રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ, બે હિટાચી મશીન અને એક ડમ્પર જપ્ત કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના તિથવા ગામની સીમમાં વડસર નજીક ચાલતી ખનીજચોરી પર મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી ખનીજચોરી કરતા બે હિટાચી મશીન અને એક ડમ્પર મળી કુલ રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક આવેલ ગાયત્રી સ્ટોન કાર સામે છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજચોરી ચાલતી હોય જ્યાં મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે. એમ. વાઢેરની સૂચનાને પગલે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો કરીને સરકારી ખરાબામાં ગેરકાયદેસર માટી ખનિજનું ખોદકામ કરતા બે હિટાચી મશીન અને એક ડમ્પરને ઝડપી પાડયા હતા.
આ દરોડામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જગાભાઈ બાંભવા (રહે. કેરાળા) ની માલિકીનું એક હિટાચી મશીન તથા નરેશભાઈ ભુંભરીયા (રહે. મકનસર) ની માલિકીનું એક હિટાચી તથા એક ડમ્પર મળી અંદાજે રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર ખોદકામની માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું ખાણ ખનીજ વિભાગ દ્વારા જણાવાયું છે.