મોટાભાગની જનતા ઇન્સ્ટન્ટ જ્ઞાનનો ઉપયોગ કરીને અભિપ્રાય બાંધતી હોય છે એટલે કે પ્રવાહોને સમજવામાં પોતીકું ચિંતન ઓછું હોય છે
અફવાને પડકારવા કરતાં અફવા સાથે જવું હંમેશા સરળ હોય છે, વળી કોઈ માહિતી અફવા છે કે યથાર્થ એ ચકાસવા લોકો પાસે સમય કે તત્પરતાં ઓછી હોય છે. સમાજનો એક મોટો વર્ગ અફવાની નાવમાં બેઠો હોય ત્યારે, બધા વિચારે છે, માને છે તો સાચું જ હશે એવું માનનારો વર્ગ સમાજમાં મોટો હોય છે કે જેને એકલા પડી જવાનો ડર હોય છે
- Advertisement -
(ગત અંકથી ચાલુ)
જેના કારણોમાં એમ કહી શકાય કે, જ્યારે પોસ્ટ-ટ્રુથ શબ્દ નહોતો ત્યારે પણ, દરેક યુગમાં, દરેક સમયમાં ભાવનાઓનો દુરોપયોગ થયો છે. તેના જવાબમાં વિદ્વાનો કહે છે કે, અફવા હંમેશા ચળકાટવાળી સનસનીખેજ હોય છે. માર્ક ટ્વેઇન કહે છે કે, સત્ય જ્યારે જુતા પહેરે ત્યાં સુધીમાં અસત્ય અડધી દુનિયામાં ફરી આવે છે, આ જ વાત પોસ્ટ-ટ્રુથને લાગુ પડે છે. બીજું, અફવાને પડકારવા કરતાં અફવા સાથે જવું હંમેશા સરળ હોય છે. વળી કોઈ માહિતી અફવા છે કે યથાર્થ એ ચકાસવા લોકો પાસે સમય કે તત્પરતાં ઓછી હોય છે. સમાજનો એક મોટો વર્ગ અફવાની નાવમાં બેઠો હોય ત્યારે, બધા વિચારે છે, માને છે તો સાચું જ હશે એવું માનનારો વર્ગ સમાજમાં મોટો હોય છે કે જેને એકલા પડી જવાનો ડર હોય છે.
વળી,‘દિલ કો ખુશ રખને કો યે ખયાલ અચ્છા હૈ…’ ગાલિબ કહે છે એમ જુઠ અમુક અંશે આરામદાયક હોય છે. આ વિશે ક્યાંક ઉદાહરણ સાંભળ્યું છે કે, બાળક પડી જાય ત્યારે મોટા એમ કહે કે જમીનને મારી દે બસ. તમારી તકલીફો માટે કોઈ ખાસ કોમ, કે જે-તે સાશકોની ફલાણી-ઢીકણી નીતિ જવાબદાર છે એમ કહીને જનતાને પેમ્પર કરનાર નેતા ખરેખર તો પોતાની જીતનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યો હોય છે જે અંતે વિનાશમાં પણ પરિણમી શકે. (આ વાતનું યથાર્થ ઉદાહરણ હિટલર કે જેણે જર્મનની પ્રજાને કહ્યું કે, સેક્સ્યુઅલ ટ્રાન્સફર ડીસીઝ(સિફિલિસ એ સમયમાં ખૂબ ફાલ્યો હતો)નું અને પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણી હારનું કારણ યહૂદીઓ છે અને લોકોએ માની પણ લીધું! હિટલર અને મુસોલીનીએ રાષ્ટ્રવાદને ખોટી રીતે પરિભાષિત કરી, ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને સતા મેળવી પુરી દુનિયા પર અત્યાચાર આચર્યો.)
બીજું, લોકશાહીમાં મત આપનાર સીમાડાના નાગરિકની બૌદ્ધિકતાને પડકારી નથી શકાતી. ગામડામાં વસતો મોટો વર્ગ ભારતના રાજકારણની દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ એ વર્ગ છે કે જે રોજબરોજના જીવનમાં તકલીફોનો પ્રત્યક્ષ સામનો કરે છે એટલે તેમના દુ:ખ કે તકલીફોની રોકડી કરી લેવી સહેલી બાબત છે. સગવડ-સુખની કલ્પના સતત મુશ્કેલીમાં રહેતા લોકોને વધુ અપીલ કરી જાય છે.
