વિશ્વબજારમાં ભાવ 2856 ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો : હાજર ચાંદી 98000 : ડોલર સામે રૂપિયો ફરી ડાઉન
અમેરિકામાં રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પ સતારૂઢ થતાની સાથે જ શરૂ થયેલી ટ્રેડવોર ધીમુ પડયુ હોવા છતાં સોના-ચાંદીમાં તેજીનો દોર સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે વધુ ઉછાળો નોંધાયો હતો. બન્ને કિંમતી ધાતુના ભાવ 1-1 હજાર રૂપિયા વધી ગયા હતા. વિશ્વબજારમાં પણ ભાવ નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.
- Advertisement -
રાજકોટમાં સોનાનો હાજર ભાવ રૂા.87000 ની નજીક પહોંચ્યો હોય તેમ 86900 થયો હતો. ગઈકાલની સરખામણીએ 1000 નો ભાવ વધારો હતો.વિશ્વબજારમાં સોનું ઉંચકાઈને 2856 ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યુ હતું. કોમોડીટી એકસચેંજમાં ભાવ 84125 હતો. આજ રીતે ચાંદીનો હાજર ભાવ ફરી એક લાખના માર્ગે હોય તેમ 94000 ને આંબી ગયો હતો. ગઈકાલની સરખામણીએ 1000 રૂપિયાનો ભાવ વધારો હતો. સોની વેપારીઓના કહેવા પ્રમાણે આંતર રાષ્ટ્રીય ઘટનાક્રમો તેજીમાં ભાગ ભજવી રહ્યા છે. પરંતુ આવતા સમયમાં ગંભીર વળાંક આવવાની આશંકા વ્યકત થતી હતી.
અમેરીકી પ્રમૂખે ગાઝાપટ્ટી પર કબ્જો જમાવવાનું જાહેર કરતા નવુ ટેન્શન ઉભુ થવાની ભીતિ હતી. રશીયા-યુક્રેન યુદ્ધનો પ્રભાવ છે જ. આર્થિક મોરચે પણ અનેકવિધ પડકારોની ઈફેકટ છે. આવતા દિવસોમાં નવા આર્થિક ઘટનાક્રમોનાં આધારે ભાવનો ટ્રેન્ડ નકકી થઈ શકે છે. સોના-ચાંદીની વર્તમાન તેજીથી લગ્નગાળાની ખરીદી પ્રભાવીત થવાની આશંકા છે. ગ્રાહક વર્ગ ચિંતામાં મુકાયો છે. ખરીદી ઘટવાની આશંકાથી ઝવેરી વર્ગ પણ ચિંતીત છે. બીજી તરફ કરન્સી માર્કેટમાં પણ અનિશ્ર્ચિતતાનો માહોલ યથાવત રહ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો ફરી સાત પૈસા ઘટીને 87.14 ના સ્તરે હતો.