‘ઓશો કી મધુશાલા મેં બચ્ચન’ પુસ્તકમાંથી બડે બચ્ચનજીનો રજનીશ પ્રેમ છલકે છે!
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
‘અમિતાભ બારામાં તમે જે સાંભળ્યું છે, તેના વિષે મારે માત્ર એટલું જ કહેવું છે કે, જ્યારે કોઈ મને કહે કે કાગડો કાન લઈ ગયો તો હું કાગડા પાછળ નથી દોડતો. હું મારા કાન ચકાસી લઉં છું (કે એ સલામત તો છે ને!) અમિતાભ જો મારો પુત્ર છે તો એ આટલા નિમ્ન સ્તર પર ઉતરી જ ન શકે, જેટલા આરોપ તેના પર લગાવવામાં આવે છે!’
ઓશો રજનીશજીને અત્યંત સમર્પિત સ્વામી અગેહ ભારતીજીને 11 જાન્યુઆરી, 1980એ લખેલાં પત્રમાં આવી કેફિયત બડે બચ્ચનજીએ બયાન કરી હતી કારણ કે આગલા પત્રમાં સ્વામીજીએ તેમને લખેલું કે, મેં તાજી અફવા એ સાંભળી છે કે અમિતાભ બચ્ચને ઓશો રજનીશજીને દસ લાખ રૂપિયાની કાર લાંચમાં આપી છે કે જેથી તેઓ વિનોદ ખન્નાને ફિલ્મ જગતથી દૂર કરી દે (એ વખતે વિનોદ ખન્ના ફિલ્મ-બિલ્મ છોડીને સન્યાસી બનીને રજનીશ આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા!) અને એ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અમિતાભની ટક્કરનો કોઈ અભિનેતા જ ન રહે!
આ અફવા કરતાં વધુ ઈન્ટરેસ્ટિંગ છે બચ્ચનજી અને સ્વામી અગેહ ભારતીજીના આ પત્ર વ્યવહારો પરનું પુસ્તક: ઓશો કી મધુશાલા મેં બચ્ચન! આપણે આ પુસ્તકની વાત કરવાના છીએ પણ પહેલા બચ્ચનજી અને ઓશોનું જાન પહેચાનનું બેક ગ્રાઉન્ડ સમજવું જરૂરી છે. 1969માં રજનીશજી સાથે થયેલી ત્રણેક મુલાકાત પછી 1970માં બચ્ચનજી પત્ની તેજી બચ્ચન સાથે પણ રજનીશજીને મળે છે. એ પછી મુંબઈ શિફ્ટ થયેલાં રજનીશજીને બે’ક વખત મુંબઈના પેડર રોડ પર આવેલા ‘વુડલેન્ડ’માં જઈને બચ્ચનજી મળે છે પણ ત્રીજી વખત મા યોગલક્ષ્મી બહુ રૂડલી તેમને કહી દે છે; રજનીશજી આજે નહીં મળી શકે!
- Advertisement -
પોતાની આત્મકથામાં બચ્ચનજી લખે છે કે મને મુલાકાત ન મળી તેનું નહીં, અત્યંત ખરાબ રીતે ના પાડવામાં આવી તેની પીડા વધુ થઈ હતી. આ 1972ની વાત. બચ્ચનજી એટલાં હર્ટ થયા કે રજનીશને મળવાની તેમની ઈચ્છાઓ ચિમળાઈ ગઈ. બેશક, ઓશોનું સાહિત્ય મેળવીને વાંચવાનું તેમણે છોડ્યું નહીં. 1977. અમિતાભ બચ્ચનની ‘કાલા પત્થર’ ફિલ્મનું પુના નજીક શૂટીંગ ચાલતું હતું ત્યારે આખો પરિવાર પંદરેક દિવસ બીગ બી સાથે પુના ગયો હતો. એ વખતે ફરી બચ્ચનજીનો રજનીશ પ્રેમ સળવળ્યો. તેઓ દરરોજ સવારે રજનીશજીનું પ્રવચન (દશ રૂપિયાની એન્ટ્રી ફી ભરીને) સાંભળવા જતાં. આચાર્ય રજનીશ હવે ભગવાન રજનીશ બની ગયા હતા. સવારે તેઓ પ્રવચન આપતા. સાંજે અપોઈન્ટમેન્ટ આપી હોય તેમને મળતાં. બચ્ચનજીએ સપત્ની અપોઈન્ટમેન્ટ લીધી. બહુ ઓછા લોકો જાણે છે કે રજનીશને દમની બિમારી હતી એટલે પ્રવચન કે મુલાકાતો વખતે કાળજી રખાતી કે ઉની (ગરમ) કપડાં કે અત્તર- સુગંધી તેલ નાખેલી વ્યક્તિ તેમના સુધી ન પહોંચે. તેજી બચ્ચને માથામાં સુગંધી તેલ નાખ્યું હોવાથી તેમને અંદર જવા દેવામાં ન આવ્યા પણ વિવેક ખાતર બચ્ચનજી ગયા. રજનીશજી તેમને મળ્યાં પણ જૂની ઓળખાણ કે યાદનું કોઈ ચિહ્ન તેમના ચહેરા પર આવ્યું નહીં.
