ઈન્ડિયન એરફોર્સની ‘ગરૂડ કમાન્ડો ફોર્સ’નું સૂત્ર જ છે : ડિફેન્સ બાય ઓફેન્સ. પ્રહાર દ્વારા સુરક્ષા
રંગ છલકે
– કિન્નર આચાર્ય
2016ની એક કાળી ડિબાંગ રાત્રિએ ઈન્ડિયન પેરા કમાન્ડોએ લાઈન ઓફ ક્ધટ્રોલ પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચાલીસ-પચાસ ટેરરિસ્ટસને ઝાઝી હો-હા વગર જન્નતની હૂર સાથે મુલાકાત કરાવી દીધી હતી-
જમ્મુમાં ડ્રોન એટેક પછી હવે સરેરાશ ભારતીય આપણા પ્રત્યુત્તરની પ્રતીક્ષામાં છે. આ સમય નથી જયારે આપણા શાસકો દરેક હુમલાનાં જવાબમાં કહેતા કે, “પાકિસ્તાન હવે અમારી ધીરજની કસોટી ન લે!” અને આટલું કહ્યા પછી ચુપ બેસી જતા હતા. હવે સમય બદલાયો છે. મ્યાંમાર સરહદે ભારતીય જવાનોએ એક કમાન્ડો ઓપરેશન કર્યું હતું. ભારતીય સેનાએ ઉત્તર પૂર્વીય સરહદે ઉગ્રવાદી સંગઠન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-ખાપલાંગ (ગજઈગ-ઊં) વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. મ્યાંમાર સરહદે જંગલોમાં છુપાઈને જવાનો પર હુમલો કરતા આ ઉગ્રવાદી સંગઠનની અનેક છાવણીઓનો સેનાએ કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. આવા જ એક મિશનમાં. 2016ની એક કાળી ડિબાંગ રાત્રિએ ઈન્ડિયન પેરા કમાન્ડોએ લાઈન ઓફ ક્ધટ્રોલ પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચાલીસ-પચાસ ટેરરિસ્ટસને ઝાઝી હો-હા વગર જન્નતની હૂર સાથે મુલાકાત કરાવી દીધી હતી. જગતના ઉત્તમોત્તમ વિલોમાંથી બનેલું બેસ્ટમબેસ્ટ બેટ જો મારા-તમારા હાથમાં હોય તો તેનું કશું જ મૂલ્ય નથી, પરંતુ સાદા કાશ્મીરી વિલોથી બનેલું સામાન્ય બેટ પણ જો વિરાટ કોહલીના હાથમાં હોય તો તેનું મૂલ્ય પછી અમૂલ્ય થઈ જાય. કમાન્ડો ફોર્સ આપણે ત્યાં એક નહીં, સાત-સાત છે, પરંતુ એમના ટાંટિયા બાંધીને પછી તેમને એવરેસ્ટ સર કરવાના ટાસ્ક અપાતાં રહ્યા છે. ભારત પાસે કમાન્ડો ફોર્સની કમી નથી. ઊણપ રહી છે, રાજકીય ઈચ્છાશક્તિની. કમાન્ડો ઓપરેશન પાર પાડવું એ આસાન કાર્ય નથી, સર્જિકલ સ્ટ્રાઈક બહુ ઈઝી નથી, પરંતુ ભારતીય શાસકોને અસલી ઓપરેશન કરતાં પણ વધુ કષ્ટ તેની પરમિશન આપવામાં થાય છે. સોશિયલ મીડિયા પર મેસેજીસ વહેતાં રહ્યાં છે : શા કામના પૃથ્વી, અગ્નિ જેવાં બ્રહ્માસ્ત્ર ? એવો જ સવાલ છે : આ પેરા કમાન્ડો અત્યાર લગી ક્યાં હતા ?
