ગુપ્તચર એજન્સી NSAનું નેટવર્ક ઠપ, સરકારી એજન્સીઓથી લઈને બેંકો અને એપલની સેવાઓ પણ ફેલ
અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી એજન્સી, બેંક, ટેક કંપની અને એરલાઈન્સની સિસ્ટમોમાં સતત ખામીઓ સર્જાઈ રહી છે. મંગળવારે અમેરિકાની ગુપ્તચર એજન્સી નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA)નું ગુપ્ત સંચાર નેટવર્ક પણ ઠપ થઈ ગયું. આ જ દિવસે એપલની ઘણી સેવાઓ પણ બંધ થઈ ગઈ. આ પહેલાં માઈક્રોસોફ્ટ, બેંકિંગ સેવાઓ, હવાઈ ટ્રાફિક નિયંત્રણ અને યુનાઇટેડ એરલાઈન્સની સિસ્ટમોમાં પણ ખામી સર્જાઈ ચૂકી છે. વિદેશમંત્રી માર્કો રુબિયોએ આ અંગે જણાવ્યું છે કે આ બધી ખામીઓ અલગ-અલગ તકનીકી કારણોસર સર્જાઈ છે. અત્યાર સુધી કોઈ સાયબર હુમલા અથવા વિદેશી કાવતરાના પુરાવા મળ્યા નથી. એપલની સિસ્ટમમાં આંતરિક અપડેટ દરમિયાન ખામી સર્જાઈ. તેના કારણે એપલ મ્યુઝિક, એપ સ્ટોર અને એપલકેર કામ કરી રહ્યાં ન હતાં. આઈક્લાઉડમાં લોગિન કરવામાં પણ મુશ્કેલી આવી. એપલ પેને લઈને પણ યુઝર્સે ફરિયાદો કરી. કંપનીએ ઘણી સેવાઓ પુનઃસ્થાપિત કરી દીધી હતી અને બાકીની સેવાઓને ઠીક કરવાનું કામ ચાલી રહ્યું હતું.
- Advertisement -
અમેરિકામાં પાંચ દિવસમાં શું-શું થયું?
12 નવેમ્બર- માઇક્રોસોફટઃ આઉટલુક, ટીમ્સ અને કોપાઇલટ ઠપ થઈ ગયા. ઈમેલ અને ઓફિસનું કામકાજ પ્રભાવિત રહ્યું. ખામી ૧૪ નવેમ્બર સુધી ચાલી.
13 નવેમ્બર-અમેરિકન વિમાનન પ્રશાસનઃ નેટવર્ક અને રાઉટરમાં ખામી સર્જાતા ૪ કલાકથી વધુ સમય સુધી ફ્લાઇટ્સ રોકવામાં આવી. હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.
16 નવેમ્બર- જેપી મોર્ગન ચેઝઃ ઓનલાઇન બેન્કિંગ અને પૈસા ટ્રાન્સફર કરવાની સર્વિસ પર અસર પડી.
16 નવેમ્બર- યુનાઇટેડ એરલાઇન્સ સિસ્ટમ ૯૦ મિનિટથી વધુ સમય સુધી ઠપ રહી. લગભગ ૧૫૦ ફ્લાઇટ્સમાં વિલંબ થયો.
17 નવેમ્બર- NSA, એપલ અને મેરિયટ હોટેલ: NSA-ગુપ્તચર એજન્સીનું ગોપનીય નેટવર્ક એનએસએનેટ ઠપ થઈ ગયું. કર્મચારીઓને અલગ-અલગ સમયે ઓફિસ બોલાવવા પડ્યા. જ્યારે એપલ મ્યુઝિક, એપ સ્ટોર, એપલકેર, આઇક્લાઉડ અને એપલ પેમાં ગડબડ આવી. મેરિયટ હોટેલ-વેબસાઇટ અને એપ ઠપ થવાથી હોટેલ બુકિંગ અને ચેક-ઇન પર અસર પડી.