મુંબઈમાં મા યોગલક્ષ્મીની ઋક્ષતા અને આશ્રમમાં રજનીશજીની નિસ્પૃહતા છતાં હરિવંશરાય બચ્ચનજી ઓશો-સાહિત્ય સતત અને શોધીશોધીને વાંચતા રહ્યાં. આશ્રમમાં રહેવાની અને રજનીશજીને એકલા મળવાની ઈચ્છા તેમણે અગેહ ભારતીજીને પત્ર લખીને વ્યક્ત કરેલી અને સામસામા બે પત્રોમાં બચ્ચનજી-અગેહ ભારતીજી વચ્ચે તુંતું-મૈંમૈં પણ થઈ ગયું હતું. ‘ઓશો કી મધુશાલા મેં બચ્ચન’ પુસ્તકમાં આ વિસ્તૃત પત્રો વાંચવા જેવા છે કે જેમાં બચ્ચનજી ખિજવાઈને લખે છે કે… મેરે બાપ કા ક્યા જાતા હૈ (અને) તમે ઘોડાને પાણી પાસે લાવી શકો પણ તેને પાણી પીવડાવી શકતા નથી!
‘ઓશો કી મધુશાલા મેં બચ્ચન’ નામનું દુર્લભ પુસ્તક મારી લાયબ્રેરીનું ઘરેણું છે, એમાં 1969થી 1984 સુધી હરિવંશરાય બચ્ચન અને સ્વામી અગેહ ભારતી વચ્ચેનો પત્ર વ્યવહાર છે. બચ્ચનજીના પત્ર વ્યવહારમાં વ્યક્ત થતાં રજનીશ-લગાવને જોતાં સ્વામી અગેહ ભારતી એવું ઈચ્છતાં થઈ ગયા હતા કે બચ્ચનજી (આટલાં પ્રભાવિત છે તો તેમણે) ઓશો પાસેથી દીક્ષા લઈ સન્યાસી થઈ જવું જોઈતું હતું. કમ સે કમ, બચ્ચનજીએ રજનીશજી વિષે તો ક્યાંક (આત્મકથા સિવાય) લખવું જોઈતું હતું. સ્વાભાવિક છે કે બચ્ચનજી ઓશોના ક્રાન્તિકારી વિચારોથી પ્રભાવિત હતા પણ કંઠી બાંધીને પોતાનું વ્યક્તિત્વ અને ઓળખ સમર્પિત કરી દેવામાં માનતા ન હતા. એક પત્રમાં તેઓ લખે છે કે, હું આશ્રમમાં રહેવા ઈચ્છું તો પણ શિષ્ય બનીને રહેવા નથી ઈચ્છતો. હું તો સમાનતાના આધારે તેમના મિત્ર થઈને ત્યાં (આશ્રમમાં) રહેવાનું પસંદ કરીશ. હું ભક્ત-ભગવાન વચ્ચે ગુરુ-શિષ્યનો નહીં, મિત્રતાના સંબંધને જ સ્વીકારું છું!
‘ગઈકાલે જીવનના 73માં વર્ષમાં મેં પ્રવેશ કર્યો. અવસ્થા પ્રમાણે, નાની-મોટી અનેક બિમારીથી ગ્રસ્ત છે પણ તેમાં સૌથી ખરાબ બિમારી છે: રજનીશાઈટીસ. તેનાથી છૂટકારો પામવો આસાન નથી!’