મોટાભાગની જનતા ઇન્સ્ટન્ટ જ્ઞાનનો ઉપયોગ કરીને અભિપ્રાય બાંધતી હોય છે એટલે કે પ્રવાહોને સમજવામાં પોતીકું ચિંતન ઓછું હોય છે. જનતા પત્રકારો, લેખકો, રાજનીતિજ્ઞ, બુદ્ધિજીવીઓ પાસેથી સમજે છે. લોકશાહીમાં પોસ્ટ-ટ્રુથની એ ચરમસીમા ગણાય છે કે જ્યારે દેશનાં મોટાભાગના મીડિયાહાઉસ, લેખકો, બુદ્ધિજીવીઓ, એનાલિસ્ટો એકરાગે કોઈ એક પક્ષની બદબોઈ અથવા પ્રસંશા કરતા રહે.
- Advertisement -
અલબત્ત,એક મત એવો છે કે જનતા બધું સમજે છે પણ તે ઇંટ્રેસ્ટ ડ્રિવન હોય છે. એ પોતાનું હિત જોઈને નિર્ણય કરે છે. ભલે કોઈ પક્ષ દસ ખરાબ કામ કરે, ભલે જે-તે સમુદાયનું શોષણ કે તુષ્ટિકરણ કરે પણ અમારા હિતના બે સારા
સોશ્યલ મીડિયાનો વધતો વ્યાપ પોસ્ટ-ટ્રુથના વાઇડ સ્પ્રેડમાં મહત્વનો ભાગ ભજવે છે. આજે જ્ઞાન આપવાવાળા વધી ગયા છે. તમે તમારા વિચાર, કોઈપણ તાર્કિક-અતાર્કિક મુદ્દા, તમારું સત્ય અરે કંઈપણ સોશ્યલ મીડિયા પર રજૂ કરી શકો છો, એ સાચું ખોટું જે હશે તે પછી નક્કી થશે
કામ કરે છે ને! આવી સ્વાર્થી ગણતરીઓ સાથે જનતા તેને સર્વ કરવાવાળા પક્ષ સાથે જાય છે. રાજનેતા કે ધાર્મિક સતાઓ ક્યારેક જનતાની નાડ પારખી તેને ગમે તેવી વાતો કરીને અથવા પોતાના હિતની વાતો જનતાને ગમે તેવી ભાષામાં રજૂ કરીને લોકોના મન જીતવાના પ્રયત્ન કરે છે. તેના માટે તેઓ કડવા સત્ય કરતા મીઠું જુઠ બોલવું પસંદ કરે છે. ઇસ્લામ ખતરે મેં હૈ, એવું નરેટિવ સેટ કરીને અનેકો યુવાનોને ભટકાવીને પુરી દુનિયા માટે ખતરારૂપ બનાવી દેનાર ધર્મગુરુઓનું જુઠ દરેકને સમજમાં બ્રેનવોશિંગ ઉપરાંત આ ફેબ્રિકેટેડ જુઠને સત્ય માનવા- મનાવવામાં અમુક લોકોને અંગત હિત દેખાતું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો-અમેરિકા વચ્ચે દીવાલ બનાવી દેવાના વાયદા કર્યા. હવે, બોર્ડર પરના લોકો રેપ, હત્યા, લૂંટફાટ વગેરે રોજબરોજના ત્રાસથી ત્રસ્ત લોકોએ વિચાર્યું કે ભલે, ઉળધુળીયો છે, વિવાદાસ્પદ છે, ખંધો બિઝનેસમેન છે પણ ટ્રમ્પ આપણું આ મોટું કામ તો કરી દેશે.
