નાયબ મુખ્ય દંડક મકવાણાએ નિર્માણાધિન સાઈટની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કોઠારીયા રોડ પર નવી આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આજે આ સાઈટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ 81.5 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કોલેજ, હોસ્ટેલ અને અન્ય આવશ્યક માળખાકીય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. મુલાકાત દરમિયાન મકવાણાએ કોલેજ, હોસ્ટેલ અને હોસ્પિટલના ચાલી રહેલા બાંધકામની સમીક્ષા કરી હતી. તેમણે કામગીરી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. આ મુલાકાત વખતે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.