિશ્વસ્તરે કપાસનું ઉત્પાદન વધશે તેવું મનાય રહ્યું છે. પ્રવર્તમાન સમયે કપાસની ડિમાન્ડ વધતા ખેડૂતોને રૂ.2750 સુધીના ભાવતો ઉપલબ્ધ થઇ રહ્યા છે, પરંતુ જીનર્સો કપાસની ગુણવત્તા પ્રમાણમાં નબળી આવી રહી હોવાનો રંજ વ્યક્ત કરી રહ્યા છે. સારી ક્વોલિટીના કપાસની અછત જોવા મળી રહી છે.
- Advertisement -
જે તે વખતે કપાસમાં ઉત્તમ વાતાવરણની અનિશ્ચિતતા વચ્ચે ગુલાબી ઇયળ સહિતની જીવાતનો ખતરો પણ જોવાયો હતો.