ટ્રાવેલર્સના કર્મચારીએ જ યુગલ સાથે મળી 14.01 લાખની લૂંટની ખોટી સ્ટોરી બનાવી હતી
શહેર ક્રાઈમ બ્રાન્ચના PI વાય.બી.જાડેજા અને તેની ટીમે સોનાના બિસ્કિટ, મોબાઈલ, બાઈક સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પરંતુ અહીં તો આખો કેસ જ અલગ છે. એક ટ્રાવેલર્સ કંપનીના કર્મચારીને રૂપિયાની જરૂર હોવાથી પોતે જ અપહરણ થયાનું અને લૂંટનું તરકટ રચ્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તેનો ભેદ ઉકેલી સોનાના બિસ્કિટ, બાઈક, મોબાઈલ સહિત 14.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
યુનિવર્સિટી રોડ, સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા અને ભાગીદારીમાં વિનાયક હોલી ડેઝના નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની સાથે ગોલ્ડ સ્કીમનું કામકાજ કરતા પ્રતિકભાઇ ચંદ્રકાંતભાઇ ભીમજિયાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ઓફિસમાં છ વર્ષથી નોકરી કરતા હાર્દિક સુરેશભાઇ ટાંકને ગત તા.26ની સાંજે ભાગીદાર ધાર્મીનભાઇએ સોની બજારમાં રૂ.5.74 લાખની રોકડ દેવા અને ત્યાંથી 100 ગ્રામના સોનાના બે બિસ્કિટ લેવા મોકલ્યો હતો.
ઘણો સમય વિતવા છતાં હાર્દિક પરત નહી આવતા ફોન કર્યા હતા. ફોન રિસીવ ન કર્યા બાદ હાર્દિકનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો. જેથી જ્યાં મોકલ્યો હતો તેમને ફોન કરતા તે વીસેક મિનિટ પહેલા રોકડ આપી અને સોનાના બે બિસ્કિટ લઇને નીકળી ગયો હોવાની વાત કરી હતી. હાર્દિકના ઘરે તપાસ કરવા છતાં તેની ભાળ નહિ મળતા અંતે હાર્દિક ગુમ થયાની પોલીસમાં જાણ કરી હતી. દરમિયાન સાડા અગિયાર વાગ્યે અજાણ્યા નંબર પરથી હાર્દિકનો ફોન કરી પોતાને લઇ જવા કહ્યું હતું. જેથી તું ક્યાં છે તેવું પૂછતા તે મેટોડા હોવાનું જણાવ્યું હતું. હાર્દિકની માહિતી મળતા પોતે ભાગીદાર ધાર્મીનભાઇ અને પિતા સાથે મેટોડા દોડી ગયા હતા. હાર્દિકને બનાવ અંગે પૂછતા તે સોની બજારમાંથી સોનાના બિસ્કિટ લઇને પરત ઓફિસે આવતો હતો. આરએમસી ચોકથી ગેસ્ફોર્ડ જવાના રસ્તે પહોંચતા એક નંબર પ્લેટ વગરનું બાઇક કે જેમાં યુવક-યુવતી હતા. તેનું બાઇક પોતાના ટુ વ્હિલના હેન્ડલ સાથે અથડાયું હતું. જેથી બાઇકસવાર યુવકે પોતાને ઊભો રખાવી ઝઘડો કર્યો હતો.
બાદમાં પોતાને બળજબરીથી તેના બાઇક વચ્ચે બેસાડી માલવિયા ચોકથી કટારિયા ચોકડી, દોઢસો ફૂટ રિંગ રોડ અને ત્યાંથી જામનગર હાઇવે પર લઇ ગયા હતા. અવાવરું સ્થળે બાઇક ઊભું રાખી પોતાના ખિસ્સામાં રહેલા સોનાના બે બિસ્કિટ, મોબાઇલ અને પર્સમાં રહેલા રોકડા રૂ.4500 મળી કુલ રૂ.12,69,500ના મતા લૂંટી લીધી હતી. ત્યાર બાદ ફરી પોતાને બાઇકમાં બેસાડી મેટોડા ઉતારી નાસી ગયાનું હાર્દિકે જણાવ્યું હતું.
- Advertisement -
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી. જાડેજા સહિતની ટીમે શરૂઆતથી જ શંકામાં રહેલા કર્મચારી બંટી-બબલી હસનૈન રફિક ભાષ અને કોમલ ધીરજગીરી ગોસાઇને સકંજામાં લઇ પૂછપરછ કરતા ભેદ ખુલી ગયો હતો. બંટી-બબલીને 14.01 લાખની લૂંટમાંથી બે લાખ રૂપિયા આપવાનું ટ્રાવેલર્સે નક્કી કર્યું હતું.