સરકારની કડક એડવાઇઝરી બાદ મેટાનો મહત્વપૂર્ણ નિર્ણય; યુઝર્સની ફરિયાદની રાહ જોયા વિના જ આપત્તિજનક પોસ્ટ રિકમેન્ડેશનમાંથી દૂર થશે
અનફોલો કરેલા એકાઉન્ટ્સની પોસ્ટ પર AIની ઝીણવટભરી તપાસઃ ડિજિટલ પ્લેટફોર્મ બનશે વધુ સુરક્ષિત
- Advertisement -
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભારતમાં પોતાના કન્ટેન્ટ રિકમેન્ડેશન સિસ્ટમ અને એલ્ગોરિધમમાં મોટો અને મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા બદલાવ બાદ હવે પ્લેટફોર્મ પર યુઝર્સને અશ્લીલ, વાંધાજનક અને હિંસક કન્ટેન્ટ ખૂબ જ ઓછું જોવા મળશે. ભારત સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પીરસાતા કન્ટેન્ટ અંગે દાખવવામાં આવેલી કડકાઈ બાદ, ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા દ્વારા આ મોટું ‘ક્લીન-અપ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ પગલાથી ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ ઊભું કરવામાં મદદ મળશે.આ અભિયાનને સફળ બનાવવા માટે કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નવા અને અત્યંત અદ્યતન મોડલનો ઉપયોગ શરૂ કર્યો છે. આ આધુનિક AI મોડલ પ્લેટફોર્મ પર અપલોડ થતા આપત્તિજનક અને હિંસક કન્ટેન્ટની આપમેળે ઓળખ કરી લેશે અને તે સામાન્ય યુઝર્સની સ્ક્રીન સુધી પહોંચે તે પહેલાં જ તેને રિકમેન્ડેશન સિસ્ટમમાંથી દૂર કરી દેશે. આ નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે AI મોડલ કોઈ યુઝરની ફરિયાદ આવે તેની રાહ જોયા વિના જ પોસ્ટની ઝીણવટભરી તપાસ કરશે. આ નિયમ ખાસ કરીને રીલ્સ, એક્સપ્લોર પેજ અને ફીડમાં દેખાતી એવી તમામ પોસ્ટ્સ પર લાગુ થશે, જે એકાઉન્ટ્સને યુઝર્સ ફોલો કરતા નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૧૦ ઑક્ટોબરના રોજ ભારત સરકારે મેટાને એક કડક એડવાઇઝરી જાહેર કરી હતી. આ એડવાઇઝરીમાં સરકારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની કન્ટેન્ટ રિકમેન્ડેશન સિસ્ટમ તેમજ એલ્ગોરિધમની તાત્કાલિક સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારના આ કડક વલણ બાદ કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર સુધારાત્મક પગલાં ભરવાની ફરજ પડી છે. AI ફિલ્ટરિંગ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ પોતે પણ પોતાના ફીડમાં દેખાતા કન્ટેન્ટને સરળતાથી નિયંત્રિત કરી શકશે. યુઝર્સ ‘નોટ ઇન્ટરેસ્ટેડ’ વિકલ્પ પસંદ કરીને પોતાને ન ગમતી પોસ્ટ્સ બતાવવાનું ઓછું કરી શકે છે. આ ઉપરાંત, ‘સેન્સિટિવ કન્ટેન્ટ કંટ્રોલ’ ફીચરની મદદથી સંવેદનશીલ સામગ્રીને મર્યાદિત કરી શકાય છે અને ‘હિડન વર્ડ્સ’ સુવિધા દ્વારા વાંધાજનક શબ્દો તથા અશ્લીલ કમેન્ટ્સને પણ આપમેળે ફિલ્ટર કરી શકાય છે.ખાસ કરીને નાની વયના યુઝર્સ અને કિશોરોની ઓનલાઈન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટાગ્રામ દ્વારા ‘ટીન એકાઉન્ટ્સ’ની વિશેષ સુવિધા પણ અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ૧૩+ કન્ટેન્ટ સેટિંગ દ્વારા કિશોરોને માત્ર તેમની ઉંમરને અનુરૂપ અને યોગ્ય હોય તેવી જ પોસ્ટ્સ બતાવવામાં આવે છે, તેમજ તેમના એકાઉન્ટ પર વધારાના કડક સુરક્ષા નિયમો લાગુ રહે છે. મેટા કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે આગામી સમયમાં પણ યુઝર્સ તરફથી મળતા પ્રતિસાદ અને સૂચનોના આધારે પોતાની AI સિસ્ટમને સતત અપડેટ કરીને વધુ સારી અને સચોટ બનાવતી રહેશે.