- Advertisement -
વેલ, તેઓ દસકાઓથી ડિપ્રેશનમાં હતા. માત્ર ઢાલથી લડવું જગતના કોઈ સૈનિકને ગમતું નથી. બૂલેટ પ્રૂફ જેકેટથી યુદ્ધો લડી શકાતા નથી. હા! ઢાલ અને તલવારની જોડી સાથે હોય એ આદર્શ સ્થિતિ છે. રિટાયર્ડ જનરલ જી.ડી. બક્ષીએ ટેલિવિઝન પર કહ્યું કે, આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત તલવારથી લડયું છે, નહીંતર આપણે ઢાલથી લડવા ટેવાયેલા છીએ ! શું આપણી પાસે તલવાર ચલાવવાનું કૌવત કે હિંમત નથી ? એવું બિલકુલ નથી. ઈન્ડિયન એરફોર્સની ‘ગરૂડ કમાન્ડો ફોર્સ’નું સૂત્ર જ છે : ડિફેન્સ બાય ઓફેન્સ. પ્રહાર દ્વારા સુરક્ષા. કાઉન્ટર ટેરરિઝમ માટે પ્રવૃત્ત આ ફોર્સ ઈન્ડિયન એરફોર્સનું એક અંગ છે. સ્પેશિયલ ઓપરેશન્સ, કોમ્બેટ સર્ચ અને રેસ્કયુ જેવી બાબતોમાં ગરૂડ કમાન્ડો નિપૂણ છે. વર્ષ 2004માં આ વિશિષ્ટ દળની રચના થઈ હતી. સાલ 2001માં જમ્મુ-કાશ્મીરના અનેક એરબેઝ પર ત્રાસવાદી છમકલાં થયા. એ પછી ઈન્ડિયન એરફોર્સના અફસરોને એક મજબૂત-વિશિષ્ટ કમાન્ડો ફોર્સની જરૂરત જણાઈ. ઓક્ટોબર-2002માં ગરૂડ ફોર્સની રચનાને આખરીઓપ અપાયો. વિચાર એવો હતો કે, બે હજાર જેટલાં ચૂનંદા જવાનોને સખ્ત – વિશ્વકક્ષાની ટ્રેઈનિંગ આપી તૈયાર કરવા. આરંભ સમયે આ દળનું નામ ‘ટાઈગર ફોર્સ’ રખાયું હતું. પછીથી તેને ગરૂડ ફોર્સ નામ અપાયું છે. 6 ફેબ્રુઆરી-2004ના દિવસે કર્ણાટકના બેલગામ ટ્રેઈનિંગ સેન્ટરમાંથી 62 ગરૂડ કમાન્ડોની પ્રથમ બેચ બહાર પડી. અત્યારે ભારત પાસે લગભગ 1080 ગરૂડ કમાન્ડો છે. પઠાણકોટ આતંકી હુમલા પછી તેમાં વધારાની અનેક સ્કવોડ્રન ઉમેરાઈ. ગરૂડ કમાન્ડોને એવી તમામ તાલીમ આપવામાં આવે છે. જેમાંથી એ અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની કામગીરી પાર પાડી શકે. રેગિસ્તાનથી લઈ બરફના રણમાં કે જંગલમાં તેમણે કેવી રીતે પોતાની જાતને બચાવવી, પેરાશૂટ જમ્મ, અને લેટેસ્ટ વેપન્સ ઓપરેશન સુધીની ટ્રેઈનિંગ તેમને અપાય છે. ભારતીય પેરા કમાન્ડો અને માર્કોસ કમાન્ડોને જે પ્રશિક્ષણ અપાય છે એ તમામ પ્રકારની ટ્રેઈનિંગ ગરૂડને પણ આપવામાં આવે છે. મૂળત: કમાન્ડો ફોર્સનો પર્યાય શબ્દ જ છે, હંફાવી મૂકે તેવી સખ્ત તાલીમ.
આવી જ ટ્રેઈનિંગ મેળવતા આપણા ‘માર્કોસ કમાન્ડો’ જગતના ટોપ-ટેન કમાન્ડો ફોર્સમાં સ્થાન પામે છે. ઈન્ડિયન નેવીની એક વિંગ જેવી માર્કોસ કમાન્ડો ફોર્સની રચના ત્રાસવાદી વિરુદ્ધની કાર્યવાહી માટે થઈ છે. બિનપરંપરાગત યુદ્ધ, હોસ્ટેજ ક્રાઈસિસ અને રેસ્કયુ જેવી અનેક બાબતોમાં માર્કોસની હથોટી છે.
