અટલ ટનલમાં ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી
ઘોડાની નાળના આકારની 9 કિલોમીટર લાંબી ટનલ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કરેલું અને ભારતીય લશ્કરની ટુકડીઓ માટે જેનું નિર્માણ મહત્ત્વનું ગણાવાયું એ અટલ ટનલના ઉદ્ઘાટનના ચોવીસ કલાકમાં ત્રણ ગંભીર અકસ્માતો થયા હોવાના રિપોર્ટ મળ્યા હતા.

આ ટનલમાં પ્રવેશતાંજ વાહનોનાં ડ્રાઇવરોને જાણે નશો ચડ્યો હોય એમ બેફામ પોતાનું વાહન ભગાવવા માંડે છે. પરિણામે વાહન પરનો કાબુ ગુમાવી દે છે અને અકસ્માત થાય છે એમ એક સૂત્રે જણાવ્યું હતું.

ત્રીજી ઓક્ટોબરે વડા પ્રધાને આ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. નવ કિલોમીટર લાંબી આ ટનલ ઘોડાની નાળના આકારમાં વિસ્તરેલી છે. વિશ્વની આ સૌથી લાંબી મોટરેબલ ટનલ ગણાવાય છે. હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આ ટનલ આવેલી છે.

સંરક્ષણ મંત્ર્યાલયના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના પ્રવક્તાએ કહ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર આ ટનલ માટે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડ્યું હતું. સંરક્ષણ ખાતાએ દરિયાની સપાટીથી દસ હજાર ફૂટ ઊંચે ખૂનપસીનો એક કરીને આ ટનલ બાંધી હતી. પરંતુ અહીંથી પસાર થતાં વાહન ચાલકોને અમારા પરિશ્રમની જરાય કિંમત ન હોય એમ બેફામ અને બેજવાબદારીથી વાહનો દોડાવે છે.