ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય તે માટે પાર્લર, ડેરી, હોટેલ અને કેટરર્સને મેનુ કાર્ડ તથા દુકાન પર સ્પષ્ટ ઉલ્લેખ કરવા આદેશ; નિયમભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થશે
દુકાન પર મોટા અક્ષરોમાં લખવું પડશે કે, વેચાતી પ્રોડક્ટ ‘આઈસ્ક્રીમ’ છે કે ‘ફ્રોઝન ડેઝર્ટ’
- Advertisement -
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા સંચાલિત ‘ઈટ રાઈટ ઈનિશિએટિવ’ (Eat Right Initiative) અંતર્ગત નાગરિકોને સુરક્ષિત, પૌષ્ટિક અને યોગ્ય માહિતીસભર આહાર મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ગુજરાત રાજ્ય અને રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જાહેર હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહકોમાં ‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ વચ્ચેના તફાવત અંગે સ્પષ્ટતા જળવાઈ રહે અને ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય તે હેતુથી તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ, રિટેલર્સ, પાર્લર સંચાલકો તેમજ કેટરિંગ સર્વિસ આપનારાઓ માટે ખાસ સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણય મુજબ, આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતાં દરેક આઈસ્ક્રીમ પાર્લર, ડેરી, દુકાન તેમજ વેચાણ કેન્દ્ર પર ગ્રાહકોને સરળતાથી અને સ્પષ્ટપણે દેખાય તે રીતે મોટા અક્ષરોમાં સાઈન બોર્ડ લગાવવાનું રહેશે, જેમાં તેમના દ્વારા વેચવામાં આવતી કે ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ ‘આઈસ્ક્રીમ’ છે કે ‘ફ્રોઝન ડેઝર્ટ’ તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થની ગુણવત્તાની સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે આઈસ્ક્રીમ દૂધની મલાઈ (Dairy Fat) માંથી બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ તેલ કે ફેટ (Vegetable Oil/Fat) નો ઉપયોગ થાય છે, તેથી ગ્રાહક પોતે શું ખરીદી રહ્યા છે તેની સચોટ જાણકારી મેળવી શકે તે તેમનો અધિકાર છે. આ ઉપરાંત, હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ પણ તેમના મેનુ કાર્ડમાં પીરસવામાં આવતી વાનગી આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તેની સ્પષ્ટ નોંધ કરવાની રહેશે. તમામ ખાદ્ય પદાર્થના ઉત્પાદકો અને વિક્રેતાઓને આ નિયમનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને જો કોઈ વેપારી કે ઉત્પાદક દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવશે અથવા નિયમ મુજબ સાઈન બોર્ડ લગાવવામાં નહીં આવે, તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટની ખરીદી કરતી વખતે સાઈન બોર્ડ અને પેકેજિંગ પરની વિગતો અવશ્ય તપાસે.