- Advertisement -
માર્કોસ (મરિન કમાન્ડોનું શોર્ટ ફોર્મ) આમ તો કોઈપણ પ્રકારના ઓપરેશનને અંજામ આપી શકે છે, પરંતુ જ્યારે આવી કોઈ ઈમરજન્સી ન હોય ત્યારે તેમની ડયૂટી કાશ્મીરની જેલમ નદી પર અને કાશ્મીરના વુલર સરોવર પર હોય છે. 65 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું મીઠા પાણીનું વુલર સરોવર બહુ સેન્સિટિવ વિસ્તારમાં સ્થિત છે. ટેરરિસ્ટમાં પણ માર્કોસનો ખૌફ છે. તેઓ માર્કોસને ‘દાઢીવાલા ફૌજ’ તરીકે ઓળખે છે. કારણ કે, સિવિલ એરિયામાં મરિન કમાન્ડો મોટાભાગે દાઢી રાખીને ફરતા હોય છે. ભારતીય નૌકાદળએ આમ તો ભૂતકાળમાં અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયા હતા. 1984માં આંદામાન અને 1986માં ગોવા એસોલ્ટમાં નેવીની કાર્યક્ષમતા સ્પષ્ટપણે સામે આવી હતી. પરંતુ છેક 1971ના યુદ્ધથી ઈન્ડિયન નેવીને એક એવી ફોર્સની જરૂરત અનુભવાતી હતી જે કઠીનત્તમ ઓપરેશનને પણ સહજતાથી પાર પાડી શકે. એપ્રિલ-96માં યોજનાને આખરી સ્વરૂપ અપાયું. ભારતીય સૈન્યના ત્રણ અફસરોને યુ.એસ. નેવી સીલની કઠોર તાલીમ લેવા મોકલવામાં આવ્યા. એ પછી તેમને સ્પેશિયલ એર સર્વિસની ટ્રેઈનિંગ કાજે મોકલાયા. આ અફસરોએ ભારત આવીને નેવીના જવાનોને પ્રશિક્ષિત કર્યા અને 1987માં ‘ઈન્ડિયન મરિન સ્પેશિયલ ફોર્સ’નો પ્રથમ જથ્થો બહાર આવ્યો.
1991માં એનું નામ બદલીને ‘મરિન કમાન્ડો ફોર્સ’ કરાયું. 2010-2011 દરમિયાન માર્કોસ કમાન્ડોએ સોમાલિયન અને આફ્રિકન ચાંચિયાઓ વિરુધ્ધ કેટલાંક અત્યંત અસરકારક ઓપરેશન્સ પાર પડયા. આજે માર્કોસ ફોર્સ પાસે લગભગ બે હજાર કમાન્ડોની ફોજ છે. માર્કોસનો બેઝ આઈએનએસ અભિમન્યુ નામનું જહાજ છે. અહીં કમાન્ડોને કાઉન્ટર ટેરરિઝમથી લઈને એન્ટિ-હાઈજેકિંગ, એન્ટી-પાઈરસી અને અનક્ધવેન્શનલ વોરની ટ્રેઈનિંગ અપાય છે. જગતની સર્વોત્તમ કમાન્ડો ફોર્સીસ સાથે માર્કોસનો સહાભ્યાસ, યુધ્ધાભ્યાસ યોજાતો રહે છે. માર્કોસ કમાન્ડો બનવા માટે બે વર્ષની ટ્રેઈનિંગ હોય છે. માર્કોસની આખી તાલિમની વાત બહુ લાંબી છે. ટૂંકમાં કહીએ તો,
માર્કોસની ટ્રેઈનિંગ લીધેલા જવાનો ક્યાંયથી પાછા ન પડે.
પી.ઓ.કે.માં અને મ્યાંમારમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી દેશની કમાન્ડો ફોર્સમાં કદાચ ઊંડે ઊંડે આશા જાગી હશે કે હવે તેમની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ થશે
તેમની પાસે આધુનિકતમ હથિયારો છે. બેરેટાથી શરૂ કરીને હેકલર એન્ડ કોચ અને સાકો ટિક્કાથી લઈને સાફ કાર્બાઈન સુધીના ઘાતક શસ્ત્રોથી તેઓ સજ્જ છે. તેમના ભાથામાં હજુ અનેક વેપન્સ ઉમેરાઈ રહ્યા છે. છેલ્લો ઉમેરો ઈઝરાયલી ઓટોમેટિક ગન આઈએમઆઈ ટેવોર છે. માત્ર હથિયાર જ નહીં, ટ્રિગર પણ હવે જવાનો પાસે હોય છે એ જોઈને કોઈપણ રાષ્ટ્રવાદીની આંખો ઠરે. પી.ઓ.કે.માં અને મ્યાંમારમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી દેશની કમાન્ડો ફોર્સમાં કદાચ ઊંડે ઊંડે આશા જાગી હશે કે હવે તેમની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ થશે. આપણે ત્યાં સામાન્યત: તેમનો ઉપયોગ પૂર પીડિતોને બચાવવા કે ભૂકંપના કાટમાળ ઉલેચવામાં જ થતો રહ્યો છે. એમણે ટ્રેઈનિંગ લીધી હોય છે હાઈજેક થયેલા પ્લેનને છોડાવવાની, ગેરિલા યુદ્ધ કરવાની અને કામગીરી કરવી પડે છે સિક્યુરિટી ગાર્ડ જેવી.