28, નવેમ્બર, 1979માં લખાયેલો પત્ર આપણને એટલું સમજાવી જાય છે કે રજનીશજીના વિચારો અને દર્શનની કેવી મજબૂત પકડમાં હરિવંશરાય બચ્ચન જકડાયેલા હતા. રજનીશજીનું લગભગ બધું જ કહેવાય એટલું સાહિત્ય તેમણે મંગાવી-મંગાવીને વાંચ્યું હતું. મોટાભાગના પ્રવચનોની ઓડિયો કેસેટ સાંભળી હતી અને એ તમામ તેમણે પૈસા ખર્ચીને ખરીદયું-મંગાવ્યું હતું. ક્યારેક તેમણે અગેહ ભારતીને લખ્યું પણ છે કે, બધું એકસાથે મંગાવવાની મારી આર્થિક ક્ષમતા નથી! (સુપરસ્ટારના પિતા ભલે હોય, બચ્ચનજી આખરે તો સાહિત્યકાર હતા!)
- Advertisement -
સ્વામી અગેહ ભારતીએ પુસ્તકમાં લખ્યું છે તેમ, બચ્ચનજી લખી શકતા ત્યાં સુધી તેમણે પત્રો લખ્યાં છે. પુસ્તકમાં બચ્ચનજીએ પાંચ મે, 1984 સુધી લખેલાં પત્ર કે પત્રોના અંશો છાપવામાં આવ્યા છે. 1981માં પોતાની સારવાર અર્થે રજનીશજી અમેરિકા ગયા અને ભક્તોના, શિષ્યોના આગ્રહવશ અમેરિકામાં જ રોકાય ગયા. એ પહેલાં તેમણે ઈન્દિરા ગાંધીને મળવાની ઈચ્છા હરિવંશરાય બચ્ચનજી પાસે વ્યક્ત કરી હતી. બચ્ચનજી તેમની આત્મકથામાં લખે છે તેમ, ઈન્દિરા ગાંધી તેમને મળવા માટે ઉત્સુક નહોતા કારણ કે રજનીશજી ક્રાન્તિકારી અને બોલ્ડ વિચારોને કારણે ખાસ્સા એવા ચર્ચાસ્પદ બની
ગયા હતા!
13 માર્ચ 1984 (જ્યારે રજનીશજી ઓલરેડી અમેરિકા સ્થાયી થઈ ગયા હતા)ના પત્રમાં સ્વામી અગેહ ભારતી એક પૈસાના દશમા ભાગ જેટલા બચ્ચનજી (અને અન્ય બૌદ્ધિકોને પણ) જવાબદાર ગણાવતાં લખ્યું કે, ભગવાન તો ભારતમાં જ પોતાનો મોટો આશ્રમ બનાવવા માંગતા હતા. કચ્છમાં જમીન જોઈ લીધી હતી પણ જનતા સરકારે (મોરારજી દેસાઈ) એવું થવા ન દીધું. ભગવાને તો પોતાના પ્રવચનમાં વિસ્તારથી કહેલું કે, જો કચ્છ જઈશું તો કચ્છનું ભાગ્ય બદલી જશે. કચ્છની નિર્ધનતા ખતમ થઈ જશે… કચ્છ દુનિયાનું સૌથી સુંદર સ્થળ થઈ જશે થોડાક વરસોમાં જ… જે બધું રજનીશપુરમ, અમેરિકામાં થયું, એ બધું જ ત્યાં (કચ્છ)માં થવાનું હતું પણ… સૌથી મોટુ દુર્ભાગ્ય તો એ જ કે દેશના કહેવાતાં બુદ્ધિજીવીઓ ભગવાન પ્રત્યે તટસ્થ અને મૌન જ રહ્યાં. તેઓ પોઝિટીવ વાતાવરણ બનાવી શકતા હતા પણ તેઓ ચુપ રહ્યાં!
એવું થયું હોત તો પહેલી જ મુલાકાતમાં રજનીશજીને હરિવંશરાય બચ્ચને કહેલાં શબ્દો ખોટા પડ્યા હોત: યૂઆર એ ટ્રેજિક પરસન એન્ડ યુ શૈલ બી ક્રુસીફ્રાઈડ!