નવરાત્રી બાદ મેદાનની ઘોર ખોદાઈ જતા રાજકોટ મનપાનો આવકારદાયક નિર્ણય
આવનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેડિયમને માત્ર ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે જ રિઝર્વ રાખવાની દરખાસ્ત મુકાશે
- Advertisement -
ગત વર્ષે 4 સપ્ટેમ્બર 2025ના સ્ટેન્ડિંગ કમિટીમાં ગ્રાઉન્ડ ભાડે આપવાનો નિર્ણય લેવાયો હતો જેનો ખાસ ખબરે વિરોધ કર્યો હતો
નવરાત્રી આયોજન બાદ મેદાનનું ઘાસ ઉખડી જતાં અને ધૂળ ઉડતી થતાં મનપા તંત્ર સફાળું જાગ્યું
- Advertisement -
રાજકોટના રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને હવેથી ક્રિકેટ સિવાય અન્ય કોઈ પણ વ્યવસાયિક કે કોમર્શિયલ હેતુ માટે ભાડે નહીં આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની સત્તાવાર દરખાસ્ત આવનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવશે. ગત વર્ષે જ્યારે સ્ટેડિયમ નવરાત્રી માટે ભાડે આપવાનો નિર્ણય લેવાયો હતો, ત્યારે ‘ખાસ ખબર’ દ્વારા આ નિર્ણયનો પ્રબળ વિરોધ કરવામાં આવ્યો હતો, જેના અહેવાલો અંતે સાચા ઠર્યા છે.ગત વર્ષે 4 સપ્ટેમ્બર 2025ના રોજ મળેલી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પૂર્વ શાસકો દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ નવરાત્રીના આયોજન માટે ભાડે આપવાની ચર્ચાસ્પદ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. તે સમયે 15 દિવસનું ભાડું ₹30 લાખ નક્કી કરાયું હતું. આ નિર્ણય સામે ‘ખાસ ખબરે’ અવાજ ઉઠાવ્યો હતો અને રજૂઆત કરી હતી કે શહેરમાં ક્રિકેટ માટે આ એકમાત્ર સુવિધાજનક ગ્રાઉન્ડ છે, તેને કોમર્શિયલ હેતુ માટે આપવાથી મેદાનને નુકસાન પહોંચશે.
એક જ વર્ષમાં સ્ટેડિયમની હાલત બદતર બનીઃ લીલુંછમ મેદાન ધૂળિયું બન્યું
નવરાત્રી માટે ગ્રાઉન્ડ ભાડે અપાયા બાદ સ્ટેડિયમની દશા બેસી ગઈ હતી. તંત્રની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર એક જ વર્ષના ગાળામાં મેદાનની હાલત અત્યંત બગડી ગઈ છે. મેદાનનું લીલુંછમ ઘાસ ઉખડી ગયું છે અને હાલ ત્યાં માત્ર ધૂળ ઉડી રહી છે. સ્ટેડિયમની આવી દુર્દશા જોઈને મનપા તંત્રએ પોતાની ભૂલ સુધારતા હવે આ સ્ટેડિયમને માત્ર અને માત્ર ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે જ અનામત (રિઝર્વ) રાખવાનો નિર્ણય કર્યો છે.
ટેનિસ ક્રિકેટ માટે પણ ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તો રાજકોટવાસીઓ માટે ફાયદાકારક
મનપા દ્વારા સ્ટેડિયમને માત્ર ક્રિકેટ માટે જ રિઝર્વ રાખવાના નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે, પરંતુ તેની સાથે શહેરના રમતપ્રેમીઓ અને યુવાનોમાં એવો પણ સૂર ઉઠ્યો છે કે આ ગ્રાઉન્ડ માત્ર પ્રોફેશનલ ટૂર્નામેન્ટ પૂરતું સીમિત ન રહેતા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પણ વ્યાજબી દરે ભાડે આપવું જોઈએ. રાજકોટમાં ટેનિસ ક્રિકેટ રમનારા યુવાનોનો વર્ગ ખૂબ મોટો છે. જો મેદાનની જાળવણી અને નિયમોને આધીન રહીને ટેનિસ ક્રિકેટ માટે પણ મંજૂરી આપવામાં આવે, તો રાજકોટની જનતા અને સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાન પર રમવાનો લ્હાવો મળી શકે તેમ છે.આ નિર્ણય લેવાયો તેના 4 મહિના અગાઉ જ ‘ખાસ ખબરે’ અહેવાલ પ્રસિદ્ધ કરી ચેતવણી આપી હતી કે ગ્રાઉન્ડ ભાડે આપવાનો નિર્ણય યોગ્ય નથી. રાજકોટમાં પહેલેથી જ ક્રિકેટ મેદાનોની અછત છે—રેસકોર્સમાં ચકરડી-ભમરડી અને ખાણી-પીણીના સ્ટોલ હોવાથી ત્યાં ક્રિકેટ રમી શકાતું નથી, જ્યારે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં પણ દીવાલ ચણી લેવાતા ક્રિકેટ રમી શકાય તેવી સ્થિતિ રહી નથી.