પોલિટિશિયન્સની સુરક્ષામાં હરદમ તૈનાત રહેતા નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએેસજી) ના જવાનોએ ભૂમિ, જળ અને આકાશમાં ઓપરેશન્સ કરવાની તાલીમ મેળવી હોય છે.
એનએસજી બહુ અલગ પ્રકારે કામ કરતી ફોર્સ છે. તેમાં લશ્કરી દળો અને અર્ધ લશ્કરી દળોમાંથી ચૂનંદા જવાનો પસંદ કરવામાં આવે છે. આઈ.પી.એસ. કેડરના અફસર તેનાં ચીફ હોય છે. તેમના બ્લેક યુનિફોર્મને લીધે અને યુનિફોર્મ પર અંકિત કાળી બિલાડીના સિમ્બોલને કારણે એનએસજી જવાનોને બ્લેક કેટ કમાન્ડો પણ કહેવાય છે. એક અન્ય દળ છે : સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ. આ ફોર્સ સીધી રો હેઠળ આવે છે અને સેક્રેટરિયેટને રિપોર્ટ કરે છે. ઉત્તરાખંડના ચક્રાતામાં તેનું વડું મથક છે. તેનાં જવાનો તિબેટિયન-પહાડી મૂળના હોય છે. પહાડો અને જંગલોમાં ઓપરેશન્સ હાથ ધરવામાં તેઓ નિષ્ણાત છે. ભારત-ચીન સરહદ પર આ ફોર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વીવીઆઈપીની સુરક્ષા માટે રચાયેલી ફોર્સ સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપ (એસપીજી)ના જવાનો જગતના સૌથી સોફિસ્ટિકેટેડ હથિયારોથી સજ્જ છે. એફ.એન. હેસ્ટર્ન, ગ્લોક પિસ્ટલ, પી-નાઈન્ટી જેવાં વેપન્સ તેમના ભાથામાં છે. સૈન્યના અને રેલવે પ્રોટેકશન ફોર્સના જવાનોની તેમાં સેવા લેવાય છે. હવે તો મુંબઈ શહેર પાસે પણ પોતાની કમાન્ડો ફોર્સ, નામે ફાર્સ વન છે. ઈઝરાયલી એજન્સી મોસાદ જેવી જ તાલીમ પામેલી આ ફોર્સ મુંબઈ એટેક પછી રચાઈ. જ્યારે ઈન્ડિયન આર્મીની પેરેશૂટ રેજિમેન્ટ-પેરા તો સર્જિકલ સ્ટ્રાઈકમાં કમાલ દર્શાવી જ ચૂકી છે. ઈન્ડિયન આર્મીની આ એકમાત્ર રેજિમેન્ટ છે જેને હાથમાં ટેટૂ ત્રોફાવવાની છૂટ છે. સૈન્ય પાસે પેરેશૂટ રેજિમેન્ટના સાત યુનિટ છે. તેના કમાન્ડોને ઓપરેશન મુજબ વિશ્વના આધુનિક્તમ હથિયારોનો ઈસ્તેમાલ કરવાની છૂટ છે. મહત્ત્વની વાત એ છે કે, આવી છૂટની અસર થઈ રહી છે, દેશ હવે કમાન્ડો ફોર્સની હાજરીનો અનુભવ કરી રહ્યો છે. આઝાદીના સાત દાયકા પછી મળેલી આ છૂટથી જવાનો ઉપરાંત સરેરાશ ભારતીય પણ ખુશ છે.