સોશ્યલ મીડિયાનો વધતો વ્યાપ પોસ્ટ-ટ્રુથના વાઇડ સ્પ્રેડમાં મહત્વનો ભાગ ભજવે છે. આજે જ્ઞાન આપવાવાળા વધી ગયા છે. તમે તમારા વિચાર, કોઈપણ તાર્કિક-અતાર્કિક મુદ્દા, તમારું સત્ય અરે કંઈપણ સોશ્યલ મીડિયા પર રજૂ કરી શકો છો, એ સાચું ખોટું જે હશે તે પછી નક્કી થશે. પહેલાના જમાનામાં, ટીવી, છાપું, રેડિયો એ બધા એકમાર્ગીય માધ્યમો હતાં કે જ્યાં જનતાએ કશું ડાયરેકટ રીએક્ટ કરવાનું નહોતું. આજના સમયે ટીવી ન્યૂઝ જોનારા કે અખબાર વાંચનારની સરખામણીએ સોશ્યલમીડિયાનો ઉપયોગ કરનારની સંખ્યા અનેકગણી વધુ છે. બધા લોકો ન્યૂઝ કે છાપું ભલે ન વાંચે સોશ્યલ મીડિયા પરના જ્ઞાન(!)ની ભરમારમાં જરુર હશે.પાનના ગલ્લા જેવા આ વર્ચ્યુઅલ ચોરા પર એક એક રાજકીય ઘટનાનું પોતાની બુદ્ધિથી વિશ્લેષણ કરનાર લોકો પોતાના સીમિત જ્ઞાનથી ઘટનાના તથ્યો પારખવાની કોશિશ કરે છે, આવા વિશ્લેષણમાં સત્ય કરતા પૂર્વગ્રહ અને ભાવનાત્મકતાનું તત્વ વધુ પ્રબળ હોય છે, જે સમયાંતરે પ્રબળ ધારણાનું રુપ પણ લઈ શકે છે. વળી, સોશ્યલ મીડિયાએ સંપર્કનું લાઈવ માધ્યમ બન્યું છે જેના થકી આજનો નેતા પોતાની વાત ડાયરેકટ જનતાના કાન સુધી પહોંચાડી શકે છે અને તે જનતાના સીધા સંપર્કમાં, ઇઝીલી અવેલેબલ હોવાનો ભ્રમ ઉભો કરીને જનતાનો પોતીકો બની શકે છે. આજે સરેરાશ નાગરિક રાજનીતિ જેવા જટિલ વિષય પર પોતાનો ગંભીર અભિપ્રાય ધરાવતો થયો છે. તેના કારણમાં સોશ્યલ મીડિયા છે. સોશ્યલ મીડિયા પર રાજકીય પક્ષો દ્વારા પીરસાતા પૂર્વગ્રહયુક્ત, સત્યથી પરે, પોતાના પક્ષને ફાયદો થાય એ દ્રષ્ટિથી ઘડેલા નરેટિવસનો વ્યાપ વધ્યો છે. આપણે રોજબરોજ જોઈએ જ છીએ કે જે-તે નિષ્ફળતામાં કે ઘટનામાં જવાબદાર રાજકીય પક્ષને જનતા તરફથી ક્લીનચિટ મળે એ માટે રાતોરાત સત્યથી તદ્દન વેગળા કુતર્કોને તર્કબદ્ધ રીતે પીરસવાની કવાયત ચાલુ થઈ જાય છે. આમ કે તેમ થવા પાછળ, ભૂતકાળની કે ઇતિહાસની આ ઘટના જવાબદાર છે, અગાઉની ફલાણી સરકારનો ફલાણો નિર્ણય જવાબદાર છે તેવું ઠસાવવા આઈ.ટી. સેલની રાઇટર ટીમ દ્વારા ઢગલાબંધ સાહિત્ય તૈયાર કરવુ અને તેનો વિશાળ સ્કેલ પર ફેલાવો કરવાની પ્રવૃત્તિ એ સોશ્યલમીડિયાનું દુષણ છે જેના કારણે હત્યાકાંડ-ગેંગરેપ-હુલ્લડો વગેરે ગંભીર ઘટનાઓની જવાબદારી લેવામાંથી જવાબદાર પક્ષ છૂટી જાય છે અને ઉલ્ટું, બીજા કે ત્રીજા પક્ષ પર તેની જવાબદારી નાંખી દઈને એક કાંકરે બે પક્ષી મારે છે. રાજકીય સંદર્ભે તો આવી પ્રવૃત્તિ નૈતિકતા વિરુદ્ધ છે જ પણ સામાજિક પ્રવાહને પણ તે વિપરીત અસર કરે છે. દરેક જઘન્ય ઘટના પાછળ ઇતિહાસ-ભૂગોળ સમજાવી દેવાની હરક્તને કારણે