ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગત તા. 11-9-2008ના અરસામાં ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશુબેન ભીખાભાઈ સાગઠીયા રસોઈ બનાવતા હતા તે વખતે તેના પુત્ર મહેશ સાગઠીયા અને જેન્તી સાગઠીયાનાઓએ જમવાનું વિલંબીત થતાં તેની માતાના માથા ઉપર ઈંટનો ઘા કરી ઈજા કરી મોત નિપજાવતા બંને પુત્રોની ધરપકડ બાદ જેન્તીભાઈ સાગઠીયાનું અવસાન થતાં મહેશભાઈ સાગઠીયા વિરુદ્ધનો કેસ ચાલી જતાં રાજકોટના એડી. સેશન્સ જજે નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવેલ છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો આરોપીઓ મહેશભાઈ ભીખાભાઈ સાગઠીયા, જેન્તીભાઈ ભીખાભાઈ સાગઠીયાનાઓ વિરુદ્ધ ભાડલા પોલીસ સ્ટેશનમાં ગુજરનારના સગા વિનોદ દેવસીભાઈએ એ મતલબની ફરિયાદ આપેલી હતી કે ગુજરનાર જશુબેન ભીખાભાઈ સાગઠીયા બપોરના અરસામાં રસોઈ બનાવતા હતા ત્યારે આરોપીઓ બંને તેણીના પુત્રો હોય માનસિક અસ્થિર હોય જમવાનું બનાવવામાં વિલંબ થતાં ઉશ્કેરાઈ જઈ ઈંટનો છૂટો ઘા કરી તેણીના માતાના માથામાં ઈજા કરી ખૂન કરવા સબબ તા. 12-9-2008ના બંને આરોપીઓને અટક કરી જેલહવાલે કરવામાં આવેલા હતા જેઓ વિરુદ્ધ તા. 17-11-2008ના ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી હતી.
ઉપરોક્ત કેસ તા. 30-5-2017ના ચાલવા પર આવતા ફરિયાદ પક્ષેથી કુલ 14 સાહેદોનો ઓરલ પુરાવો નોંધી દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલો અને જેલ કસ્ટડી દરમિયાન આરોપી જેન્તી ભીખાભાઈ સાગઠીયાનું અવસાન થતાં એક આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવેલ. આરોપી માનસિક અસ્થિર હોય જામનગર માનસિક અસ્થિર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવેલી અને કેસ ચલાવવામાં રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તામંડળના સચિવએ લીગલ એડ ડીફેન્સ કાઉન્સીલ સિસ્ટમના હિતેષ ગોહેલને કેસ ચલાવવા નિમણુંક આપતાં તેઓએ કેસ રોજેરોજ ચલાવવા માગણી કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં આરોપી તરીકે રજૂઆત કરવામાં આવેલ કે કેસનું રેકર્ડ તેમજ પુરાવો જોતાં આરોપીને ગુના સાથે સાંકળતો પુરાવો ઉપલબ્ધ ન હોય આરોપી વિરુદ્ધનું તહોમત પુરવાર થતું ન હોય આરોપીને છોડી મૂકવા સાથે આગળ પાછળ કોઈ જ નહીં હોવાથી તે સંબંધે પણ યોગ્ય હુકમ થવા રજૂઆત કરવામાં આવી હતી.
તમામ પક્ષેની રજૂઆતો રેકર્ડ પરનો પુરાવો લક્ષે લઈ માનસિક અસ્થિર આરોપીના કિસ્સામાં ભાગ્યે જ બનવા પામેલ હોય તેવું માત્ર આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ જ ફરમાવવાની જગ્યાએ આરોપીના પરિવારમાં કોઈ સભ્ય ન હોય ત્યારે તેના સગા પુંજાભાઈ ગોવિંદભાઈને આરોપીનો કબ્જો સોંપવા અને તેની મેડિકલ સુવિધા, દેખભાળ માટે જરૂરી વ્યવસ્થા કરવા સગા પુંજાભાઈને જણાવવામાં આવે અને તે સારવાર ન કરાવી શકે તો કાનુની સેવા સત્તામંડળના વકીલ હિતેષ ગોહેલ અથવા સચિવ કાનુની સેવા સત્તામંડળને જાણ કરવા અને સચિવએ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટને જરૂરી વ્યવસ્થા કરવા માનસિક અસ્થિર સરકારી હોસ્પિટલમાં મેડિકલ સુવિધા મળી રહે તેમજ આરોપીની સલામતી અને યોગ્ય દરકાર થાય તેવી વ્યવસ્થા કરવા ઉપરાંત જરૂર જણાય તો ખાનગી નોન ગર્વમેન્ટ ઓર્ગેનાઈઝેશનની પણ મદદ લેવા જણાવવામાં આવેલું, ઉપરાંત ડીફેન્સ કાઉન્સીલ વકીલે માનવતાના ધોરણે આરોપીની સ્થિતિ સંબંધેનો રિપોર્ટ સચિવ જિલ્લા કાનુની સેવા સત્તામંડળને કરવા તેમજ અદાલતને મદદરૂપ થનાર જિલ્લા સરકારી વકીલ તથા લીગલ એડ ડીફેન્સ કાઉન્સીલની કામગીરીને પણ બિરદાવવામાં આવેલી હતી. આવો ચુકાદો કદાચને સેશન્સ અદાલતમાં પ્રથમ વખત આપવામાં આવેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઉપરોક્ત કામમાં આરોપી વતી જિલ્લા કાનુની સેવા સત્તામંડળે નિમેલ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલ હિતેષ જે. ગોહેલ રોકાયેલા હતા.