લંડનમાં આવેલી આ ઓલ્ડ વૉર ઑફિસનું નિર્માણ 120 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું
લંડનના વાઇટ ડૉલ વિસ્તારમાં આવેલી ઓલ્ડ વૉર ઑફિસમાં બેસીને ચર્ચિલ યુદ્ધની રણનીતિ બનાવતા, તો જેમ્સ બૉન્ડ બિગ સ્ક્રીન પર બિલ્ડિંગ પર જોવા મળતો. લંડનમાં આવેલી આ ઓલ્ડ વૉર ઑફિસનું નિર્માણ 120 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. 1906માં એનું નિર્માણકાર્ય પૂરું થયું હતું, જેમાં 26,000 ટન પોર્ટલેન્ડ સ્ટોન, 3000 ટેન યૉર્ક સ્ટોન, મોટી સંખ્યામાં રોમન ક્યુબ મોઝેઇક અને 2.6 કરોડથી વધુ ઇંટનો ઉપયોગ થયો હતો. આ બિલ્ડિંગ 7,70,000 ચોરસ ફુટમાં ફેલાયેલું છે અને ડાઉનિંગ સ્ટ્રીટથી ઘણું નજીક છે. બન્ને વિશ્વયુદ્ધ વખતે આ બિલ્ડિંગે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ એક સરકારી ઑફિસ કરતાં ભવ્ય કિલ્લા જેવું વધુ દેખાતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન 2500 લોકો અહીં કામ કરતા હતા. અહીં 1000 રૂમ તથા અંદાજે 2.5 માઇલ કૉરિડોર હતા, જ્યાં બૉય સ્કાઉટ્સ સંદેશવાહક તરીકે કામ કરતા હતા.
- Advertisement -
આ બિલ્ડિંગ ક્યારેય સામાન્ય લોકો માટે ખુલ્લું રહ્યું નથી. જોકે લાખો લોકોએ એને જેમ્સ બૉન્ડની ફિલ્મમાં જોયું છે. જેમ્સ બૉન્ડની ભૂમિકા ભજવતો કલાકાર ડૅનિયલ ક્રેગ ઘણી વખત આ બિલ્ડિંગની છત પર ઊભો રહેલો જોવા મળે છે. જોકે હવે આ ઇમારત જાહેર જનતા માટે ખૂલવાની છે. સિંગાપોરના રેફલ્સ ગ્રુપે આ ઇમારતનો અડધો ભાગ ખરીદી લીધો છે. એના પર બ્રિટનમાં આવેલી પહેલી રેફલ્સ હોટેલ બનશે અને એક રાતના 1000 પાઉન્ડ (અંદાજે 93,000 રૂપિયા)ના ભાડેથી એમાં રહી શકાશે. બાકીના 50 ટકા ભાગમાં 85 જેટલા અપાર્ટમેન્ટ છે જેમાં પાંચ બેડરૂમના પેન્ટહાઉસનો સમાવેશ છે. એમાંથી કુલ 200 મિલ્યન (અંદાજે 18 અબજ રૂપિયા) મળવાનો અંદાજ છે, જે એને દેશનો સૌથી મોંઘો ફ્લૅટ ગણાવે છે. ૨૦૧૬માં ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ બિલ્ડિંગ હિન્દુજા ગ્રુપને 250 વર્ષના લીઝ 52.350 મિલ્યન (અંદાજે 32 અબજ રૂપિયા)માં વેચ્યું હતું. આ બિલ્ડિંગની એક અબજ પાઉન્ડ (93 અબજ રૂપિયા)ના ખર્ચે કાયાપલટ માટે 1000 કૉન્ટ્રૅક્ટર્સ કાર્યરત છે.