જર્મની અને ડેનમાર્ક સહિત અનેક દેશોમાં મલિકે મચાવ્યો કહેર, 4 લોકોના મોત
ઉત્તર યુરોપમાં આવેલા ભારે બરફના તોફાનના કારણે 4 લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે અનેક મકાનો અને કારને નુકસાન થયું હતું.
ઉત્તર યુરોપમાં આવેલા ભારે બરફના તોફાનના કારણે આજરોજ 4 લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે અનેક મકાનો અને કારને નુકસાન થયું હતું. કેટલાક પુલ બંધ થઈ ગયા હતા અને હજારો ઘરોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આ વખતે બરફના આ તોફાનને ‘મલિક’ નામ આપવામાં આવ્યું છે; અને રવિવારે નોર્ડિક ક્ષેત્ર તરફ આગળ વધ્યું હતું. જેના કારણે ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડનમાં ભારે પવન સાથે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. હરિકેન મલિક બ્રિટનથી આવ્યા બાદ ગત શનિવારે મોડી રાત્રે નોર્ડિક પ્રદેશ અને ઉત્તર જર્મની પહોંચ્યું હતું, જ્યાં તેણે મિલકત અને પરિવહનના સાધનોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું.
- Advertisement -
આ બરફના તોફાનના કારણે સ્કોટલેન્ડ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. બ્રિટનના ઉત્તરીય ભાગમાં સ્થિત સ્ટેફોર્ડશાયરમાં વાવાઝોડાને કારણે એક વૃક્ષ પડી જવાથી 9 વર્ષના બાળક અને 60 વર્ષની એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. સ્કોટલેન્ડમાં ભારે પવનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને હજારો ઘરોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો હતો.
ડેનમાર્કમાં ભારે વરસાદને કારણે બ્રિજ બંધ :
મલિક વાવાઝોડાને કારણે ડેનમાર્કમાં ભારે વરસાદ થયો હતો અને ગત શનિવારે ઘણા પુલને કામચલાઉ બંધ કરવાની ફરજ પડી હતી. અહીં ભારે પવનના કારણે 78 વર્ષની એક મહિલા પડી ગઈ અને ઘાયલ થઈ જતા તેનું મોત નિપજ્યું હતું. જર્મનીમાં મલિક વાવાઝોડાને કારણે બિલબોર્ડ તૂટી પડતાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પહેલીવાર નથી કે જ્યારે યુરોપમાં આ પ્રકારના તોફાનનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ પહેલા પણ આવી જ પરિસ્થિતિ અહીં જોવા મળી ચૂકી છે.
અમેરિકામાં પણ બરફનું તોફાન આવ્યું :
યુરોપ ઉપરાંત અમેરિકાના ઘણા ભાગોમાં પણ બરફનું તોફાન હાલમાં ચાલુ છે. જેના કારણે 7 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ લોકો વીજળી વિના જીવન જીવવા મજબૂર છે. અહીં વાહન વ્યવહાર થંભી ગયો છે; અને હજારો ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે. ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને શક્ય હોય તો રસ્તાઓથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા શહેરો પણ બરફના કાતિલ તોફાનની ઝપેટમાં આ વખતે આવી ગયા છે.
- Advertisement -