પૂર્વ સાંસદ અને ભાજપ નેતાં નવનીત રાણાએ પણ મમતા બેનરજી પર આકરાં પ્રહાર
પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં ચાલી રહેલી હિંસા મુદ્દે વિપક્ષી દળો મમતા બેનરજીની સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન અમરાવતીથી પૂર્વ સાંસદ અને ભાજપ નેતાં નવનીત રાણાએ પણ મમતા બેનરજી પર આકરાં પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર, દિકરીઓ પર દુષ્કર્મ અને હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.’
- Advertisement -
હિન્દુઓ પર અત્યાચાર થયાઃ નવનીત રાણા
મીડિયા સાથે વાતચીત કરતાં નવનીત રાણાએ કહ્યું કે, ‘જ્યારથી મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે, ત્યારથી લઇને આજ સુધીનો ઇતિહાસ જાણી લો. જ્યારે તમે આ અંગે જાણવા જશો તો તમને ખબર પડશે કે પશ્ચિમ બંગાળમાં જ્યારે જ્યારે મતદાન થયું ત્યારે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થયા, હિન્દુ દિકરીઓ પર દુષ્કર્મ થયા, તેમના ઘરો સળગાવાયા, તેમના વેપરા બંધ કરાવી દેવાયા.’
‘મમતા બંગાળને બાંગ્લાદેશ બનાવવા માગે છે’
- Advertisement -
નવનીત રાણાએ વધુમાં કહ્યું કે, ‘મમતા દીદીને ગેરસમજણ થઇ ગઇ છે કે તેઓ બંગાળને બાંગ્લાદેશની જેમ નિર્માણ કરશે. કદાચ તે ભૂલી ગયાં છે કે, આ દેશમાં જે વડાપ્રધાન છે તે રામભક્ત છે. કોંગ્રેસના કાર્યકાળમાં આ બધું ચાલી ગયું પરંતુ હવે બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર સાંખી નહીં લેવાય. જરૂર પડશે તો અમારી જેવી વિચારધારા ધરાવતા લોકો જઇને મમતા દીદીને તેમનું સ્થાન બતાવશે.’
બંગાળમાં સતત હિંસા
વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે મુર્શિદાબાદમાં ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હતી. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. મુર્શિદાબાદમાં હિંસક પ્રદર્શનો વચ્ચે આજે દક્ષિણ 24 પરગણામાં પણ હિંસા થઇ હતી. અહીં ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટના કાર્યકર્તા તથા પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ. ISFએ અનેક જગ્યાઓ પર તોડફોડ અને પોલીસની ગાડીમાં આગચંપી કરી હતી. હાલ અહીં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.