રાજપૂત સમાજની નારાજગીએ ભાજપને ફટકો આપ્યો: વિધાનસભાની ચૂંટણી પછી વસુંધરાની ભાજપે સદંતર અવગણના કરી તે ભાજપને નડી હોવાનું રાજકીય સુત્રોનું માનવું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપની ક્લિન સ્વીપ રોકી છે. 2014 અને 2019ની ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 બેઠકોમાં ભાજપને વિજય મળ્યો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસે કમબેક કર્યું છે.
- Advertisement -
રાજસ્થાનમાં જે બેઠકોમાં કોંગ્રેસને વિજય મળ્યો છે તેમાં રાજપૂત મતો નિર્ણાયક રહ્યા. દૌસા, ભરતપુર, કરૌલી- ધૌલપુર, ટોંક સવાઈ માધોપુરમાં રાજપૂત સમાજની નારાજગીએ ભાજપને ફટકો આપ્યો હતો. ગત વર્ષે વિધાનસભામાં ભાજપે રાજપુતોને રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું ન હતું. ટિકિટ ફાળવણીનો વિવાદ થયો હતો, પરંતુ ચૂંટણી વખતે વિવાદ જેમતેમ કરીને ઠારી દેવાયો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં આ વિવાદનો અગ્નિ ફરી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભડકે બળ્યો હતો. રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદનની અસર ભલે ગુજરાતમાં જણાઈ નહીં, પરંતુ રાજસ્થાનના રાજપૂત સમાજમાં તેના ઘેરા પડઘાં પડ્યા હતા. તે સિવાય જાટ અને રાજપુત સમાજ પર વસુંધરા રાજેનો પ્રભાવ છે.
વિધાનસભાની ચૂંટણી પછી વસુંધરાની ભાજપે સદંતર અવગણના કરી. વસુંધરાની નારાજગી વચ્ચે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી દેવાતા જાટ-રાજપુત સમાજ નારાજ હતો. વસુંધરા રાજસ્થાન ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હતા, પરંતુ તેમણે ઝાલાવાડમાં પુત્ર દુષ્યંત સિંહ માટે જ પ્રચાર કર્યો. તે સિવાય કોઈ બેઠકો પર પ્રચાર ન કર્યો તેનાથી જાટ-રાજપુત મતદારો કોંગ્રેસ તરફ વળ્યા. ગંગાનગરની બેઠકમાં ત્રણ લાખથી વધુ મુસ્લિમ મતદારો અને છ લાખ દલિત મતદારોએ અનામત બેઠકના ભાગરૂપે કોંગ્રેસના ઉમેદવાર પર પસંદગી ઉતારી. એ બેઠકમાં ખેડૂત આંદોલનની અસર વધુ જોવા મળી હતી. ખેડૂતોની નારાજગી ભાજપને ભારે પડી.
ચુરુ, ઝુંઝુનુ, નાગૌર અને સિકરમાં જાટ સમાજના અનામત આંદોલનના કારણે ભાજપનો ફટકો પડ્યો હતો. નાગૌર અને સિકરમાં કોંગ્રેસ ગઠબંધનની સહયોગીઓ પાર્ટીઓના ઉમેદવારો જીત્યા છે. નાગૌરમાં ભાજપે આયાતી ઉમેદવાર જ્યોતિ મિર્ધાને ટિકિટ આપી, જેને સ્થાનિક મતદારોએ સ્વીકાર્યા નહીં. જાટ સમાજ ઘણાં સમયથી અનામત આંદોલનની માગણી કરી રહ્યા છે, તેમની માગણી સંતોષાઈન હોવાથી આખરે તેમણે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
એક દિગ્ગજ નેતા અને બે મહત્ત્વના સમાજોની નારાજગીથી ભાજપને મોટો ફટકો પડ્યો. જે બેઠક ભાજપે જીતી લીધી એમાંય માર્જિન ઘટયું. શહેરી મતદારોએ ભાજપની લાજ રાખીન હોત તો વધુ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હોત. તે ઉપરાંત ટિકિટ આપવામાં કોંગ્રેસ અને ગઠબંધને જ્ઞાતિના સમીકરણોને સેટ કર્યા હતા. ગેહલોત અને પાયલટના જૂથ વચ્ચે એકતા દેખાઈ, એકબીજાના કેમ્પના ઉમેદવારોને હરાવવાના પ્રયાસો થયા નહીં. એનો કોંગ્રેસને લાભ મળ્યો.
- Advertisement -
હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપનું ક્લિન સ્વીપ, ઇન્ડિયા ગઠબંધનને ફટકો
પ્રવાસન અને ધાર્મિક તિર્થ સ્થળો માટે જાણીતા હિમાચલપ્રદેશ અને ઉતરાખંડમાં ભાજપને બંપર સફળતા મળી હતી, હિમાચલની કુલ 4 લોકસભા બેઠકો અને ઉતરાખંડની કુલ 5 બેઠકો પર ભાજપને કલીન સ્વીપ મળી છે. ઉતરાખંડની ટેહરી, ગઢવાલ, અલમોરા, નૈનિતાલ અને હરિદ્વારની બેઠક પરના ભાજપના ઉમેદવારોને એક લાખ કરતા વધુ મતોની સરસાઇ સાથે જીત મળી હતી.
હિમાચલપ્રદેશની હમીરપુર સીટ પર કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર કોગ્રેસના ઉમેદવાર અને નજીકના હરિફ કરતા 1.77 લાખની સરસાઇ મેળવી હતી. મંડી સીટ પર ભાજપના ઉમેદવાર કંગના રનૌતની 74755 મતોથી જીત થઇ હતી. સિમલા બેઠક પર ભાજપના સુરેશકુમાર કશ્યપ પણ કોંગ્રેસના ઉમેદવાર સામે 90 હજારથી વધુ મતોની સરસાઇ મેળવી હતી. કાંગરા બેઠક પર ભાજપના રાજીવ ભારદ્વાજે નજીકના હરિફ આનંદ શર્મા સામે 251895 મતોની સરસાઇથી જીત મેળવી હતી. આ સાથે જ આ બે નાના રાજયોમાંથી બેઠકો મેળવવાથી ઇન્ડિયા ગઠબંધન વંચિત રહી ગયું હતું,