અત્યાર સુધીમાં સિંધના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 66,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા, બિપોરજોય વાવાઝોડું ગુજરાતની સાથે પાકિસ્તાનમાં પણ તબાહી મચાવશે
બિપોરજોય વાવાઝોડું ગુજરાતની સાથે પાકિસ્તાનમાં પણ તબાહી મચાવશે. પાકિસ્તાનના આબોહવા ઉર્જા મંત્રી શેરી રહેમાને બુધવારે જણાવ્યું હતું કે, ચક્રવાત બિપોરજોય ગુરુવારે સવારે 11 વાગ્યે સિંધના કેટી બંદર પર ટકરાશે. પાકિસ્તાન સ્થિત એક ન્યૂઝે આ જાણકારી આપી છે. ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શેરી રહેમાને ગુરુવારે સિંધમાં ત્રાટકેલા ચક્રવાતી તોફાન વિશે વાત કરી. તેમણે વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં સિંધના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 66,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
પાકિસ્તાનના આબોહવા ઉર્જા મંત્રી શેરી રહેમાને લોકોને આપત્તિની આ ઘડીમાં અધિકારીઓને સહકાર આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, તમામ બચાવ એજન્સીઓ રાહત કામગીરી માટે તૈયાર છે. એક ખાનગી ન્યૂઝ અનુસાર રહેમાને વધુમાં કહ્યું કે, ચક્રવાતનું વાસ્તવિક સ્વરૂપ 15 જૂને જાણી શકાશે, જ્યારે તે સિંધના કેટી બંદર સાથે ટકરાશે.
શું કહ્યું પાકિસ્તાનના આબોહવા મંત્રીએ ?
પાકિસ્તાનના આબોહવા મંત્રીએ કહ્યું કે, થટ્ટા, સુજાવલ, બદીન, થરપારકર અને ઉમરકોટ જિલ્લાઓ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ કરાચીથી દૂર જઈ રહ્યું છે અને ઉમેર્યું હતું કે, ચક્રવાતને કારણે સત્તાવાળાઓને પાકિસ્તાનમાં નાના એરક્રાફ્ટ ઓપરેશનને સ્થગિત કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે, ચક્રવાત પાકિસ્તાનની નજીક આવતાં કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન્સ સ્થગિત રહેશે.
પાકિસ્તાન હવામાન વિભાગે શું કહ્યું?
પાકિસ્તાન હવામાન વિભાગ (PMD) એ જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાત બિપરજોય છેલ્લા છ કલાકમાં લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. ચક્રવાત બિપરજોય હવે 22.1 ડિગ્રી ઉત્તર અને 66.9 ડિગ્રી પૂર્વ અક્ષાંશ નજીક કરાચીથી લગભગ 310 કિમી દક્ષિણે, થટ્ટાથી 300 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને કેટી બંદરથી 240 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં છે.
- Advertisement -
સિંધ અને બલૂચિસ્તાનના તટીય વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી
PMDએ કહ્યું કે, ચક્રવાત સિંધ અને બલૂચિસ્તાનના તટીય વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ડાયરેક્ટર જહાંઝૈબ ખાને જણાવ્યું હતું કે, અમે ભારે પવનની સાથે ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ અને ઉચ્ચ તરંગો સંવેદનશીલ માળખાને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે અમે સાવચેતી રાખવાનું શરૂ કર્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 10 કિલોમીટરની ત્રિજ્યામાંથી લોકોને બહાર કાઢી રહ્યા છીએ.