જનતામાં એવો પડઘો પડે છે કે જે-તે સમુદાય સાથે, જે-તે સમુદાયની વ્યક્તિ સાથે અમુક-તમુક દુર્ઘટના થઈ પણ જવા દો, એ તો એ જ લાગના હતાં! સરવાળે સમાજમાં સંવેદનહીનતા વધવાની શકયતા રહે છે. વળી જઘન્ય અપરાધિક ઘટના સંદર્ભે જો કોઈ વ્યક્તિ સંવેદના વ્યક્ત કરે તો તેના પર જે-તે પક્ષના આઇટી સેલના લોકો તૂટી પડે છે, ટ્રોલ કરે છે, તેની સમજણ પર સવાલો ઉઠાવે છે જેના કારણે આવું કરનાર વ્યક્તિનું મોરલ તૂટી જાય છે. આમ, એકબાજુ ફેક નરેશનનું સમર્થન અને બીજું બાજુ સત્ય રજૂ કરનારને રંજાડવાની પ્રવૃત્તિ પોસ્ટ-ટ્રુથનું વર્ચસ્વ વધારવાનું કામ કરે છે. બીજું, રાજનેતાઓ કે તેના પ્રખર સમર્થકોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી વાત પર તેના ને તેના માણસો સકારાત્મક અભિપ્રાયો આપતાં રહે છે. લોકો સમજે છે કે જે તે વ્યક્તિની વાત પર સમાજના બૌદ્ધિક શિક્ષિત વર્ગના લોકો સહમત છે તો તેનામાં નક્કી કંઈક તથ્ય હશે જ. આમ, કૃત્રિમ રીતે ઉભો કરાયેલો જનમત ધીરે ધીરે એક તંદુરસ્ત ધારણાનું/સ્વીકૃતિનું રુપ લે છે.
જે-તે નિષ્ફળતામાં કે ઘટનામાં જવાબદાર રાજકીય પક્ષને જનતા તરફથી ક્લીનચિટ મળે એ માટે રાતોરાત સત્યથી તદ્દન વેગળા કુતર્કોને તર્કબદ્ધ રીતે પીરસવાની કવાયત ચાલુ થઈ જાય છે
જો તમે કોઈ યુક્તિ વડે લોકોના દિલ સુધી પહોંચવામાં સફળ થાવ છો, તો પછી તમે સાચુ બોલો છો કે જૂઠું બોલો છો તેની લોકોને કોઈ પરવા નથી
સમાજમાં વધતી અરાજકતા વચ્ચે બુદ્ધિજીવીઓનું મૌન, બૌદ્ધિકોની નિરપેક્ષતા/સાપેક્ષતા કરતાંય વધુ, ડરનું તત્વ પોસ્ટ- ટ્રુથના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ સારી અપીલ ધરાવતો નેતા જનતાને કહે કે તમે ફલાણી ચીજથી ડરી રહ્યા છો તેના કારણમાં તો અમુક -તમુક બાબતો છે અને હું જ તમને તેમાંથી બહાર કાઢી શકું એમ છું. અથવા પ્રભાવશાળી નેતા તેના અસરકારક ભાષણ વડે કૃત્રિમ ભય ઉભો કરીને તેમજ ભવિષ્યના ફુલગુલાબી સપના દેખાડીને જનતાને પોતાની વાતો જ સત્ય છે એવું માનવાની અદ્રશ્ય ફરજ પાડે છે. ડર જેટલો મોટો હશે, તેના સંદર્ભે રજૂ કરાયેલ ‘પોસ્ટ ટ્રુથ’ની પક્કડ એટલી જ મજબૂત રહેશે. ભારતની વાત કરીએ તો, પરસ્પર સમાંતરે રાજનેતાઓના વલણને લઈને બે બાબતો જડબેસલાક જનમાનસમાં ઘર કરી ગઈ છે. સરેરાશ મુસ્લિમ માને છે કે બીજેપી તો આપણને હેરાન કરવામાં કઈ બાકી નહીં રાખે માટે સલામત રહેવું હોય તો ભલે ભ્રષ્ટાચાર કરતી હોય પણ કોંગ્રેસને સપોર્ટ કરો. જ્યારે સરેરાશ હિંદુ કહે છે કે બીજેપી ન આવી તો તો હિન્દુત્વને ખતરો છે એટલે મોંઘવારી- વિકાસ બધું એકબાજુ મૂકીને બીજેપીને