ભગવતીપરાના પરિવારે આર્થિક ભીંસ અને બીમારીથી કંટાળી પડધરીના મોટા રામપરામાં અંતિમ પગલું ભર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે શહેરના ભગવતીપરામાં રહેતા પરિવારે રિક્ષા લઈ પડધરીના મોટા રામપરા ગામે જઈને ઝેરી દવા પી સજોડે આપઘાત કરી લેતા ત્રણેયના મોત નિપજતા પડધરી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં ફાયનાન્સના હપ્તા ચડી જતાં આર્થિક ભિસ હોય અને બીમારી પણ હોવાથી દંપતિએ પૂત્ર સાથે ઝેર પી આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે છતાં પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર રાજકોટથી 25 કિલોમીટર દૂર આવેલા પડધરીના મોટા રામપર ગામ નજીક સરકારી ખરાબાની જમીનમાંથી આજે સવારે એક મહિલા અને બે પુરુષના મૃતદેહો મળ્યા હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે તપાસ કરતા નજીકમાંથી ઝેરી દવાની બોટલ મળીઆવી હતી. આથી મૃતક ત્રણેય વ્યક્તિએ સામુહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યો હતું.
આ સિવાય ઘટના સ્થળેથી એક રિક્ષા પણ મળી આવતા આ ત્રણેય વ્યક્તિઓ રાજકોટથી રિક્ષા લઈને પડધરી પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટથી પડધરી પહોંચી રાત્રી દરમિયાન મહિલા સહિત ત્રણ વ્યક્તિએ એકસાથે જ ઝેરી દવા પી આપઘાત કર્યાનું માનવામાં આવી રહ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યો હતા. જેમાં કાદરભાઈ મુકાદમ, ફરીદાબેન કાદરભાઈ મુકાદમ, આસિફ મુકાદમનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના પહોંચી ત્રણેયના મૃતદેહોને પડધરીને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.