અનેક બિસ્માર રોડની ખરાબ હાલતને લઈ કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ : કરોડોનો ટેક્સ ઉઘરાવતી અને નાના વેપારીઓ સામે કાર્યવાહી કરતી મહાપાલિકા રોડની સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીમાં રોડની ખરાબ હાલતને લઈને કોંગ્રેસ દ્વારા આજે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહાપાલિકા કચેરી નજીક ગાંધી ચોક પાસે રોડ ઉપરના ખાડાને હાર પહેરાવી અગરબત્તી કરી અને શ્રીફળ વધેરીને ખાડાનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મહાપાલિકાએ જનતા પાસેથી રૂ.14 કરોડથી વધુ રકમનો ટેક્સ ઉઘરાવ્યો છે. છતાં સામાન્ય ખાડા પુરવામાં પણ નિષ્ફળ ગયું છે. મહાપાલિકા તંત્રનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન કરવામાં આવ્યું છે. વિપક્ષની વાત સાંભળવાનો અધિકારીઓ પાસે સમય નથી. મોટી વાતો કરવામાં અને દબાણ હટાવવામાં માહેર કમિશનરે રોડ રસ્તાની જરા પણ પરવા કરી નથી. મહાપાલિકા માત્ર નાના વેપારીઓના બોર્ડ હટાવવા, લારીઓ હટાવવાના કામમાં જ મશગુલ છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ખરાબ રોડની તાત્કાલિક મરામત થાય, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.
આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે તેઓએ અઠવાડિયા પૂર્વે મહાપાલિકાના અધિકારીઓને ટેલીફોનિક રજુઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વરસાદ આવે તે પૂર્વે રોડનું પેચવર્ક કરાવવામાં આવે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે. પણ મહાપાલિકાએ આ રજુઆતને ગંભીરતાથી ધ્યાને ન લીધી. કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં પણ આ લડત ચાલુ રહેશે.