રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા યુક્રેનના રાષ્ટ્રપતિ તૈયાર હોવાના અહેવાલ બાદ રશિયાએ પણ સહમતિ દર્શાવી છે. જો કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સીઝ ફાયર માટે બે મહત્ત્વની શરતો રજૂ કરી છે, જેનાથી ઝેલેન્સ્કીની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. અમેરિકા આ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે.
પુતિને મૂકી શરત
પુતિને યુ્ક્રેન સાથે સીઝ ફાયર કરાર પર સહમતિ દર્શાવતાં બે શરતો મૂકી છે. જેમાં પહેલી શરત યુક્રેનને નાટોમાં સામેલ થતો અટકાવવો અને બીજી શરત યુદ્ધ દરમિયાન રશિયા દ્વારા કબજે કરવામાં આવેલા ક્રિમિયા સહિત ચાર વિસ્તારો રશિયાને સોંપવા આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી આપવાનો છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અગાઉ અનેક વખત અમેરિકા અને નાટો સમક્ષ આ માંગ ઉઠાવી ચૂક્યું છે.
- Advertisement -
ઝેલેન્સ્કીની મુશ્કેલી વધશે
પુતિનની આ માગ યુક્રેન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થયુ છે. અમે હવે રશિયા જઈશું અને પુતિનને યુદ્ધવિરામ માટે તૈયાર કરીશું. પરંતુ પુતિનની આ શરતો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ઝેલેન્સ્કીએ અગાઉ સીઝફાયર માટે બંને દેશો દ્વારા યુદ્ધ દરમિયાન બંધક બનાવેલા પોતાના નાગરિકો અને સેનાના જવાનોને મુક્ત કરવાની શરત મૂકી હતી. પરંતુ પુતિનની યુક્રેનનો વિસ્તાર કબજે કરવાની શરતનો ઝેલેન્સ્કી સ્વીકાર કરે છે કે કેમ તે જોવાનું રહેશે.
અમેરિકાએ 30 દિવસનો સીઝ ફાયર કરાર તૈયાર કર્યો
- Advertisement -
સઉદી અરબમાં યુક્રેન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર મુદ્દે સહમતિ થઈ છે. ત્યારબાદ અમેરિકાએ 30 દિવસનો સીઝ ફાયર પ્લાન રશિયાને મોકલી આપ્યો હતો. પણ પુતિને કોઈ પ્રતિક્રિયા ન આપતાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી હતી. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેમને અપેક્ષા છે કે, રશિયા સીઝ ફાયર માટે સહમત થશે. અમારા પ્રતિનિધિ રશિયા જઈ રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસનો સીઝ ફાયર એગ્રીમેન્ટ પુતિનને મોકલી આપ્યો છે.
ટ્રમ્પે પુતિનને આપી ચેતવણી
અમેરિકાના સીઝ ફાયર એગ્રીમેન્ટ મુદ્દે પુતિને કોઈ પ્રતિક્રિયા ન આપતાં ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી છે કે, ‘જો રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેને તેના આર્થિક પરિણામ ભોગવવા પડી શકે છે. અમે રશિયા વિરૂદ્ધ કેટલાક આકરાં પગલાં લઈ શકીએ છીએ જે તેના પર નકારાત્મક અસર કરી શકે છે, નાણાકીય સ્થિતિ ખોરવી શકે છે. જે રશિયા માટે ઘાતક સાબિત થશે. હું આ પ્રકારના પગલાં લેવા માગતો નથી, મારો ઉદ્દેશ શાંતિ સ્થાપિત કરવાનો છે.’