સાથ આપો. આ બન્ને માન્યતા સંપૂર્ણ સત્ય નથી. અથવા તો સત્ય લાગે તેવું, સત્ય અને અસત્ય વચ્ચેના પ્રદેશમાં જેનું સ્થાન છે. પણ લોકોના આવા અભિપ્રાયમાં તથ્યગત સત્યતા કરતાં વધુ, નેતાઓએ ઉભો કરેલો હાઉ મહત્વનો ભાગ ભજવે છે. ડર બતાવીને વૈમનસ્ય ઉભું કરવામાં આવે ત્યારે ડર આગળ વિવેક અને તર્ક હણાય જાય છે અને અંતે જનોતેજક ભાષણ આપનારા સફળ થાય છે. પાસ આંદોલન, મરાઠા આંદોલન, અથવા આરક્ષણ સંબંધિત તાજેતરનું મણિપુર આંદોલન વગેરે લોકોના ડરની ભાવનાને ભડકાવવાની, એ સંદર્ભે ફેક નરેશન સ્પ્રેડ કરવાની રાજનીતિના ઉદાહરણ છે. (જે -તેને અનામત મળી ગયું અને અમને ન મળ્યું એટલે આપણો સમુદાય પછાત રહી જશે એ ડર સાચો હોય તો પણ તેને વધુ હાઇપ આપીને રાજનૈતિક ફાયદો ઉઠાવવામાં આવે)
જ્યારે કોઈ દેશમાં એકધારી અરાજકતા, એક રાજકીય પક્ષનું વર્ચસ્વ વધી જાય છે પછી સમયાંતરે એ તબક્કો આવે છે કે જનતામાં તે પક્ષ પ્રત્યે અસંતોષ વધતો જાય છે. એવા સમયે નેતૃત્વના ગુણથી ભરપૂર પ્રભાવશાળી નેતા તેમની તકલીફનો એકમાત્ર ટ્રબલ શૂટર છે એવો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થાય, ‘હું જ તારો ઈશ્વર’ પોસ્ટ-ટ્રુથનું આ એક કાયમી સ્લોગન ગણી શકાય કે જ્યારે લોકોનો વિશ્વાસ એક વ્યક્તિમાં સ્થાપિત થાય એ પછી તેના સો જુઠને જનતા તર્કથી નહીં પણ વિશ્વાસથી તોલે છે. આવા નેતાઓ વાક્પટુતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. અને ઇતિહાસની ભૂલો તેમજ ભવિષ્યના ગુલાબી સપના અંગે ભ્રામક બયાનબાજી કરીને લોકોને આકર્ષવામાં સફળ રહે છે. હિટલર પ્રત્યે જર્મનીની પ્રજાનો વિશ્વાસ એ આ અંગેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
હિલેરીની જગ્યા તો જેલમાં છે, સાઉથ અમેરિકા દ્વારા અમેરિકામાં ચાલતાં ડ્રગ રેકેટ બંધ કરાવીશ, દરેકના ખાતામાં પંદર-પંદર લાખ, હું જીતી ગયો તો ફલાણી પાર્ટીના સિનિયર નેતાઓના કૌભાંડ બહાર પાડીશ.. વગેરે વગેરે અનેક ચુનાવી જુમલા પણ પોસ્ટ ટ્રુથના જ પ્રકાર છે. જે-તે રાજનેતા જે બોલી રહ્યો છે એ જ સાચું છે અને જો એ જીતાઈને આવશે તો જ જનતાનું ભલું થશે એવો વિશ્વાસ સંપાદન કરવો એ એક વિજ્ઞાન છે. એક ન્યૂઝએન્કરે ખબર ફેલાવી કે બે હજારની નોટમાં નેનોચીપ છે, નોટબંધીનાં ફાયદા, સ્વિસબેન્કોમાં જમા કાળું ધન પરત લાવવાની વાત, બટેટામાંથી સોનુ બનાવવાની વાતને ટ્વિસ્ટ કરીને રજૂ કરવી, ફોટોશોપ કરીને ભૂતકાળના રાજનેતાઓના ચરિત્રને હાની કરવી, ચોકીદાર ચોર છેના નારા, વગેરે પોસ્ટ ટ્રુથના ઉદાહરણો છે જેને જનતાએ જે-તે સમયે સત્ય માન્યું હતું અથવા હજુપણ માને છે.
પોસ્ટ ટ્રુથનો એ કરિશ્મા છે કે છેતરાનારો પણ જાણે છે કે એ છેતરાઈ રહ્યો છે છતાં તે એ કરિશ્માઈ અસરમાંથી બહાર આવવા નથી માંગતો. જેના કારણમાં જે-તે પક્ષ કે જે-તે નેતાની જનતા પરની મજબૂત પક્કડ છે. અસરકારક, છટાદાર ભાષણો અને એવી જ અપીલિંગ પર્સનાલિટી એ પોસ્ટ-ટ્રુથ સફળ થવાની પહેલી શરત છે. એ પછી, નેતાએ આપેલા વચનો કેટલા અંશે ફુલફિલ થયા એ ગૌણ બની જાય છે.
સત્ય-અસત્ય-અર્ધસત્ય, વિશ્વાસ-અવિશ્વાસ-અંધવિશ્વાસ બધી બાબત અલગ ભલે હોય પણ મૂળે એકબીજા સાથે જોડાયેલી છે. વિશ્વાસનો અભાવ એ અવિશ્વાસ અને અતિરેક એ અંધવિશ્વાસ છે.એ જ રીતે સત્યનું. હિટલરે કહ્યું છે કે એક જુઠને સો વાર દોહરાવો તો એ સત્ય થઈ જાય છે, એ વિધાનને જાણે મંત્ર માનીને પોસ્ટ ટ્રુથના આ યુગમાં રાજનેતાઓ ઉપરના તત્વોનું તમને ગમતું મિશ્રણ તૈયાર કરીને તમને પીરસે છે. આમ, આજની રાજનીતિ પોસ્ટ ટ્રુથથી સંક્રમિત થયેલી છે. ધ્યાનથી જોઈએ તો 2008-09ની મંદીનો પહેલો દૌર પૂરો થયા બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો તમે કોઈ યુક્તિ વડે લોકોના દિલ સુધી પહોંચવામાં સફળ થાવ છો, તો પછી તમે સાચુ બોલો છો કે જૂઠું બોલો છો તેની લોકોને કોઈ પરવા નથી. ન તો એ વાતની ચિંતા છે કે આ બધું કરીને તમે તેમને ખાઈમાં તો નથી ધકેલી રહ્યા ને!
જો કે રાજનીતિમાં અપ્રમાણિકતા એ કોઈ નવી વાત નથી પણ આજે જે હદે એ લોકોના અભિપ્રાયને પ્રભાવિત કરી રહી છે, વૈમનસ્ય વધારી રહી છે, તથ્યને ઉલ્ટાવવામાં સફળ રહી છે, જુઠને સત્ય અને સત્યને જુઠ કહેવામાં સફળ થઈ રહી છે એ ચિંતાજનક છે.વિદ્વાનો ચિંતા દર્શાવે છે કે, તથ્ય તથા વિવેકને કોરાણે મૂકીને ફક્ત વિશ્વાસને સત્યનો આધાર માનવામાં આવશે તો તેનું પરિણામ પ્રજ્ઞાહીન ટોળાઓના સર્જનથી વધુ શું હશે? અલબત્ત, ચાણક્ય કહે છે કે, સત્ય એક જ છે જેને વિદ્વાનો અલગ અલગ રીતે રજૂ કરે છે. એટલે સમજદાર વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, યથાર્થને ચકાસી અભિપ્રાય બનાવવો રહ્યો જેના માટે પૂર્વગ્રહમુક્ત શુદ્ધ જ્ઞાન જરુરી છે. એમ કરવામાં માનવજાતનું કલ્યાણ છે. સત્યને અસત્ય કહેવાથી સત્યને નુકશાન નથી, સમાજને જ છે. એટલે જ ફિલસૂફ પ્લેટોએ કહ્યું છે કે સત્ય આપણા વિચારોથી સ્વતંત્ર છે.જો કોઈ તેના પર વિશ્વાસ ન કરે તો પણ તે હંમેશા આપણી વચ્ચે રહેશે. (સંપૂર્ણ)